ઇડી સુપ્રીમઃ કોર્ટ:ઇડીને ધરપકડ, સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર

નવી દિલ્હી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • CBI અને અન્ય એજન્સી દ્વારા બંધ કરી દેવામાં આવેલા કેસને પણ ઇડી પોતાના હાથમાં લઈને તપાસ કરી શકે છે

સુપ્રીમકોર્ટે મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)માં સુધારો કરીને ઈડીને આપેલા અધિકારોને યોગ્ય ઠેરવ્યા છે. જસ્ટિસ એ.એમ. ખાનવિલકર, દિનેશ મહેશ્વરી અને સી.ટી. રવિકુમારની બેન્ચે પીએમએલએ-2018માં કરેલા સુધારાની બંધારણીયતાને પડકારતી 243 અરજી પર બુધવારે 545 પાનાનો ચુકાદો આપ્યો. બેન્ચે ઈડીના મની લોન્ડરિંગની તપાસના, દરોડાના, નિવેદન નોંધવાના, ધરપકડના અને સમન્સ જારી કરવાના અધિકારોને યોગ્ય ઠેરવ્યા છે.

આ ઉપરાંત મની લોન્ડરિંગ એક્ટમાં ફાઈનાન્સ બિલ થકી ફેરફાર અંગે વિચાર કરવાનું કામ સાત જજની બેન્ચને રેફર કરી દીધું છે. જસ્ટિસ ખાનવિલકરે ચુકાદો આપતા કહ્યું કે મની લોન્ડરિંગના કેસમાં ઈડીની ધરપકડની સત્તા મનફાવે તેમ નથી અપાઈ. દુનિયાભરમાં સામાન્ય અનુભવ એવો છે કે મની લોન્ડરિંગ ફાઈનાન્સિયલ સિસ્ટમમાં સારા કામ માટે ખતરો બની શકે છે. આ કોઈ સામાન્ય ગુનો નથી. પીએમએલએની કોગ્નિઝેબલ અને બિનજામીનપાત્ર કલમ 45 યોગ્ય જ છે.

વર્ષ 2018માં પીએમએલએમાં નાણાંબિલ થકી સુધારા કરીને ઈડીને મની લોન્ડિંગના કેસમાં અનેક સત્તાઓ અપાઈ હતી. તેની બંધારણીયતાને પડકારવા પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમ, તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ, જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી અને મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સહિતના લોકોએ 243 અરજી કરી હતી. આ અરજીઓ મુદ્દે સુપ્રીમકોર્ટે 15 માર્ચ, 2022ના રોજ ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.

આ અરજીઓમાં દાવો કરાયો હતો કે સરકારે આ કાયદાને પોતાના રાજકીય વિરોધીઓને પરેશાન કરવાનું હથિયાર બનાવ્યો છે. બીજી તરફ, કેન્દ્રે કહ્યું હતું કે મની લોન્ડરિંગ એવો ગુનો છે જે ફક્ત અપ્રામાણિક લોકો જ નહીં, આતંકી સંગઠનો દ્વારા પણ કરાય છે. તે રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો છે. હાલ દેશમાં ક્રિપ્ટો કરન્સી થકી પણ મની લોન્ડરિંગ થાય છે. હાલ ઈડી આવા સાત કેસની તપાસ કરી રહી છે.
આરોપીઓને ફક્ત ધરપકડનું કારણ કહેવું પૂરતું છે
બેન્ચે કહ્યું કે પીએમએલએ હેઠળ ઈડી અધિકારી પોલીસ અધિકારી નથી. એટલું જ નહીં, એન્ફોર્સમેન્ટ કેસ ઈન્ફર્મેશન રિપોર્ટ (ઈસીઆઈઆર)ને એફઆઈઆર ના કહી શકાય. દરેક કેસમાં આરોપીને ઈસીઆઈઆરની નકલ આપવી ફરજિયાત નથી. ઈડી ધરપકડનું કારણ જણાવી દે એટલું પૂરતું છે. ઈસીઆઈઆર ઈડીનો આંતરિક દસ્તાવેજ છે, જે જાહેર ના કરી શકાય. જોકે, આરોપી કોર્ટ થકી તેની નકલ માંગી શકે છે.

અન્ય સમાચારો પણ છે...