કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. 10મી મેએ એક જ તબક્કામાં મતદાન થશે અને 13મી મેના દિવસે પરિણામ જાહેર થશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ-કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે કર્ણાટકમાં 5.21 કરોડ મતદાર છે, જે 224 વિધાનસભા સીટો પર મતદાન કરશે.
9.17 લાખ મતદારો પ્રથમ વખત મતદાન કરશે. રાજીવ કુમારે કહ્યું હતં કે અમે અગાઉ એક પ્રક્રિયા શરૂ કરી હતી. આ અંતર્ગત 1 એપ્રિલે જેમની ઉંમર 18 વર્ષ થશે તેઓ પણ મતદાન કરી શકશે. આ માટે અમે એડવાન્સ અરજીઓ મગાવી હતી. વર્તમાન ભાજપ સરકારનો કાર્યકાળ 24 મેના રોજ પૂરો થઈ રહ્યો છે. આ વખતે પણ મુખ્ય મુકાબલો ભાજપ, કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે થશે. ગત વખતે જેડીએસ-કોંગ્રેસ સાથે હતા, પરંતુ આ વખતે જેડીએસ અલગથી ચૂંટણી લડશે.
કર્ણાટકમાં 224 વિધાનસભા બેઠક છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 104, કોંગ્રેસને 80 અને જેડીએસને 37 બેઠક મળી હતી. કોઈ પક્ષને બહુમતી મળી નહોતી. પછીથી કોંગ્રેસ-JDS ગઠબંધનની સરકાર બની.
કોંગ્રેસના ધારાસભ્યો મે મહિનામાં ભાજપમાં જોડાયા હતા અને 219ની બહુમતી સાથે સરકાર બનાવી હતી. ત્યાર બાદ સીએમ બીએસ યેદિયુરપ્પા બન્યા, પરંતુ તેમણે 6 દિવસ પછી રાજીનામું આપી દીધું. બસવરાજ બોમ્મઈને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.
2018ની કર્ણાટક ચૂંટણી સૌથી મોંઘી ચૂંટણી હતી
10 હજાર કરોડના ખર્ચે કર્ણાટકમાં 12 મે 2018ના રોજ 222 વિધાનસભા બેઠક પર મતદાન થયું હતું, જેમાં 5.06 કરોડથી વધુ મતદારોમાંથી વિક્રમી 72.13 ટકા મતદાન થયું હતું. સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝે એના સર્વેમાં એને સૌથી મોંઘી ચૂંટણી ગણાવી હતી. કર્ણાટક ચૂંટણીમાં લગભગ 10500 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.
સૌથી વધુ બેઠકો મુંબઈ-કર્ણાટક અને દક્ષિણ કર્ણાટકમાં છે
224 વિધાનસભા બેઠક ધરાવતું કર્ણાટક 6 જુદા જુદા ભાગોમાં વહેંચાયેલું છે. બેંગલુરુ, સેન્ટ્રલ, કોસ્ટલ, હૈદરાબાદ-કર્ણાટક, મુંબઈ-કર્ણાટક અને દક્ષિણ કર્ણાટક. મુંબઈ-કર્ણાટક અને દક્ષિણ કર્ણાટક સૌથી મોટો વિસ્તાર છે. મુંબઈ-કર્ણાટક (50) અને દક્ષિણ કર્ણાટક (51) મળીને 101 બેઠક છે.
કર્ણાટકમાં અત્યારે ચૂંટણીનો માહોલ કેવો છે?
BJP: 150 સીટનો ટાર્ગેટ, યેદિયુરપ્પા બનશે પ્રચાર સમિતિના વડા
ભાજપે આગામી વિધાનસભા ચૂંટણી માટે 150 બેઠકનો લક્ષ્યાંક રાખ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 મહિનામાં 7 વખત કર્ણાટકની મુલાકાત લીધી છે. છેલ્લી મુલાકાતમાં બીએસ યેદિયુરપ્પા અને મોદીની મુલાકાત ચર્ચાનો વિષય બની છે. મોદી 27 ફેબ્રુઆરીએ શિવમોગા પહોંચ્યા હતા અને અહીં જ તેમણે યેદિયુરપ્પાને નમન કર્યા હતા. યેદિયુરપ્પાએ નિવૃત્તિની જાહેરાત કરી છે. 4 વખત રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂકેલા 79 વર્ષીય યેદિયુરપ્પાને પ્રચાર સમિતિના વડા બનાવવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, યેદિયુરપ્પા પોતાના પુત્રો માટે રસ્તો બનાવવા માગે છે.
કોંગ્રેસઃ આ મહિને 124 ઉમેદવારની જાહેરાત કરી
વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસે 25 માર્ચે 124 ઉમેદવારની જાહેરાત કરી છે. પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વરુણા વિધાનસભાથી અને કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડીકે શિવકુમાર કનકપુરાથી ચૂંટણી લડશે. આ મહિનામાં રાહુલ ગાંધીએ રેલી કરી હતી. તેમણે સરકારના ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે કર્ણાટક સરકાર દેશની સૌથી ભ્રષ્ટ સરકાર છે, જો તમારે કંઈપણ કરવું હોય તો 40% કમિશન આપવું પડશે. તેમણે અનામતને ચૂંટણીનો મુદ્દો પણ બનાવ્યો અને કહ્યું કે જો તેઓ સત્તામાં આવશે તો એસસી-એસટી માટે અનામતનો ક્વોટા વધારવામાં આવશે.
કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી (AAP)એ 20 માર્ચે પોતાના 80 ઉમેદવારની જાહેરાત કરી છે.
JDS: એકલા ચૂંટણી લડશે
દક્ષિણ કર્ણાટક પાર્ટીનો ગઢ ભૂતપૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા (89)ની પાર્ટી જનતા દળ સેક્યુલર (JDS) 2018 વિધાનસભા ચૂંટણીમાં કિંગમેકર તરીકે ઊભરી આવી છે. ભાજપ ચોક્કસપણે સૌથી મોટી પાર્ટી હતી, પરંતુ JDSએ કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી. ત્યાર બાદ દેવેગૌડાના પુત્ર એચડી કુમારસ્વામી 23 મે 2018ના રોજ સીએમ બન્યા હતા.
જોકે 23 જુલાઈ 2019ના રોજ વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા પછી તેમની સરકાર પડી ગઈ. જાન્યુઆરીમાં એક કાર્યક્રમ દરમિયાન પાર્ટીના વડા કુમારસ્વામીએ કહ્યું હતું કે મોદી અને શાહ કર્ણાટકમાં 100 વખત આવે તોપણ ભાજપની સરકાર નહીં બને. કુમારસ્વામીએ ગયા વર્ષે ઓક્ટોબરમાં કહ્યું હતું કે તેઓ 2023ની ચૂંટણી એકલા જ લડશે.
દક્ષિણ કર્ણાટક જેને ઓલ્ડ મૈસૂર તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યાં જેડીએસનું વર્ચસ્વ છે. 2018માં આ પ્રદેશની 66 સીટમાંથી જેડીએસને 30 સીટ મળી હતી. આ સિવાય કોંગ્રેસને 20 અને ભાજપને 15 બેઠકો મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આ વર્ષે મોટા ભાગે આ વિસ્તારોની મુલાકાત લીધી છે.
યેદિયુરપ્પાએ રાજકીય જીવનમાં ઘણા ઉતારચઢાવ જોયા
કર્ણાટકના ચારવાર મુખ્યમંત્રી બનનારા બીએસ યેદિયુરપ્પાએ તેમના રાજકીય જીવનમાં ઘણા ઉતારચઢાવ જોયા છે. તેમની રાજકીય સફર ખૂબ રસપ્રદ રહી છે. તેમણે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)થી શરૂ કરી હતી. માત્ર 15 વર્ષની ઉંમરે તેઓ RSS સાથે જોડાઈ ગયા હતા. લિંગાયત સમુદાયમાંથી આવનારા યેદિયુરપ્પા કર્ણાટકમાં બીજેપીના સૌથી પ્રભાવશાળી નેતા માનવામાં આવે છે. કર્ણાટકમાં બીજેપીને સત્તા સુધી પહોંચાડવામાં યેદિયુરપ્પાની મુખ્ય ભૂમિકા રહી છે. તેમણે તેમની ચૂંટણી રાજકીય સફરની શરૂઆત 80ના દાયકાથી કરી હતી. તેઓ 1983માં પહેલીવાર શિકારીપુરાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યાર પછી તેમણે બીજેપીને કર્ણાટકના દરેક જિલ્લા સુધી પહોંચાડી અને સંગઠન મજબૂત કર્યું. ફળસ્વરૂપે 2006માં બીજેપીએ પહેલીવાર જેડીએસ સાથે મળીને સરકાર બનાવી. બંને પાર્ટીમાં વારાફરથી મુખ્યમંત્રી બનાવવાની સહમતી કરી અને પહેલા મુખ્યમંત્રી કુમારસ્વામીને બનાવવામાં આવ્યા.
5 વર્ષમાં 3 મુખ્યમંત્રી, પહેલા જેડીએસ-કોંગ્રેસ, પછી ભાજપ સરકાર
કર્ણાટકમાં 224 વિધાનસભા બેઠકો છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 104, કોંગ્રેસને 78 અને જેડીએસને 37 બેઠકો મળી હતી. કોઈ પક્ષને બહુમતી મળી નથી. યેદિયુરપ્પાએ 17 મેના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને 23 મેના રોજ ગૃહમાં બહુમતી સાબિત ન કરી શક્યા બાદ રાજીનામું આપ્યું હતું. આ પછી કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર બની.
14 મહિના બાદ કર્ણાટકના રાજકારણમાં ફરી વળાંક આવ્યો છે. કોંગ્રેસ અને જેડીએસના કેટલાક ધારાસભ્યોના બળવા બાદ કુમારસ્વામીને ખુરસી છોડવી પડી હતી. યેદિયુરપ્પાએ આ બળવાખોરોને ભાજપમાં ભેળવી દીધા અને 26 જુલાઈ 2019ના રોજ 219 ધારાસભ્યોના સમર્થનથી બીએસ યેદિયુરપ્પા સીએમ બન્યા, પરંતુ તેમણે 2 વર્ષ પછી રાજીનામું આપી દીધું. બસવરાજ બોમ્મઈને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.
ચૂંટણી પહેલાં અનામત, ટીપુ સુલતાન અને હિજાબનો મુદ્દો...
1. મુસ્લિમો માટે 4% અનામત સમાપ્ત
2. અનામતને લઈને બંજારા સમાજનો રોષ
3. ટીપુ સુલતાન આ વખતે પણ ચૂંટણીનો મુદ્દો છે
4. હિજાબ વિવાદ: સુપ્રીમ કોર્ટમાં ચુકાદો અનામત
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.