બે દિવસથી સરકાર બચાવવાના પ્રયાસ બાદ ઉદ્ધવે અંતે હથિયાર હેઠા મૂકી દીધાં છે. એકનાથ શિંદે દ્વારા સરકાર અને પાર્ટી બંને પર દાવા પછી ફેસબુક લાઈવ કર્યું અને કહ્યું હતું કે હું લડવાવાળો શિવસૈનિક છું અને સામે આવીને વાતચીતનો પ્રપોઝલ પણ રાખ્યું. જોકે એકનાથ શિંદે ગઠબંધન તોડવા પર જ મક્કમ છે.
આ વાતને લગભગ એક કલાક પછી સૌથી ચોંકાવનારી તસવીર સામે આવી છે. ઉદ્ધવ ઠાકરેની ઓફિસ એટલે કે CM હાઉસ વર્ષા ખાલી કરવા લાગ્યા છે. ઉદ્ધવ પણ પરિવાર સહિત નીકળી ગયા છે. તેમની સાથે પત્ની રશ્મિ ઠાકરે, બંને પુત્ર આદિત્ય અને તેજસ ઠાકરે પણ સરકારી બંગલો વર્ષાથી પોતાના નિવાસસ્થાન માતોશ્રી જવા માટે રવાના થયા છે. એ બાદ કર્મચારી તેમના ઘરનો સામાન કાઢવા લાગ્યા. ઉદ્ધવના સમર્થનમાં માતોશ્રીની બહાર સેંકડો શિવસૈનિક એકઠાં થયા છે.
શરદ પવારે પણ ઉદ્ધવને સલાહ આપી હતી કે મુખ્યમંત્રીપદ પર શિંદેને બેસાડી દો. જોકે શિંદે આક્રમક જ છે. તેમણે કહ્યું- ગઠબંધન મેળ વગરનું છે અને એમાં શિવસેના નબળું પડી રહ્યું છે. ગઠબંધનથી બહાર આવવાની જરૂર છે.
શિંદે જૂથ હવે વધુ મજબૂત બની ગયું છે. મોડી સાંજે લગભગ સાડાઆઠ વાગ્યે વધુ 4 ધારાસભ્ય ગુવાહાટી પહોંચ્યા છે. 2 શિવસેનાના અને 2 અપક્ષ છે. ગુલાબરાવ પાટીલ, યોગેશ કદમ, મંજુલા ગાબિલ અને ચંદ્રકાંત પાટીલ સામેલ છે. શિંદે દાવો કરી રહ્યાં છે કે તેમની સાથે 46 ધારાસભ્ય છે. 4 નવા ધારાસભ્ય પહોંચ્યા બાદ કુલ ધારાસભ્યોની સંખ્યા 39 થઈ ગઈ છે.
શિવસેનાના 55માંથી 46 ધારાસભ્ય શિંદે સાથે, હવે સેનાનો 'એક જ નાથ', 8 મંત્રીએ પણ દગો દીધો
ઉદ્ધવ ઠાકરેએ કેબિનેટ બેઠક બોલાવી હતી. જેમા 8 મંત્રીઓ ગેરહાજર રહ્યા હતા. આ 8 મંત્રીમાં એકનાથ શિંદે, ગુલાબરાવ પાટિલ, દાદા ભૂસે, સંદીપન ભુમરે, અબ્દુલ સત્તાર, શંભૂરાજ દેસાઈ, બચ્ચુ કડૂ અને રાજેન્દ્ર યેદ્રાવકરનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ આ બેઠકમાં વર્ચ્યુઅલી જોડાયા હતા. કોંગ્રેસના નેતા કમલનાથને પણ મળ્યા ઉદ્ધવને મળી શક્યા નથી. શિવસેનાના ધારાસભ્યોને સાંજે 5 વાગ્યે CM ઓફિસ પહોંચવાનો આદેશ અપાયો છે.
CM ઠાકરે વિધાનસભા ભંગ કરી શકે છે
ઉદ્ધવ ઠાકરે સરકાર વિધાનસભા ભંગ કરી શકે છે. શિવસેના સાંસદ સંજય રાઉતે આ સંકેત આપ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખેલી પોસ્ટમાં કહ્યું છે કે મહારાષ્ટ્રમાં જે પોલિટિકલ હલચલ ચાલી રહી છે, એ વિધાનસભા ભંગ કરવાની દિશામાં આગળ વધી રહી છે.
લાઈવ અપડેટ્સ
રાજકીય ધમસાણ વચ્ચે આદિત્ય ઠાકરેએ પોતાના ટ્વિટર પરથી મંત્રીપદ હટાવી દીધું છે. આદિત્ય ઠાકરે મહારાષ્ટ્ર સરકારમાં પ્રવાસન અને પર્યાવરણ વિભાગના મંત્રી છે.
એકનાથ શિંદે 40 બળવાખોર ધારાસભ્ય સાથે ગુવાહાટી પહોંચ્યા
મહારાષ્ટ્રના બળવાખોર ધારાસભ્યો હવે ગુજરાતથી આસામ પહોંચ્યા છે. એકનાથ શિંદે સહિત 40 બળવાખોર ધારાસભ્યો બુધવારે સવારે સ્પેશિયલ ફ્લાઇટ દ્વારા સુરતથી ગુવાહાટી પહોંચ્યા હતા. ભાજપના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટની બહાર ત્રણ બસ દ્વારા તેમને હોટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
અહીં એકનાથ શિંદેએ ફરી જણાવ્યું હતુ કે અમે બાળાસાહેબ ઠાકરેના હિંદુત્વને આગળ લઈ જઈશું. અગાઉ તેમણે સુરત એરપોર્ટ પર કહ્યું હતું કે અમે બાળાસાહેબ ઠાકરેનું હિન્દુત્વ છોડ્યું નથી. હું ઈચ્છું છું કે ઉદ્ધવ ઠાકરે ભાજપ સાથે મળીને સરકાર બનાવે. અમારી સાથે 40 ધારાસભ્ય ગુવાહાટી આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે 33 ધારાસભ્ય શિવસેનાના છે અને 7 ધારાસભ્ય અપક્ષના છે.
મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશિયારીને કોરોના પોઝિટિવ
મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી કોવિડ સંક્રમિત થયા છે. તેમને હાલ HN રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોશિયારીની તબિયત કેવી છે, તેમને કોવિડના ગંભીર અથવા સામાન્ય લક્ષણો છે કે નહીં એ વિશે કોઈની પાસે માહિતી નથી. મહારાષ્ટ્રમાં અત્યારે ઉદ્ધવ ઠાકરેની સરકાર મુશ્કેલીમાં દેખાય છે. તેમના મંત્રી એકનાથ શિંદે બળવાખોર બન્યા છે. તેમની સાથે શિવસેના અને અપક્ષના થઈને 40 ધારાસભ્ય છે. આ દરેક લોકો અત્યારે આસામના ગુવાહાટીમાં છે.
ધારાસભ્ય નીતિન ગુવાહાટી ગયા નથી
મંગળવારે એકનાથે દાવો કર્યો હતો કે મારી સાથે 41 ધારાસભ્ય છે, જેમાંથી 34 શિવસેનાના છે અને 7 અપક્ષના છે. બાદમાં સમાચાર આવ્યા કે ધારાસભ્ય નીતિન દેશમુખને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સાથે મારપીટ કરી હોવાના આક્ષેપ કરાયા હતા, એ બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેમનાં પત્નીએ અકોલામાં તેમના ગુમ થવાની ફરિયાદ લખાવી હતી. હવે મહારાષ્ટ્ર પોલીસની એક ટીમ સુરત પહોંચવાની છે. આ સહિત 41 બળવાખોર ધારાસભ્યો હતા.
રાજકીય ધમસાણ સંબંધિત અપડેટ્સ
- મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે બપોરે 1 વાગ્યે કેબિનેટની બેઠક બોલાવી છે.
- ગુવાહાટીમાં ભાજપના ધારાસભ્ય સુશાંત બોરગોહેને કહ્યું હતું કે હું તેમને (સુરતથી ગુવાહાટી આવેલા ધારાસભ્ય)ને લેવા અહીં આવ્યો હતો. અંગત સંબંધોને કારણે હું અહીં તેમને લેવા આવ્યો હતો. અહીં કેટલા ધારાસભ્યો આવ્યા છે એની મેં ગણતરી કરી નથી.
શિંદેએ ઉદ્ધવ સામે ભાજપ સાથે ગઠબંધનની શરત મૂકી હતી
મહારાષ્ટ્રના 41 ધારાસભ્ય સાથે એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેની સામે ભાજપ સાથે ગઠબંધન કરવાની શરત મૂકી હતી. ઉદ્ધવે મિલિંદ નાર્વેકરને શિંદે સાથે વાત કરવા મોકલ્યા હતા. નાર્વેકર અને
શિંદે વચ્ચે લગભગ એક કલાક સુધી બેઠક ચાલી હતી. નાર્વેકરે શિંદેને ઉદ્ધવ સાથે ફોન પર વાત કરાવી હતી.
સૂત્રોનું કહેવું છે કે શિંદેને ઉદ્ધવ સાથે લગભગ 20 મિનિટ સુધી ચાલેલી આ વાતચીતમાં ઉદ્ધવે મુંબઈ આવીને વાત કરવાની ઓફર કરી હતી, પણ શિંદે ભાજપ સાથે ગઠબંધન પર અડગ રહ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે પહેલા ઉદ્ધવે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવું જોઈએ અને જો તેઓ ગઠબંધન માટે સંમત થશે તો તેઓ પાર્ટી નહીં છોડીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.