પૂર્વ દિલ્હીથી સાંસદ ગૌતમ ગંભીર પર દવાની સંગ્રહખોરી કેસમાં તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ડ્રગ કંટ્રોલરે ગૌતમ ગંભીર ફાઉન્ડેશન દ્વારા દિલ્હીમાં કોરોનાની દવા ફેબિફ્લૂની વહેંચણી કરવાના કેસમાં આ વાત હાઈકોર્ટને કહી હતી. ડ્રગ કંટ્રોલરે કહ્યું હતું કે આ ફાઉન્ડેશને ગેરકાયદે માર્ગે ફેબિફ્લૂ દવાના જથ્થાનો સંગ્રહ કર્યો હતો અને ત્યાર પછી દર્દીઓમાં વહેંચણી કરી હતી. વિનાવિલંબે આ ફાઉન્ડેશન વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ગૌતમ ગંભીરે એપ્રિલમાં ટ્વીટ કર્યું હતું, જેમાં તેણે જણાવ્યું હતું કે તેના કાર્યાલયમાં દર્દીઓને ફેબિફ્લૂ દવા આપવામાં આવશે. આ તમામ દર્દીઓએ પોતાની સાથે આધાર કાર્ડ અને ડૉકટરનું પ્રિસ્ક્રિપ્શન લાવવાનું રહેશે. ગંભીર સિવાય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પ્રીતિ તોમર અને પ્રવીણ કુમારે પણ કોરોનાની દવાઓ અને સિલિન્ડરોની ખરીદી કરી હતી. આ એ સમયે કરાયું હતું જ્યારે દેશભરમાં આ દવાઓની અછત સર્જાઈ હતી. આ કેસ અંગે ડ્રગ કંટ્રોલરે આગળ તપાસ આદરવાનો આદેશ કર્યો હતો.
ગંભીરે કહ્યું હતું- અંતિમ શ્વાસ સુધી દિલ્હીની સેવા કરીશ
ગૌતમ ગંભીરે જણાવ્યું હતું કે તેના ફાઉન્ડેશનને અભિનેતા અક્ષય કુમારે 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. આનાથી હું કોરોના પોઝિટિવ દર્દીઓની સેવા કરી રહ્યો હતો. જ્યારે આ કેસ હાઈકોર્ટમાં પહોંચ્યો ત્યારે કોર્ટે 2 પાસાઓ પર નારાજગી વ્યક્ત કરી હતી. પ્રથમ ગંભીરને ક્લીન ચિટ આપવા બદલ અને બીજું પાસું તેના નિવેદન પર જેમાં ગંભીરે કહ્યું હતું કે હું બીજી વેળા પણ આમ કરીશ અને વારંવાર મારા અંતિમ શ્વાસ સુધી કરતો રહીશ.
ડ્રગ કંટ્રોલરે ગંભીર ફાઉન્ડેશનને નોટિસ ફટકારીને જવાબ માગ્યો
ડ્રગ કંટ્રોલરે તપાસ હાથ ધર્યા પછી જણાવ્યું હતું કે ગંભીર ફાઉન્ડેશને 2349 ફેબિફ્લૂની સ્ટ્રિપ ખરીદી હતી. આના સિવાય 120 ઓક્સિજન સિલિન્ડરો પણ ખરીદ્યા હતા, જેને સત્તાવાર ડીલરો દ્વારા ભરાવવામાં આવ્યો હતો. દર્દીઓને મફતમાં દવાઓ આપવામાં આવી હતી.
ત્યાર પછી ગંભીર ફાઉન્ડેશનને નોટિસ ફટકારીને પૂછવામાં આવ્યું હતું કે ગંભીરે આ દવાનો જથ્થો ક્યાંથી ખરીદ્યો અને આ માટે કોઈ અધિકૃત સંસ્થાની મંજૂરી તેણે લીધી હતી કે નહીં? હાઈકોર્ટને ડ્રગ કંટ્રોલરે કહ્યું હતું કે ગંભીર ફાઉન્ડેશન વિરુદ્ધ આ પ્રમાણે દવાઓની સંગ્રહખોરી કરવાના કેસમાં કાર્યવાહી હાથ ધરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.