એપ્સ પર સકંજો:ચાઇનીઝ લોન એપ્સના કેસમાં પેટીએમ, રેઝરપે પર EDની રેડ

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેન્ક ખાતાં, મર્ચન્ટ આઇડી પરથી 17 કરોડ રૂપિયા જપ્ત
  • લોન એપથી ઠગાઇ માટે ચીને વર્ચ્યુઅલ ચક્રવ્યૂહ બનાવ્યો, એજન્સીઓની તપાસ ક્રિપ્ટો એક્સચેન્જથી આગળ નથી વધતી

ચાઈનીઝ લોન એપ સંબંધિત કેસમાં ઈડીએ બેંગ્લુરુમાં ઓનલાઈન પેમેન્ટ ગેટવે-પેટીએમ, રેઝરપે અને કેશફ્રીનાં કાર્યાલયો પર દરોડા પાડ્યા. તપાસ એજન્સી ચીનની વ્યક્તિઓ દ્વારા નિયંત્રિત સ્માર્ટફોન પર ગેરકાયદે લોન આપવાના કેસની તપાસ કરી રહી છે. દરોડા દરમિયાન મર્ચન્ટ આઈડી અને ચીનીઓ દ્વારા નિયંત્રિત સંસ્થાઓનાં બેન્ક ખાતાં તથા મર્ચન્ટ આઈડી પરથી 17 કરોડ રૂપિયા જપ્ત કરી લીધા હતા.

બેંગ્લુરુમાં સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા નોંધવામાં આવેલી 18 એફઆઈઆર પર ઈડીએ શુક્રવારે કાર્યવાહી કરી હતી. આ એફઆઈઆરમાં સંસ્થાઓ કે વ્યક્તિઓ દ્વારા આરોપ મુકાયો હતો કે તે મોબાઈલ એપના માધ્યમથી નાની રકમની લોન લેનારાઓ પાસેથી બળજબરીથી વસૂલી કરે છે અને તેમની હેરાનગતિ કરે છે. આ ઉત્પીડનને કારણે અનેક લોકોએ આપઘાત કરી લીધા છે. આ સંસ્થાઓ ભારતીય લોકોના દસ્તાવેજોનો ઉપયોગ કરી તેમને ડમી ડિરેક્ટર બનાવે છે. તેમના નામે ગેરકાયદે રીતે નાણાં આવે છે.

વાસ્તવિક રીતે આ સંસ્થાઓને ચીનની વ્યક્તિઓ દ્વારા નિયંત્રિત કે સંચાલિત કરાય છે. ઈડીએ જણાવ્યું કે આ સંસ્થાઓ અલગ અલગ મર્ચન્ટ આઈડી, પેમેન્ટ ગેટવે કે બેન્કોમાં રખાયેલાં ખાતાં તથા મર્ચન્ટ આઈડીના માધ્યમથી પોતાનો શંકાસ્પદ વ્યવસાય કરી રહી હતી. ઉપરાંત તે કોર્પોરેટ મંત્રાલય પાસે નોંધાવેલાં રજિસ્ટર્ડ સરનામાંની જગ્યાએ ફેક સરનામાં પરથી કામ કરી રહી હતી.

200થી વધુ ચીનીઓ સામેલ
ઇન્ટેલિજન્સને મળેલા ઈનપુટ અનુસાર આ સમગ્ર ખેલમાં 200થી વધુ ચીની નાગરિકોના સામેલ હોવાની આશંકા છે. તેમાંથી અમુકે ભારતીય પાસપોર્ટ, આધારકાર્ડ તથા અન્ય દસ્તાવેજો બનાવી લીધાં છે અને સ્થાનિક ભાષા પણ શીખી લીધી છે. ચિંતાની વાત એ છે કે તેમનામાં વિઝાની મુદત સમાપ્ત થઈ ગઈ હોવા છતાં દેશમાં રોકાયેલા ચીની નાગરિકો ઉપરાંત ઘૂસણખોરી કરીને આવેલા લોકો પણ સામેલ છે.

લોન એપ્સના સર્વર વિદેશમાં હોવાથી ટ્રેકિંગ મુશ્કેલ
ચીને લોન એપથી એકત્રિત રકમના ક્રિપ્ટો કરન્સી દ્વારા મની લોન્ડરિંગનો વર્ચ્યુઅલ ચક્રવ્યૂહ બનાવ્યો છે. કેન્દ્રીય એજન્સીઓની તપાસ ક્રિપ્ટો એક્સચેન્જથી આગળ નથી વધી રહી. ઇડીએ દેશમાં એક્સચેન્જ ચલાવતી 10થી વધુ કંપનીઓની ભૂમિકા શંકાસ્પદ ગણાવી છે. અત્યાર સુધીમાં વઝીરએક્સ, વોલ્ટ અને કોઇનસ્વિચ કુબેર પર દરોડા પડ્યા છે. તેમાંથી કોઇએ ઇડીને ડેટાબેઝનું રિમોટ એક્સેસ નથી આપ્યું. તેમની કેટલી ક્રિપ્ટો એસેટ છે અને તેમાંથી કેટલીનું ચીનમાં મની લોન્ડરિંગ થયું તે જાણી શકાયું નથી. જોકે, કંપનીના અધિકારીઓની પૂછપરછ અને તેમની પાસેથી કબજે લેવાયેલા ડોક્યુમેન્ટ્સથી ફેમાના ઉલ્લંઘન વિશે માલૂમ પડ્યું છે. તેમણે મની લોન્ડરિંગના ઇરાદે ફ્લિપવોલ્ટ જેવા વોલેટનો ઉપયોગ કર્યો. નોંધનીય છે કે ફ્લિપવોલ્ટ ક્રિપ્ટો કરન્સીનું એક વોલેટ છે, જેનાથી કેવાયસી વિના ટ્રાન્ઝેક્શન્સ કરાય છે.

અન્ય સમાચારો પણ છે...