પેટ્રોલ અને ડીઝલની આકાશને આંબતી કિંમતથી સામાન્ય લોકોને મોટી રાહત મળી છે. દિવાળીના એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં મોટી રાહત આપવાનો નિર્ણય કર્યો છે. સરકારે પેટ્રોલમાં 5 રૂપિયા અને ડીઝલમાં 10 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવાની જાહેરાત કરી છે. નવી કિંમત દિવાળીથી એટલે કે આવતીકાલથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલની કિંમત અત્યાર સુધીના ઉચ્ચત્તમ સ્તરે છે.
28 દિવસમાં 8.85 રૂપિયા મોંઘુ થયું પેટ્રોલ
સપ્ટેમ્બરમાં 28 તારીખે પેટ્રોલ જ્યાં 20 પૈસા મોંઘુ થયું હતું, તો ડીઝલમાં પણ લીટરે 25 પૈસાનો વધારો થયો હતો. સપ્ટેમ્બરના અંતિમ દિવસોમાં જે પેટ્રોલની કિંમત વધવાની શરૂ થઈ તે મંગળવાર સુધી યથાવત રહી હતી. પેટ્રોલની કિંમત જોઈએ તો 28 દિવસમાં આ 8.85 રૂપિયા પ્રતિ લીટર સુધી મોંઘુ થઈ ગયું હતું. ઈન્ટરનેશનલ સ્તરે ક્રુડ ઓઈલની કિંમત વધતા દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે.
કેન્દ્રએ રાજ્યને વેટ ઘટાડવાની અપીલ કરી
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડા બાદ કેન્દ્ર સરકારે રાજ્યોને પેટ્રોલ-ડીઝલમાં વેટ ઘટાડવાની અપીલ કરી છે, કે જેથી લોકોને મોંઘવારીમાંથી છુટકારો મળે. અલગ અલગ રાજ્ય સરકાર 20થી 35% સુધી વેટ વસૂલે છે. કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ ડીઝલમાં એક્સાઈઝ ડ્યૂટી ઘટવાથી ખેડૂતોને સૌથી વધુ ફાયદો મળશે, કેમકે હવે શિયાળુ પાકની કાપણી થશે. આ ઘટાડાથી સૌથી મોટો ફાયદો ખેડૂતોને મળશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.