હાલની રાજકીય વ્યવસ્થાને લઈને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના મનની વાત જીભે આવી ગઈ છે. ગડકરીને હાલમાં જ એક કાર્યક્રમ દરમિયાન સ્પષ્ટપણે કહ્યું કે ક્યારેક-ક્યારેક મન થાય છે કે રાજકારણ છોડી દઉં. સમાજમાં બીજા પણ કામો છે, જે રાજનીતિ વગર પણ કરી શકાય છે.
ગડકરીએ કહ્યું કે મહાત્મા ગાંધીના સમયની રાજનીતિ અને આજની રાજનીતિમાં ઘણો જ બદલાવ જોવા મળી રહ્યો છે. બાપૂના સમયમાં રાજનીતિ દેશ, સમાજના વિકાસ માટે થતી હતી, પરંતુ હવે રાજનીતિ માત્ર સત્તા માટે થાય છે. તેમને કહ્યું કે આપણે સમજવું પડશે કે રાજનીતિનો શો હેતુ છે. શું તે સમાજ, દેશના કલ્યાણ માટે છે કે પછી સરકારમાં ટકી રહેવા માટે છે?
રાજનીતિનો અર્થ સમજવાની જરૂર
કાર્યક્રમમાં નીતિન ગડકરીએ કહ્યું કે રાજનીતિ ગાંધીના યુગથી જ સામાજિક આંદોલનનો ભાગ રહી છે.તે સમયે રાજનીતિનો ઉપયોગ દેશના વિકાસ માટે થતો હતો. આજની રાજનીતિના સ્તરને જોઈએ તો ચિંતા થાય છે. આજની રાજનીતિ સંપૂર્ણપણે સત્તા કેન્દ્રીત છે. મારું માનવું છે કે રાજનીતિ સામાજિક-આર્થિક સુધાર માટેનું એક યોગ્ય સાધન છે. તેથી નેતાઓએ સમાજમાં શિક્ષણ, કળાના વિકાસ માટે કામ કરવું જોઈએ.
મને બુકે અને પોસ્ટરથી નફરત
ગડકરીએ દિવંગત સમાજવાદી રાજનેતા જ્યોર્જ ફર્નાન્ડીસના સાદગીપૂર્ણ જીવનશૈલીની પ્રશંસા કરી. ગડકરીએ કહ્યું કે, મેં તેમની પાસેથી ઘણું શીખ્યું કેમકે તેમને ક્યારેય સત્તાની ભૂખની ચિંતા નથી કરી. તેમને પ્રેરણાદાયક જીવન જીવ્યું... જ્યારે લોકો મારા માટે મોટા મોટા બુકે લાવે છે કે મારા પોસ્ટર લગાવે છે તો ત્યારે મને આવી વાતને લઈને નફરત થાય છે.
ગિરીશ ગાંધીના સન્માન સમારંભમાં સામેલ થયા હતા
ગડકરી નાગપુરમાં સામાજિક કાર્યકર્તા ગિરીશ ગાંધીને સન્માનિત કરવા માટે આયોજિત એક કાર્યક્રમમાં બોલી રહ્યાં હતા. પૂર્વ MLC ગિરીશ ગાંધી પહેલા NCPની સાથે હતા પરંતુ 2014માં તેમને પાર્ટી છોડી દીધી.
ગડકરીએ કહ્યું કે જ્યારે ગિરીશ ભાઉ રાજકારણમાં હતા તો હું તેમને હતોત્સાહિત કરતો હતો કેમકે હું પણ ક્યારેક-ક્યારેક રાજનીતિ છોડવા અંગે વિચારું છું. રાજનીતિ ઉપરાંત જીવનમાં ઘણી એવી વસ્તુઓ છે કરવા માટે યોગ્ય છે.
મુખ્યમંત્રી એટલા માટે દુઃખી કે ખબર નહીં ક્યારે પત્તું કપાઈ જાય
નીતિન ગડકરી આખા બોલા છે અને પોતાના સ્પષ્ટ નિવેદનને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં જ તેમના એક નિવેદને ભારે ચર્ચા જગાવી હતી. ગડકરીએ કહ્યું હતું કે આજકાલ દરેક કોઈને કંઈકને કંઈક સમસ્યા છે, દરેક લોકો દુઃખી છે. જે મુખ્યમંત્રી બને છે, તે એટલા માટે પરેશાન રહે છે કે ખબર નહીં ક્યારે હટાવી દેવામાં આવે. મંત્રી એટલા માટે દુઃખી છે, કેમકે તેમને સારું ખાતું નથી મળ્યું. સારા ખાતાવાળા એટલા માટે દુઃખી છે કેમકે તેઓ મુખ્યમંત્રી નથી બની શક્યા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.