લગભગ 10,000 ખેડૂતો નાસિકના ડિંડોરીથી મુંબઈના આઝાદ મેદાન સુધી પગપાળા વિરોધ કરવા જઈ રહ્યા છે. સોમવારથી શરૂ થયેલી ખેડૂતોની પદયાત્રા બુધવારે કસારા ઘાટ પરથી પસાર થઈ હતી. અહીં ડ્રોનથી જોતાં એવું લાગતું હતું કે જાણે કોઈ ડ્રેગન રસ્તા પર ચાલી રહ્યો હોય. આ ખેડૂતો જમીન પર આદિવાસીઓના અધિકાર, ડુંગળી પર MSP અને લોન માફીની માગ કરી રહ્યા છે.
ડિંડોરીથી મુંબઈનું આઝાદ મેદાન 203 કિલોમીટર દૂર છે. ખેડૂત રોજ 25 કિલોમીટર ચાલે છે. ચાલતી વખતે પોતાની માગના સમર્થનમાં નારા લગાવે છે. જ્યાં રોકાય છે, ત્યાંજ ચૂલા પર ખાવાનું બનાવે છે અને આંદોલનની રણનીતિ બનાવે છે. હાલ ખેડૂતો મુંબઈથી લગભગ 100 કિલોમીટર દૂર છે. ખેડૂતો 20 માર્ચે મુંબઈ પહોંચી પ્રદર્શન કરશે.
ખેડૂત નેતાઓની વહીવટી તંત્ર સાથે વાત ચાલી રહી છે. વહીવટી તંત્ર પાસેથી માગ પૂરી કરવાનું આશ્વાસન મળી રહ્યું છે. પરંતુ ખેડૂત નેતા સરકાર પાસેથી માગ પૂરી કરવાની જાહેરાત કરવાનું કહી રહ્યા છે.
અખિલ ભારતીય કિસાન સભા અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના નેતૃત્વમાં કાઢવામાં આવી રહેલી કૂચમાં જેપી ગાવિત, ડાબેરી પક્ષના અજીત નવલે જેવા નેતાઓ અને નાસિક જિલ્લાના બાગલાન, કાલવાન, ડિંડોરી તાલુકાના આદિવાસી મજૂરો પણ ખેડૂતોની સાથે છે.
નાસિકમાં આ પ્રકારનું ત્રીજું આંદોલન
નાસિકમાં આ પ્રકારનું આ ત્રીજું આંદોલન છે. ખેડૂતોએ 2018 અને 2019માં પણ પદયાત્રા કાઢી હતી. બંને વખત સરકારે માગણીઓ પૂરી કરવાની ખાતરી આપીને આંદોલન બંધ કરાવ્યું હતું. મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે ખેડૂતોના નેતાઓને મંત્રાલયમાં વાતચીત માટે બોલાવ્યા હતા, પરંતુ તેને બાયપાસ કરીને ખેડૂતો પગપાળા કૂચ પર નીકળ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.