અયોધ્યા મંદિર:શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં દાન આવકવેરા મુક્ત થશે, કેન્દ્ર સરકારે ગેજેટ નોટિફિકેશન બહાર પાડ્યું

નવી દિલ્હીએક વર્ષ પહેલા
નાણાં મંત્રાલયે તીર્થક્ષેત્રને ઔતિહાસિક રીતે મહત્વના તથા સાર્વજનિક પૂજા માટે પ્રસિદ્ધ સ્થળ તરીકે જાહેર કર્યું.
  • સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર અયોધ્યામાં મંદિર નિર્માણ માટે ટ્રસ્ટની રચના કરવામાં આવી છે
  • ટ્રસ્ટનું ખાતું ખોલ્યા પછી 9 એપ્રિલ સુધીમાં 5 કરોડથી વધુ રકમ જમા થઈ ગઈ હતી

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે બનાવવામાં આવેલ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને દાન કરવા પર રકમ આવકવેરા મુક્ત થશે. શુક્રવારે નાણાં મંત્રાલય દ્વારા આને સંબંધિત ગેજેટ નોટિફિકેશન બહાર પાડ્યું હતું. તે અનુસાર, રામ મંદિર ટ્રસ્ટમાં દાન કરવા પર આવકવેરા કાયદા, 1961ની કલમ 80 જી હેઠળ આવકવેરાને છૂટ આપવામાં આવશે. નાણાં મંત્રાલયે તીર્થક્ષેત્રને ઔતિહાસિક રીતે મહત્વના તથા સાર્વજનિક પૂજા માટે પ્રસિદ્ધ સ્થળ તરીકે જાહેર કર્યું.

ટ્રસ્ટમાં 5 કરોડથી વધુ રકમ જમા થઇ છે
આ માહિતી રામ જન્મભૂમિ ટ્રસ્ટનું ખાતું ખોલ્યા પછી 2 એપ્રિલના રોજ સત્તાવાર રીતે આપવામાં આવી હતી. 9મી એપ્રિલ સુધીમાં આ ખાતામાં 5 કરોડથી વધુ રકમ જમા થઈ ગઈ હતી. જે લોકોએ સૌથી વધુ દાન આપ્યું હતું, તેમણે એક રૂપિયાથી લઈને 11 હજાર સુધી રકમ ખાતામાં જમા કરાવી હતી.

ગયા મહિને ટ્રસ્ટનો લોગો જારી કરવામાં આવ્યો હતો 
ગયા મહિને હનુમાન જયંતી નિમિત્તે બુધવારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા લોગો જાહેર કરાયો હતો. આ લોગોના મધ્યમાં ધનુષધારી પ્રભુ રામના ચિત્રને રાખવામાં આવ્યું છે.  આ સાથે તેમના ભક્ત બજરંગી બલીના ચિત્રનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું- લોગોની મધ્યમાં ધનુષધારી પ્રભુ રામનું ચિત્ર છે. જ્યારે સાઈડમાં હનુમાનજી છે. પ્રભુ રામ અને હનુમાનજી હંમેશા દેશની રક્ષા કરશે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનો લોગો.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનો લોગો.

ટ્રસ્ટના લોગોની પોતાની વિશેષતા છે
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનો લોગો (અમૂર્ત ચિત્ર)  વિશેષ છે. તેમાં ભગવાન રામની સૌમ્ય છબી છે. નામ પહેલાં અને નામના સમાપન પર હનુમાનજીનું ચિત્ર છે. લોગોમાં સૂર્યની તીવ્ર કિરણો પણ છે. આધાર પર રામો વિગ્રહવાન ધર્મઃ નો મુદ્રાલેખ અંકાયેલો છે. જેનો અર્થ છે કે રામ એ ધર્મનું સ-આકાર સ્વરૂપ છે

સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર ટ્રસ્ટની રચના
ગયા વર્ષે 9 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે અયોધ્યા જમીન વિવાદમાં ઐતિહાસિક ચુકાદો આપતાં 67 એકર જમીન હિન્દુ પક્ષને સોંપી હતી. જ્યારે મસ્જિદના નિર્માણ માટે સરકારને અયોધ્યામાં એક મહત્વની જગ્યા પર 5 એકર જમીન મુસ્લિમ પક્ષને આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. કોર્ટે કેન્દ્ર સરકારને 3 મહિનાની અંદર મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ સ્થાપવાનો આદેશ પણ આપ્યો હતો. આ પછી, સરકારે 8 ફેબ્રુઆરીએ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...