પયગંબર વિરૂદ્ધ કરવામાં આવેલા નિવેદનને લઈને દેશ-વિદેશમાં ભારે હોબાળો જોવા મળી રહ્યો છે. ભાજપના નેતાએ કરવામાં આવેલા નિવેદનને કારણે બીજેપી બેકફુટ પર છે, ત્યારે પક્ષે નૂપુર શર્માને તાત્કાલિક પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. તો બીજી તરફ ગલ્ફ દેશોમાં ભારતીય પ્રોડ્ક્ટનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ હોબાળા વચ્ચે નેધરલેન્ડના સાંસદ ગીર્ટ વિલ્ડર્સે ખુલ્લેઆમ નૂપુર શર્માનું સમર્થન કર્યું છે. તો નૂપુરને ટેકો આપવાની યાદીમાં પાકિસ્તાની મૂળના લેખક તારિક ફતહ પણ આગળ આવ્યા છે. તારિકે નૂપુરને સુરક્ષા આપવાની માગ કરી છે.
નેધરલેન્ડના સાંસદે ભારતીયોને નૂપુરને સમર્થન આપવાની સલાહ આપી
નૂપુરના સમર્થનમાં સૌથી વેધક નિવેદન નેધરલેન્ડના સાંસદ ગિર્ટ વિલ્ડર્સે આપ્યું છે. વિલ્ડર્સે નેધરલેન્ડની પાર્ટી ઓફ ફ્રીડમના નેતા પણ છે. વિલ્ડર્સે કહ્યું, 'આ ઘણું જ હાસ્યાસ્પદ છે કે આરબ અને ઈસ્લામિક દેશ ભારતીય નેતા નૂપુર શર્માના પયંગબર અંગે સત્ય જણાવતા ભડકી ગયા છે. ભારત શું કામ માફી માંગે?' વધુમાં વિલ્ડર્સે ભારતીયોને સલાહ આપી કે તેઓ નૂપુરના સમર્થનમાં તેમને બચાવ કરે.
તેમને ટ્વીટ કરીને કહ્યું હતું કે 'તુષ્ટીકરણ ક્યારેય કામ નથી કરતું. આ વસ્તુ વધુ ખરાબ કરી દે છે. તેથી ભારતના મારા મિત્રો તમે મુસ્લિમ દેશોની ધમકીમાં ન આવો. આઝાદી માટે ઊભા થાવ અને તમારા નેતા નૂપુર શર્માના બચાવમાં ગર્વ અનુભવો.'
ગિર્ટને મળી રહી છે ધમકી
નૂપુરના સમર્થનમાં ટ્વીટ કરીતા ગિર્ટ વિલ્ડર્સને મારી નાખવાની ધમકી મળી રહી છે. જેના અંગે તેમને પલટવાર કરીને કહ્યું કે, પાકિસ્તાનથી લઈને તુર્કી સુધીના લોકો મને ધમકીઓ આપી રહ્યાં છે પરંતુ આ ધમકીથી કંઈ નહીં મળે. હું સત્ય બોલવાથી નહીં અટકાવું.
ગુજરાતના પૂર્વ પોલીસ અધિકારીએ પણ સપોર્ટ કર્યો
નૂપુરના બચાવમાં ગુજરાતના પૂર્વ પોલીસ અધિકારી ડીજી વણઝારા પણ આગળ આવ્યા છે. વણઝારા ગુજરાત ATSના ચીફ હતા. તેમને લખ્યું, 'નૂપુર શર્માનું નિવેદન ઐતિહાસિક અને ધાર્મિક રીતે સત્ય છે. તેથી તે અંગે કોઈ પણ પ્રકારની કાયદાકીય કે રાજકીય કાર્યવાહી ન થઈ શકે. તે પણ એવા સમયે જ્યારે જેહાદી તેમને મોત અને બળાત્કારની ધમકીઓ આપી રહ્યાં છે, આ કાયરતાપૂર્વકનું કારનામું છે. ભારતના સન્માનની રક્ષા માટે તમામ હિન્દુઓએ તેમને સાથ આપવો જોઈએ.'
તારિક ફતેહએ નૂપુરને સુરક્ષા આપવાની માગ કરી
પાકિસ્તાની મૂળના જાણીતા લેખક તારિક ફતેહએ પણ નૂપુરના પક્ષમાં નિવેદન આપ્યું. તેમને કહ્યું કે ઈસ્લામિક જેહાદી નૂપુરને ધમકીઓ આપી રહ્યાં છે. પોલીસે તેમને સુરક્ષા આપવી જોઈએ. તારિકે કહ્યું, 'લોકો હિન્દુના દેવી-દેવતાઓની મજાક કરી લે છે. તેમના વિરૂદ્ધ કોઈ નથી બોલતું, પરંતુ જો નૂપુરે કંઈ કહી દીધું તો તે માટે આટલો મોટો બખેડો ઊભો કરી દીધો. નાઈઝીરિયામાં એક મુસલમાને ચર્ચમાં લોકોને મારી નાખ્યા અને કોઈની હિંમત ન થઈ કે તેઓ આ મુદ્દે કંઈ બોલે.'
10થી વધુ ઈસ્લામિક દેશોએ નૂપુરના નિવેદનનો વિરોધ કર્યો
નૂપુરના નિવેદન પર કતારના વિદેશ મંત્રાલયે ભારતીય રાજદૂતને નોટિસ આપી અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. જે બાદ કુવૈત, પાકિસ્તાન, ઈન્ડોનેશિયા, UAE, સાઉદી આરબ સહિત 10થી વધુ મુસ્લિમ દેશોએ પયંગબર પર કરેલી ટિપ્પણીની નિંદા કરી. મુસ્લિમ દેશોના સમૂહ ઈસ્લામિક સહયોગ સંગઠન (OIC)એ પણ નૂપુર શર્માના નિવેદનની નિંદા કરી.
57 દેશના સંગઠન OICએ વાંધો ઉઠાવ્યો હતો
વિવાદ એટલો વધી ગયો કે 57 મુસ્લિમ દેશોના ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC) એ શર્માની કથિત ટિપ્પણીની નિંદા કરી. સંગઠને સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું- ભારતમાં ભૂતકાળમાં મુસ્લિમો વિરુદ્ધ હિંસાના મામલામાં વધારો થયો છે. ઘણા રાજ્યોમાં શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પર પ્રતિબંધ સાથે મુસ્લિમો પર પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે.
જોકે બાદમાં ભારતીય વિદેશ મંત્રાલયે OICના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું- ભારત OIC સચિવાલયની બિનજરૂરી અને ટૂંકી વિચારસરણીની ટિપ્પણીઓને સ્પષ્ટપણે નકારી કાઢે છે. ભારત સરકાર તમામ ધર્મોને સન્માન આપે છે.
શું છે સમગ્ર મામલો
હાલ વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના મામલે દેશભરમાં ચર્ચા જોવા મળી રહી છે. શુક્રવારે 27 મેનાં રોજ ભાજપના પ્રવક્તા તરીકે નૂપુર એક નેશનલ ટેલિવિઝન ન્યૂઝ ચેનલની ડિબેટમાં પહોંચ્યા. ચર્ચા દરમિયાન તેમને આરોપ લગાવ્યો કે કેટલાંક લોકો હિન્દુ આસ્થાને લઈને સતત મજાક કરી રહ્યાં છે. જો એવું જ છે તો તે પણ કોઈ બીજા ધર્મની મજાક કરી શકે છે. નૂપુરે આ દરમિયાન મોહમ્મદ પયંગબર વિરૂદ્ધ વિવાદિત ટિપ્પણી કરી હતી. નૂપુરનો આ વીડિયો વાયરલ થયા બાદ 5 જૂને ભાજપે નૂપુર શર્મા અને નવીન જિંદાલ પર કાર્યવાહી કરી. બંનેને પાર્ટીના તમામ પદો પરથી હટાવતા સસ્પેન્ડ કરી દીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.