ડોક્ટર...એટલે ધરતી પર રહેલા ભગવાન, એવું કહી જ શકાય. આ આશ્ચર્યની વાત નથી, કારણકે આ એ વ્યક્તિ હોય છે, જે સંકટ સમયે આપણને જીવનદાન આપે છે. આવી જ એક ઘટના ઈન્ટરનેશનલ પ્લેનમાં બની, જ્યારે એક ડોક્ટરે પાંચ કલાક સંઘર્ષ કરી એક યાત્રીનો જીવ બચાવ્યો. શું છે ઘટના, કોણ છે ડોક્ટર અને કેવી રીતે વ્યક્તિનો જીવ બચાવ્યો એ આપણે સ્ટોરીમાં જાણીશું...
સૌથી પહેલા ઘટના જાણીશું...
બર્મિંગહામની ક્વીન એલિઝાબેથ હોસ્પિટલમાં લિવર-સ્પેશિયાલિસ્ટ તરીકે પોતાની ફરજ બજાવતા 48 વર્ષીય ડો. વિશ્વરાજ વેમાલા પોતાની માતા સાથે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ભારત જઈ રહ્યા હતા. એ સમયે પ્લેનમાં એક સાથી યાત્રીને હાર્ટ-એટેક આવ્યો. એ સમયે પ્લેનમાં હાજર મેડિકલ સપ્લાય અને અન્ય મુસાફરોના સામાનની મદદથી 43 વર્ષીય વ્યક્તિનો બે વખત જીવ બચાવ્યો.
ડો.વિશ્વરાજ પોતાની માતા સાથે બેંગલુરુ પોતાના વતન જઈ રહ્યા હતા, એ સમયે એક પેસેન્જરને હાર્ટ-એટેક આવ્યો. કેબિન ક્રૂ-મેમ્બર્સે પ્લેનમાં પૂછ્યું કે કોઈ ડોક્ટર હોય તો જલદી આવો. ડો.વિશ્વરાજ મુસાફરની સારવાર કરવા તરત જ દોડ્યા. મુસાફરની કોઈ મેડિકલ હિસ્ટ્રી નહોતી. પેસેન્જરને ભાન આવ્યું એ પહેલાં ડોક્ટરને તેને પુનર્જીવિત કરવામાં એક કલાક જેટલો સમય લાગ્યો હતો. આ સમય દરમિયાન ડૉ. વેમાલાએ બોર્ડ પરના કેબિન ક્રૂને પૂછ્યું કે શું તેમની પાસે કોઈ દવા છે. સદભાગ્યે તેમની પાસે ઇમર્જન્સી કિટ હતી. આશ્ચર્યની વાત એ હતી કે એમાં રિસસિટિવ દવાઓ હતી, જેને લાઈફ સપોર્ટ દવા કહેવાય છે.
ભાનમાં આવ્યા પછી પેસેન્જર ડોક્ટર સાથે વાત કરી રહ્યો હતો, તેને ફરીથી અચાનક હાર્ટ-એટેક આવે છે. એક પ્રેસ રિલીઝ અનુસાર, ડૉ. વેમાલાએ જણાવ્યું હતું કે "કુલ મળીને ફ્લાઇટના લગભગ બે કલાક સુધી તે સારા પલ્સ અથવા યોગ્ય બ્લડપ્રેશર વિના હતો, કેબિન ક્રૂની સાથે અમે કુલ પાંચ કલાક સંઘર્ષ કરી તેને જીવિત રાખવાનો પ્રયત્ન કર્યો. અન્ય મુસાફરોની મદદથી ઈમર્જન્સી હોવા છતાં 43 વર્ષીય યાત્રીનો જીવ બચાવી લેવામાં આવ્યો.
પેસેન્જરની સ્થિતિ માટે વધતી જતી ચિંતા સાથે પાઇલટે મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગની વ્યવસ્થા કરી, જ્યાં ઈમર્જન્સી ક્રૂએ પરિસ્થિતિ સંભાળી લીધી અને પેસેન્જરને સલામત સ્થળે સારવાર માટે લઈ જવામાં આવ્યો.
કોણ છે ડો.વિશ્વરાજ વેમાલા
ડો.વિશ્વરાજ વેમાલા બર્મિંગહામની ક્વીન એલિઝાબેથ હોસ્પિટલમાં લિવર-સ્પેશિયાલિસ્ટ તરીકે પોતાની ફરજ બજાવે છે. ઘટના અંગે તેમણે કહ્યું હતું કે આ અનુભવ જીવનભર યાદ રહેશે. સ્વાભાવિક રીતે મારી તબીબી તાલીમ દરમિયાન આવી પરિસ્થિતિ સાથે વ્યવહાર કરવાનો મને અનુભવ હતો, પરંતુ હવામાં 40,000 ફૂટ પર ક્યારેય મેં આવું નથી કર્યું.'
તેમણે વધુમાં કહ્યું હતું કે ધબકારા પાછા લાવવા માટે મને લગભગ એક કલાક જેવો સમય લાગ્યો. સદભાગ્યે ક્રૂ પાસે ઈમર્જન્સી કિટ હતી, જેમાં કાર્ડિયક અરેસ્ટ માટે લાઈફ સપોર્ટની દવા પણ હતી.
માતાએ પહેલી વખત ડોક્ટર દીકરાને જોયો
ડો.વેમાલા કહે છે, કન્સલ્ટન્ટ તરીકે મારાં સાત વર્ષમાં પહેલીવાર એવું બન્યું કે મારી માતાએ મને કામ કરતો જોયો, જેથી આ ઘટના વધુ ભાવુક બની’. ઘટનાની ગંભીરતાને જોતાં પાઇલટે મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગની વ્યવસ્થા કરી, જ્યાં ઈમર્જન્સી ક્રૂએ પરિસ્થિતિ સંભાળી લીધી અને પેસેન્જરને સલામત સ્થળે સારવાર માટે લઈ જવામાં આવ્યો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.