સુપ્રીમની ટકોર:રાષ્ટ્રીય સુરક્ષા સાથે બાંધછોડ નહીંઃ સુપ્રીમ

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જો કાયદેસર જાસૂસી થઈ હોય તો મંજૂરી આપનારો વિભાગ એફિડેવિટ કરે

સુપ્રીમકોર્ટે પેગાસસ સોફ્ટવેર થકી જાસૂસીના કેસમાં મંગળવારે બીજા દિવસે પણ સુનાવણી કરી. આ દરમિયાન કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ઉઠાવવા મુદ્દે જજોએ કહ્યું કે, અમે નથી ઈચ્છતા કે રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈ સમાધાન થાય. જો કાયદેસર રીતે જાસૂસી થઈ હોય, તો તેમની મંજૂરી આપનારા વિભાગે એફિડેવિટ દાખલ કરવી જોઈએ.

આ કેસમાં ચીફ જસ્ટિસ એન. વી. રમના, જસ્ટિસ સૂર્યકાંત અને અનિરુદ્ધ બોઝની બેન્ચ સુનાવણી કરી રહી છે. બેન્ચે કહ્યું કે કેન્દ્ર અમને જણાવે કે શું તેઓ આ મામલામાં નવી વધારાની એફિડેવિટ દાખલ કરવા ઈચ્છે છે કે નહીં? કેન્દ્રના જવાબ પછી જ અમે તપાસ સમિતિ રચવાનો વિચાર કરીશું. આ સાથે જ સુપ્રીમકોર્ટે કેન્દ્રને નોટિસ જારી કરીને એક સપ્તાહની અંદર જવાબ દાખલ કરવાનું કહ્યું.

હવે આગામી સુનાવણી 10 દિવસ પછી થશે. આ મામલામાં હિન્દુ પ્રકાશન જૂથના ડિરેક્ટર એન. રામ, એશિયાનેટના સ્થાપક શશીકુમાર, રાજ્યસભા સાંસદ જ્હોન બ્રિટાસ, વકીલ એમ. એલ. શર્માએ અરજી દાખલ કરી છે. આ તમામે નિવૃત્ત જજની દેખરેખમાં તપાસની માંગ કરી છે.

સુરક્ષાના સંદર્ભમાં એફિડેવિટમાં માહિતી આપી શકો છો
કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે અરજદારોની માંગથી રાષ્ટ્રીય સુરક્ષા પર અસર પડે છે. સરકાર જાહેર કરે કે સોફ્ટવેરથી જાસૂસી કરાઈ છે કે નહીં, તો તે આતંકીઓ જેવાં તત્ત્વોને બચવામાં મદદરૂપ થશે. હું એમ નથી કહેતો કે આ વાત અમે કોઈને નહીં કહીએ પરંતુ એટલું જ કહું છું કે, અમે તે જાહેર પ્લેટફોર્મ પર નહીં જણાવીએ.

આ વાત અમે નિષ્ણાત સમિતિને જણાવી શકીએ છીએ. સમિતિ જ તેમનો રિપોર્ટ કોર્ટને આપશે. અરજદારો ઈચ્છે છે કે સરકાર બધી ગુપ્ત માહિતી કોર્ટને આપે. આ માહિતી એફિડેવિટમાં પણ આપી શકાય. કાલે કોઈ વેબસાઈટ સેનાનાં સાધનોના ઉપયોગની માહિતી પ્રકાશિત કરી દે, તો શું અમે જાહેરમાં એ તમામ મુદ્દાનો ખુલાસો કરીશું?

અમે ગુપ્ત માહિતી નથી માંગતા: સીજેઆઈ
આ મુદ્દે સીજેઆઈ રમનાએ કહ્યું કે ના તો અમે, ના તો અરજદારો ઈચ્છે છે કે રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈ સમાધાન થાય. અમે તમારી પાસે સંવેદનશીલ અને ગુપ્ત માહિતી નથી માંગતા. અમે કેન્દ્રને એવું કશું કરવા બાધ્ય નથી કરતા, જે તમે જણાવી ના શકો. અમે ફક્ત લોકોની પ્રાઈવેસીના ઉલ્લંઘન અને જાસૂસીની કાયદેસરતા મુદ્દે નોટિસ જારી કરવા માંગીએ છીએ. જો જાસૂસી કાયદેસર રીતે થઈ છે તો તેની મંજૂરી આપનારા વિભાગે એફિડેવિટ જારી કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...