સુપ્રીમકોર્ટે ગુજરાત સરકારનો ઊધડો લીધો:શું તમારા મુખ્યમંત્રી કશું જ જાણતા નથી? એડિ.ચીફ સેક્રેટરીને જસ્ટિસ શાહનો સવાલ

નવી દિલ્હી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના સહાય માટે સ્ક્રૂટિની કમિટીની રચવાના આદેશ બદલ ઝાટકણી કાઢી
  • સ્ક્રૂટિની કમિટી એ સહાયમાં વિલંબનો પ્રયાસ છે: જસ્ટિસ
  • ખોટા ક્લેમને કારણે જેઓ સાચા છે તેમને રાહ જોવડાવવી યોગ્ય નથી: જસ્ટિસ નાગરત્ના

કોરોનાથી મૃત્યુ પામેલાઓનાં પરિવારજનોને 50 હજાર રૂપિયાની સહાય મુદ્દે સુપ્રીમકોર્ટે સોમવારે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી. ગુજરાત સરકારે સહાયની અરજીઓની ચકાસણી માટે સ્ક્રૂટિની કમિટીની રચના કરવાનું નોટિફિકેશન અગાઉ આપ્યું હતું.

આ મુદ્દે 18 નવેમ્બરે સુનાવણી દરમિયાન સુપ્રીમકોર્ટે આ નિર્ણય કોર્ટના આદેશથી વિરુદ્ધ હોવાનું જણાવીને રાજ્ય સરકારની ટીકા કરી હતી. સોમવારે સુનાવણી દરમિયાન કોર્ટમાં સરકાર વતી ઉપસ્થિત સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે કોર્ટના આદેશ મુજબ રાજ્ય સરકારના ઠરાવમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે.

જોકે સુપ્રીમકોર્ટના જસ્ટિસ એમઆર શાહે સ્ક્રૂટિની કમિટીની રચવાનું નોટિફિકેશન કોણે તૈયાર કર્યું હતું અને એને મંજૂરી કોણે આપી હતી એ મુદ્દે એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલનો ઊધડો લીધો હતો. કોર્ટે કહ્યું હતું કે સરકારના જ આંકડા મુજબ રાજ્યમાં કોરોનાથી ઓછામાં ઓછા 10 હજાર લોકોનાં મોત નીપજ્યાં છે ત્યારે સહાય માટેની અરજીઓ પર શંકા અસ્થાને છે.

જસ્ટિસ નાગરત્નાએ કહ્યું હતું કે સહાય માટે ખોટા ક્લેમ કરવામાં આવે એનો અર્થ એ નથી કે જે લોકો સાચા છે તેમને રાહ જોવી પડે. ઉલ્લેખનીય છે કે 18 નવેમ્બરના રોજ થયેલી સુનાવણીમાં કોર્ટે કહ્યું હતું કે ગુજરાત સરકારે કોવિડ પીડિતોનાં પરિવારજનોને વળતર માટે ઠેર ઠેર ભટકવા મજબૂર કર્યા છે.

આ મુદ્દે ગુજરાત સરકારના મુખ્ય સચિવ અને આરોગ્ય સચિવને હાજર થવાની ચેતવણી આપતાં બેન્ચે કહ્યું હતું કે જે લોકો પહેલેથી જ (કોરોનાથી સ્વજનના મોતને કારણે) પીડિત છે તેમની સાથે આવું થવું જોઈએ નહીં.

સુપ્રીમકોર્ટ લાઇવ | કોરોના સહાયની અરજીઓની ચકાસણી માટે સ્ક્રૂટિની કમિટીની રચના મુદ્દે સુપ્રીમકોર્ટમાં સુનાવણી જસ્ટિસ શાહ | પહેલું નોટિફિકેશન (સ્ક્રૂટિની કમિટીની રચના કરવાનું) કોણે ઇસ્યુ કર્યું હતું? કોઈએ જવાબદારી લેવી પડશે? સોલિ. જનરલ તુષાર મહેતા | હું જવાબદારી લઉં છું. જસ્ટિસ શાહ | તમે શા માટે લો છો? સંબંધિત અધિકારીએ લેવી પડશે. કોણે ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો? (મહેતાએ બાદમાં કોર્ટને જણાવ્યું કે એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલ વર્ચ્યુઅલ સુનાવણીમાં જોડાયા છે.) જસ્ટિસ શાહ | કોણે ડ્રાફ્ટ બનાવ્યો? કોણે મંજૂરી આપી? ચીફ સેક્રેટરી અગ્રવાલ | વિભાગ દ્વારા આ ડ્રાફ્ટ તૈયાર કરાયો હતો. અનેક અધિકારીઓ એમાં સામેલ હતા. બાદમાં કૉમ્પિટન્ટ ઑથોરિટીએ તેને મંજૂરી આપી. જસ્ટિસ શાહ | કોણ છે એ કૉમ્પિટન્ટ ઑથોરિટી? અગ્રવાલ | સર, કૉમ્પિટન્ટ ઑથોરિટી ટોચના લેવલે છે. જસ્ટિસ શાહ | કોણ છે એ? તેમને જણાવો. અગ્રવાલ | સર, તેઓ મુખ્યમંત્રી છે. જસ્ટિસ શાહ | તમારા મુખ્યમંત્રી કશું જ જાણતા નથી? મિ.સેક્રેટરી તમે ત્યાં શેના માટે છો? જો આ તમારા મગજની પેદાશ હોય તો તમે કશું જ નથી જાણતા. શું તમે અંગ્રેજી જાણો છો? તમે અમારો આદેશ તમે સમજી શકો છો? આ માત્ર (સહાયમાં વિલંબ માટેની) બ્યુરોક્રસીનો પ્રયાસ છે. (બાદમાં મહેતાએ દરમિયાનગીરી કરીને જણાવ્યું કે સહાયની પ્રક્રિયામાં ખોટા ક્લેમ થઈ શકે છે એવી પ્રબળ સંભાવનાઓ છે.) જસ્ટિસ શાહે બાદમાં કહ્યું: અમે તમને સ્ક્રૂટિની કમિટી રચવા ક્યારેય કહ્યું નથી. આદેશમાં સુધારો સ્વીકાર્ય નથી. સ્ક્રૂટિની કમિટી પાસેથી પ્રમાણપત્ર મેળવતા ં1 વર્ષ લાગી જશે? તેઓ કહેશે કે હૉસ્પિટલમાંથી સર્ટિફિકેટ લઈ આવો. તો શું હૉસ્પિટલ સર્ટિ. આપશે?....મિ.મહેતા, તમારા જ આંકડા જણાવે છે કે રાજ્યમાં 10 હજાર લોકોનાં મોત થયાં છે. તો શંકા કરવાનો સવાલ ક્યાં છે?