દિલ્હી:ડૉક્ટરે એકલા જ કોરોના વેક્સિન લેતા પત્નીએ બરાબર ખખડાવ્યા, વીડિયો વાઇરલ

એક વર્ષ પહેલા

નવી દિલ્હીઃ જાણીતા કાર્ડિયોલોજિસ્ટ અને પદ્મશ્રી ડૉ. કે. કે. અગ્રવાલનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયો વાઇરલ થવાનું કારણ છે પત્ની સાથે ફોન પર કરેલી વાતચીત. ડૉ. અગ્રવાલ કોરોના વેક્સિન લીધા બાદ કારમાં પરત ફરી રહ્યા હતા. આ સમયે તેઓ સોશિયલ મીડિયામાં લાઈવ હતા અને વેક્સિન અંગે જ વાત કરી રહ્યા હતા. આ દરમિયાન જ તેમના પત્નીનો ફોન આવે છે. ડૉક્ટરના પત્ની તેમને સીધો સવાલ કરે છે કે, શું તમે વેક્સિન અપાવવા ગયા હતા? ત્યારબાદ તેઓ પતિનો ક્લાસ લે છે અને તેમને સાથે કેમ ના લઈ ગયા એવું કહી ઊંચેથી બોલવા લાગે છે. ડૉક્ટર પતિના જવાબ સામે પત્ની કહે છે કે, હું હમણાં લાઈવ થઈને તમારી ઐસીતૈસી કરું છું. સોશિયલ મીડિયામાં લાઈવ થયેલી આ વાતચીત ખુબ જ વાઇરલ થઈ છે. વીડિયો વાઇરલ થયા બાદ ડૉ. અગ્રવાલે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને લખ્યું છે કે, તેમને ખુશી છે કે કપરાં સમયમાં લોકોને હસવાનો મોકો મળ્યો. તેમણે લખ્યું કે, પત્નીના ઊંચેથી બોલવા પાછળનો ઉદ્દેશ તેમના સ્વાસ્થ્ય અને સુરક્ષાની ચિંતાથી વિશેષ કંઈ જ નથી. સાથે જ તેમણે લોકોને આગ્રહ કર્યો કે, તમે બધા જરૂરથી કોરોના વેક્સિન લેજો.

અન્ય સમાચારો પણ છે...