મહારાષ્ટ્રના 30થી વધુ ધારાસભ્યોની સાથે ગુજરાતના સુરત પહોંચેલા એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરેની સામે ભાજપ સાથે ગઠબંધન કરવાની શરત રાખી છે. ઉદ્ધવે શિંદે સાથે વાતચીત કરવા માટે મિલિંદ નાર્વેકરને મોકલ્યા હતા. નાર્વેકર અને શિંદે વચ્ચે લગભગ એક કલાક સુધી મુલાકાત ચાલી હતી. નાર્વેકરે ફોન પર ઉદ્ધવ સાથે શિંદેની વાતચીત કરાવી હતી.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ લગભગ 20 મિનિટ ચાલેલી આ વાતચીતમાં ઉદ્ધવે મુંબઈ આવીને વાતચીતનો પ્રસ્તાવ રાખ્યો. પરંતુ શિંદે ભાજપ સાથે ગઠબંધનની વાત પર મક્કમ રહ્યાં. એમ પણ કહ્યું કે પહેલાં ઉદ્ધવ પોતાનું વલણ સ્પષ્ટ કરે અને જો ગઠબંધન પર રાજી હોય તો પાર્ટી નહીં તૂટે.
શિંદેએ સુરતની હોટલમાં ધારાસભ્યોની સાથે શિફ્ટ થયા પછી પહેલું નિવેદન મંગળવારે બપોરે આપ્યું. પોતાને સાચા શિવસૈનિક જણાવતા કહ્યું કે બાલા સાહેબ ઠાકરેના શિવ સૈનિક છે. તેમને જ હિન્દુત્વ શીખવાડ્યું છે અને સત્તા માટે ક્યારેય દગો નથી આપ્યો.
આ પછી ભાજપના પણ એક્ટિવ થઈ ગઈ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ દેવેન્દ્ર ફડણવીસ આજે રાત્રે સુરત આવી શકે છે. તેઓ હાલ દિલ્હીમાં છે. આ વચ્ચે મહારાષ્ટ્રને લઈને સૌથી મોટો સંકેત ફડણવીસના પત્ની અમૃતાએ ટ્વીટ કરીને આપ્યો છે. તેમને ટ્વીટ કર્યું કે- 'એક હતો કપટી રાજા.' ટ્વીટમાં તેમને કોઈનું નામ નથી લીધું પરંતુ તેમના આ ટ્વીટથી મહારાષ્ટ્રમાં મોટા ફેરફાર થઈ શકે છે તેવી શક્યતાએ જોર પકડ્યું છે.
મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર પર જોખમ તોળાઈ રહ્યું છે. તેમના દિગ્ગજ મંત્રી એકનાથ શિંદે પોતાના એટલે કે શિવસેનાના 15, એક NCP અને 14 અપક્ષ ધારાસભ્યો સાથે સુરતમાં ધામા નાખ્યા છે. શિંદે ઉપરાંત આ જૂથમાં અન્ય 3 મંત્રી પણ છે.
શિંદે શું ઈચ્છે છે તે જાણવા ઉદ્ધવે મિલિંદ નોર્વેકરને સુરત મોકલ્યા હતા. અંદાજે એક કલાક સુધી તેમની વચ્ચે વાતચીત ચાલી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નોર્વેકરે ફોન પર શિંદે અને ઉદ્ધવ ઠાકરેની વાત કરાવી હતી. તેમની વચ્ચે અંદાજે 20 મિનિટ સુધી વાત ચાલી હતી. માનવામા આવે છે કે શિંદે ભાજપ સાથે ગઠબંધન સરકાર બનાવવાની જીદ પર અટકેલા છે.
સુરતમાં હાજર ધારાસભ્યો વિશે બે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. એક- તેમને એરલિફ્ટ કરી દિલ્હી લાવવામાં આવી શકે છે અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહ મંત્રી અમિત શાહ પાસે લઈ જવાય તેવી શક્યતા. બીજી- તેમને અમદાવાદના કોઈ રિસોર્ટમાં શિફ્ટ કરવામાં આવી શકે છે.
આ બધી હલચલ વચ્ચે શરદ પવાર મીડિયા સામે આવ્યા હતા. તેમણે લગભગ 11 મિનિટની પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. તેમને પૂછવામાં આવ્યું કે શું શિંદે પોતે મુખ્યમંત્રી બનવા ઈચ્છે છે, ત્યારે તેમણે કહ્યું કે તેમણે અમારી સમક્ષ આવી કોઈ ઈચ્છા વ્યક્ત કરી નથી. મહારાષ્ટ્રમાં સરકારને પાડવાનું કાવતરું આ પહેલાં પણ થયું છે પણ ચિંતા કરવાની કોઈ વાત નથી… ઉદ્ધવ સરકાર ચાલતી રહેશે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ સરકારનો મુદ્દો નથી. આ શિવસેનાનો આંતરિક મામલો છે.
બળવો કર્યા પછી એકનાથ શિંદેની પ્રથમ પ્રતિક્રિયા...
એકનાથ શિંદેએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે અમે બાળાસાહેબના કટ્ટર શિવસૈનિક છીએ. બાળાસાહેબે અમને હિંદુત્વ શીખવ્યું છે. તેમના વિચારો અને ઉપદેશો અમારામાં છે, અમે ક્યારેય સત્તા માટે છેતરપિંડી કરી નથી અને ક્યારેય કરીશું નહીં.
ધારાસભ્ય નીતિન દેશમુખનાં પત્નીએ પોલીસ ફરિયાદ કરી
શિવસેનાના ધારાસભ્ય નીતિન દેશમુખનાં પત્ની પ્રાંજલીએ અલોકા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી છે કે તેમના પતિ ગુમ છે. તેમણે છેલ્લે 20 જૂનના રોજ સાંજે સાત વાગ્યે તેમના પતિ સાથે વાત કરી હતી. ત્યાર પછી તેમના પતિનો ફોન બંધ આવે છે અને તેમની સાથે કોઈ વાતચીત થઈ નથી. તેમણએ એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે તેમના પતિને જીવનું જોખમ છે. સુરતની હોટલમાં તબિયત બગડતાં નીતિન દેશમુખને સુરત સિવિલમાં સારવાર માટે ખસેડાયા છે.
મહારાષ્ટ્રમાં રાજકીય ધમસાણ પર લાઇવ અપડેટ્સ...
સૂત્રોનો દાવો છે કે એકનાથ શિંદેએ એનસીપી અને કોંગ્રેસ સાથે ગઠબંધન તોડીને ભાજપ સાથે ગઠબંધનની શરત મૂકી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એકનાથ શિંદે પોતે મુખ્યમંત્રી પદ પર બેસવા માગે છે. શિંદેએ 3 ધારાસભ્ય સંજય રાઠોડ, સંજય બાંગર અને દાદા ભુસે કુલને પણ માતોશ્રી મોકલ્યા છે. તેઓ ઉદ્ધવ સાથે વાતચીત કરશે.
સવારે 8 વાગ્યાની આસપાસ સુરતથી જ શિંદેના મુંબઈ છોડવાના સમાચાર આવ્યા હતા. બાદમાં ખબર પડી કે શિંદેએ પોતાનો મોબાઈલ પણ સ્વિચ ઓફ કરી દીધો હતો. મુખ્યમંત્રી પણ ફોન પર વાત કરી શક્યા ન હતા. આ સમાચારના થોડા કલાકો પછી દિલ્હીમાં હલચલ વધુ તીવ્ર બની હતી. ગૃહમંત્રી અમિત શાહ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે પહોંચ્યા હતા. બન્ને નેતાઓની બંધ બારણે મુલાકાત થઈ હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે શિંદે ધારાસભ્યો સાથે પ્રેસ-કોન્ફરન્સ કરી શકે છે. 31 મહિના પહેલાં જ્યારે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેએ સરકાર બનાવી હતી ત્યારે શિવસેના-એનસીપી ગઠબંધન પાસે 56 ધારાસભ્યો હતા અને ભાજપની પાસે 106 ધારાસભ્ય હતા. વિધાનસભામાં 288 ધારાસભ્ય છે, એટલે કે સરકાર માટે 144 ધારાસભ્ય જોઈએ. વર્તમાન પરિસ્થિતિમાં શિવસેના-એનસીપી અને કોંગ્રેસ પાસે 153 ધારાસભ્યો છે.
તમામ ધારાસભ્યો સુરતની લા મેરિડિયન હોટલમાં રોકાયા છે
સૂત્રો પાસેથી ભાસ્કરને મળેલી માહિતી મુજબ, તમામ ધારાસભ્યો સુરતની લા મેરિડિયન હોટલમાં રોકાયા છે. આ ધારાસભ્યોને સુરત લાવવામાં ભાજપના બે દિગ્ગજ નેતાઓનાં નામ સામે આવ્યાં છે.
જો ધારાસભ્યો બળવો કરશે તો મહારાષ્ટ્ર સરકાર પડી જશે?
મહારાષ્ટ્રમાં સોમવારે યોજાયેલી વિધાન પરિષદની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીની બહુમતી ઘટીને 151 થઈ ગઈ છે. રાજ્યસભા ચૂંટણી દરમિયાન મહાવિકાસ આઘાડી પાસે 162 ધારાસભ્ય હતા, જ્યારે એ પહેલા આ સંખ્યા 170 હતી, એટલે કે રાજ્યસભા ચૂંટણી બાદ મહાવિકાસ આઘાડીના 11 ધારાસભ્ય ઓછા થયા છે.
પરિષદની ચૂંટણી પહેલાં અને પછી કુલ 19 ધારાસભ્ય મહાવિકાસ આઘાડીથી દૂર થઈ ગયા. બીજી બાજુ હવે ભાજપ પાસે 134 ધારાસભ્યનું સમર્થન છે. સરકાર રચવા માટે 144ની બહુમતી જરૂરી છે. આમ, મહાવિકાસ આઘાડી અને ભાજપની સંખ્યામાં તફાવત મોટો નથી.
બળવો કરવા ઊતરેલા એકનાથ શિંદેએ આ ધારાસભ્યોનું સભ્યપદ પણ જાળવી રાખવું પડશે. મહારાષ્ટ્ર વિધાનસભામાં શિવસેનાના કુલ 56 ધારાસભ્ય છે. કાયદા મુજબ શિંદેને 37 ધારાસભ્યને એકત્ર કરવા પડશે. હાલમાં શિંદે પાસે કુલ 30 ધારાસભ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેમાં શિવસેનાના 15 ધારાસભ્ય છે.
સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રમાં ભૂકંપ નહીં આવે
રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં ભૂકંપ નહીં આવે. કેટલાક ધારાસભ્યોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. જેનો સંપર્ક થઈ શકતો નથી. તેમણે કહ્યું કે જે ધારાસભ્યો સુરતમાં છે તેમને અટકાવવામાં આવ્યા છે. રાઉતે જણાવ્યું હતું કે તમામની વાડાબંધી કરવામાં આવી છે. તમામ ધારાસભ્યો આવવા માંગે છે અને તેઓ દરેક સંઘર્ષમાં શિવસેનાની સાથે રહ્યા છે.
ફડણવીસ પહોંચ્યા દિલ્હી, બીજેપી અધ્યક્ષે કહ્યું- રાઉત છે બળવાનું કારણ
મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી પહોંચી ગયા છે. જ્યારે ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું- સંજય રાઉત બળવા પાછળનું સૌથી મોટું કારણ છે. તેમના નિવેદનથી પાર્ટીના ઘણા નેતાઓ નારાજ છે. અમે સરકાર બનાવવા બાબતે હજી વિચાર્યું નથી. કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ ટ્વિટ કરીને લખ્યું- એકનાથ શિંદેએ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લીધો છે.
રાજ્યસભા અને વિધાનસભાની ચૂંટણી બાદ નારાજ હતા
એકનાથ શિંદેની ગણતરી શિવસેનાના દિગ્ગજ નેતાઓમાં થાય છે. જ્યારે 2019માં ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે શિવસેનાએ શિંદેને ધારાસભ્ય દળના નેતા બનાવવામાં આવ્યા હતા. શિંદે થાણેના મોટા નેતા માનવામાં આવે છે અને બાલા સાહેબ ઠાકરેના સમયથી પાર્ટીમાં જોડાયેલા છે.
નવેમ્બર 2019માં ઉદ્ધવ ઠોકરે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી બન્યા હતા
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી બાદ ભારે રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો. આ પછી, ઉદ્ધવ ઠાકરે નવેમ્બર 2019માં મુખ્યમંત્રી બન્યા.તેમને એનસીપી અને કોંગ્રેસનું સમર્થન હતું. 2003માં ઉદ્ધવ ઠાકરે પ્રથમ વખત શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ બન્યા હતી. બાલા સાહેબ ઠાકરેના નિધન બાદ તેમણે 2013માં શિવસેના સંભાળ્યું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.