મુંબઈ નજીક નાલાસોપારામાં વેક્સિન લગાડવા માટે રજિસ્ટ્રેશન કરાવવા આવેલા એક વૃદ્ધનું મોત નિપજ્યું છે. 63 વર્ષના હરીશ પાંચાલ શુક્રવારે હેલ્થ સેન્ટર પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ બેભાન થઈને નીચે પડી ગયા. તેમના માથામાં ઈજા થી અને તેઓએ ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ લીધા. હરીશની સાથે આવેલા તેમના મિત્રએ નગર નિગમ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે.
પહેલાં ગભરામણ થઈ, જે પછી જમીન પર પડ્યા
હરીશ પાંચાલ નાલાસોપારા (પશ્ચિમ)ના પાટનકર પાર્કમાં રહેતા હતા.શુક્રવારે સવારે લગભગ 10 વાગ્યે તેઓ વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન કરાવવા સ્વાસ્થ્ય કેન્દ્ર પહોંચ્યા હતા. ઘટના સ્થળે હાજર લોકોનું કહેવું છે કે હરીશ સેન્ટરની બહાર લગભગ 1 કલાક સુધી લાઈનમાં ઊભા રહ્યાં હતા.
આ વચ્ચે તેઓને ગભરામણ થઈ. થોડી વાર પછી તેઓ જમીન પર જ પડી ગયા. જમીન પર પડતાં તેમનું માથું રૂમમાં લાગેલા એક પથ્થર સાથે અથડાયું અને લોહી વહેવા લાગ્યું. જે બાદ તેઓને નાલાસોપારા (પૂર્વ)ની તુલિંજમાં પબ્લિક હેલ્થ સેન્ટર લઈ જવામાં આવ્યા, જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા.
ડાયાબિટીશના દર્દી હતા વૃદ્ધ
વસઈ વિરાર નગર નિગમની ચિકિત્સા સ્વાસ્થ્ય અધિકારી ડૉ. સુરેખા વાલકેએ જણાવ્યું કે વૃદ્ધ ડાયાબિટીશથી પીડિત હતા. તેમના મોતનું કારણ જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. વૃદ્ધના નિધન પછી તેમનો કોરોના ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો હતો. જો કે હજુ સુધી તેનો રિપોર્ટ આવ્યો નથી.
વેક્સિનેશન સેન્ટર પર સુવિધાઓ ન હોવાનો આરોપ
હરીશના મોત બાદ તેમના મિત્ર અને તેમની સાથે હાજર રહેલા તારાચંદ મહેતાએ જણાવ્યું કે એક સોશિયલ વર્કર બાબુસિંહ રાજ પુરોહિતે 10 માર્ચે સ્વાસ્થ્ય કેન્દ્રમાં યોગ્ય સુવિધાઓ ન હોવાને કારણે નગરપાલિકામાં અરજી કરી હતી. બહાર શેડ ન હોવાને કારણે વૃદ્ધોને ઘણે મોડે સુધી તાપમાં ઊભું રહેવું પડે છે. અહીં બેસવા માટે પણ યોગ્ય સુવિધાઓ નથી. ઘણે મોડે સુધી ઊભા રહેવાને કારણે હરીશને ચક્કર આવ્યા અને તેઓ પડી ગયા.
મહારાષ્ટ્રમાં કોરોના ફરી બેકાબૂ
દેશના સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોના ફરી બેકાબૂ થઈ ગયો છે. અહીં છેલ્લાં 24 કલાકમાં 15,817 નવા કેસ સામે આવ્યા છે અને 56 લોકોનાં મોત નિપજ્યા છે. અહીં સતત 3 દિવસથી 13 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.