• Gujarati News
  • National
  • Dussehra From Today In Mysore, Abhimanyu Will Carry 800 Kg Of Hemp, Will Be Installed In Chamundeshwari Temple

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:મૈસૂરમાં આજથી દશેરા, અભિમન્યુ 800 કિલો વજનની અંબાડી લઈ જશે, ચામુંડેશ્વરી મંદિરમાં સ્થાપના કરાશે

બેંગલુરુ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેલેસમાં એક હજારથી વધુ પ્રકારનાં ફૂલ, કોરોનાના કારણે જીવંત પ્રસારણ કરાશે

કોરોના મહામારીના કારણે આ વખતે પણ મૈસૂરનો જાણીતો દશેરા મહોત્સવ સાદગીપૂર્વક ઊજવાશે. આ વર્ષે પણ તેમાં સામાન્ય નાગરિકો ભાગ નહીં લઈ શકે. આ સમારંભનું જીવંત પ્રસારણ પણ કરાશે. આ ઉત્સવની શરૂઆત ગુરુવારે સવારે 8:45 વાગે ચામુંડી પહાડથી થશે. 15 ઓક્ટોબરે સાંજે 5:45 વાગે મૈસૂર પેલેસમાં જાણીતી જંબો સવારી (હાથી પરેડ)થી તેની વિધિવત શરૂઆત થશે.

વીરાના હોસલ્લી કેમ્પ, નાગરહોલ નેશનલ પાર્કથી આઠ હાથીનું ઝૂંડ 16 સપ્ટેમ્બરે મૈસૂર પેલેસ પહોંચ્યું હતું અને ત્યારથી આ જંબો સવારીની પ્રેક્ટિસ શરૂ થઈ છે. આ ઝૂંડનું નેતૃત્વ અભિમન્યુ કરશે, જે 800 કિલોથી વધુ વજનની સોનાની અંબાડી લઈ જશે. તેમાં ચામુંડેશ્વરી દેવી સ્થાપિત કરાશે. જિલ્લા પ્રભારી મંત્રી એસ. ટી. સોમશેખરના મતે, કોરોના પ્રોટોકોલ લાગુ કરવાની સાથે દશેરા ઉત્સવની 400 વર્ષથી વધુ જૂનો સાંસ્કૃતિક વારસાનું પણ ધ્યાન રખાશે.

મૈસુર મહેલ સાંસ્કૃતિક કાર્યક્રમોની યજમાની કરશે. આ મહેલમાં 19 જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમ કરાશે. જિલ્લા તંત્ર મૈસૂર શહેરમાં 100 કિ.મી. લાંબા રસ્તા સજાવશે. અહીંના 41થી વધુ સર્કલ પર રોશની કરાશે. તેના પાછળ 2.5 લાખ યુનિટ વીજળી વપરાશે, જેમાં રૂ. 5 કરોડનો ખર્ચ કરાશે.

પેલેસના ડે. ડિરેક્ટર ટી.એસ. સુબ્રમણ્યમના મતે, રસીકરણના સર્ટિફિકેટ પણ તપાસાશે. ઉદઘાટન વખતે સામાન્ય લોકોને મંદિર પરિસરમાં પ્રવેશ નહીં અપાય. મૈસૂર પેલેસમાં ઘણાં મહિનાથી કામ ચાલી રહ્યું છે. રંગરોગાન, સમારકામ અને ગાર્ડન પણ સજાવાઈ રહ્યા છે. વિદ્યુત વિભાગ પેલેસમાં રોશની કરવા એક લાખ ગોલ્ડન બલ્બમાં ખરાબ થઈ ચૂકેલા 20 હજાર બલ્બ બદલશે. મૈસૂર પેલેસમાં ફૂલોની એક હજારથી વધુ વેરાઈટીનો ઉપયોગ કરાયો છે.

12 દિવસના માદિકેરી દશેરા ઉત્સવ ધરાવતા કોડાગુ જિલ્લાની સરહદો સીલ
મૈસૂરના પાડોશી કોડાગુ જિલ્લાની સરહદો સીલ કરી દેવાઈ છે. અહીંનો 12 દિવસનો માદિકેરી દશેરા ઉત્સવ મૈસૂર મહોત્સવ પછી સૌથી જાણીતો છે. આ જિલ્લાની સરહદો કેરળ સાથે છે, જ્યાં કોરોના સંક્રમણ બેકાબુ છે. દશેરામાં ભેગી થનારી ભીડના કારણે 7 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર સુધી બહારથી આવનારા લોકોને અહીં પ્રવેશની મંજૂરી નથી.

અન્ય સમાચારો પણ છે...