દેશમાં ડાર્કનેટ સાઇબર ક્રાઇમ અને સાઇબર હુમલા માટે ટેક્નોલોજીના ઉપયોગની સાથોસાથ ડ્રગ્સનો સૌથી મોટો અડ્ડો બની રહ્યું છે. સુરક્ષા એજન્સીઓ ડાર્કનેટ પર આ કારોબારને ટ્રેક કરવા એવા યુવાનોને મોટા પાયે સામેલ કરવા અભિયાન ચલાવી રહી છે કે જે આવી હિલચાલ ટ્રેક કરી શકે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)ના જણાવ્યાનુસાર ડાર્કવેબ દ્વારા થયેલાં 74% ટ્રાન્ઝેક્શન ડ્રગ્સના વેપલા સાથે જોડાયેલાં હતાં. સાથે જ આ નેટજગતમાં જે કંઇ વેચાઇ રહ્યું હતું તેનો 90% હિસ્સો ડ્રગ્સનો જ હતો.
આ કાળા કારોબારનું સૌથી ખતરનાક પાસું એ છે કે તેની જાળમાં ફસાતા 70%થી વધુ યુવાનો છે, જેઓ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને નશીલા પદાર્થો મેળવી લે છે. આ ટ્રેન્ડ આવનારી પેઢી માટે ખૂબ ચિંતાજનક છે. ડાર્કનેટ ઉપરાંત અજ્ઞાત અને એન્ક્રિપ્ટેડ કોમ્યુનિકેશન્સ, મેસેન્જર્સ, ઇલેક્ટ્રોનિક અને વર્ચ્યુઅલ પેમેન્ટ સિસ્ટમ્સથી પણ ડ્રગ્સનો કારોબાર ચાલે છે. કોરોનાકાળમાં પાર્સલ અને કુરિયરના માધ્યમથી મોકલાતું ડ્રગ્સ મોટા પાયે પકડાયું છે.
ટેક્નોલોજી સંબંધી લગભગ તમામ ગુના ઇન્ટરનેટ ગેઝેટ દ્વારા સંચાલિત થઇ રહ્યા છે અને તેમના મૂળ ડાર્કનેટ સુધી પહોંચી રહ્યાં છે. આશંકા છે કે ઓનલાઇન રિટેલિંગ અને ડિસ્ટ્રિબ્યુશન ચેનમાં ડાર્કનેટનો ઉપયોગ વધશે અને તેનાથી ડ્રગ્સ સપ્લાય થશે. તેને ધ્યાનમાં રાખીને દેશભરમાં એનસીબી દ્વારા ડાર્કાથોનનું આયોજન કરાઇ રહ્યું છે. એનસીબીના ડાયરેક્ટર જનરલ એન. એન. પ્રધાનના જણાવ્યાનુસાર દરિયાઇ માર્ગે અને ડાર્કનેટથી ડ્રગ્સનો સપ્લાય વધી રહ્યો છે, જેના પર અમારી નજર છે. નોંધનીય છે કે ગયા અઠવાડિયે એનસીબીએ ડ્રગ્સના સૌથી મોટા રેકેટનો ભાંડો ફોડતા 22 આરોપીની ધરપકડ કરી હતી.
NCB યુવાનોને સાથે રાખીને ડાર્ક વેબના મૂળ સુધી પહોંચવા માગે છે
કોરોનાકાળ બાદ ડ્રગ્સના ધંધાનો નવા ટ્રેન્ડ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.