• Gujarati News
  • National
  • Dispute Over One More Property Purchased By Ram Mandir Trust, The Court Sent A Notice To Champat Rai

અયોધ્યામાં વધુ એક વિવાદ:રામ મંદિર ટ્રસ્ટે ફકીરે રામ મંદિરની જમીન ખરીદતાં વિવાદ, કોર્ટે ચંપત રાયને નોટિસ પાઠવી

અયોધ્યા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રામ મંદિર માટે જે જમીન મળી છે એ પૂરતી હોવાનો દાવો
  • મંદિર બનાવવા એની આસપાસના અન્ય પૌરાણિક મહત્ત્વ ધરાવતાં સ્થાનોને ન તોડવા રજૂઆત

રામ જન્મભૂમિ ટ્રસ્ટ્ર દ્વારા ખરીદવામાં આવેલી વધુ એક જમીન વિવાદમાં ફસાઈ છે. મામલો અયોધ્યાની સિવિલ કોર્ટ સુધી પહોંચી ગયો છે. આ મામલામાં રામ મંદિર ટ્રસ્ટના સચિવ ચંપત રાય સહિત સંપત્તિ સાથે જોડાયેલા લોકોને નોટિસ ઈસ્યુ કરીને જવાબ માગવામાં આવ્યો છે. આ કેસ વિરાજમાન ભગવાન અને તેના નજીકના દોસ્ત સંતોષ દુબે અને સ્વામી અવિમુક્તેશ્વરનંદ તરફથી દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રામ જન્મભૂમિની નજીક ફકીરે રામ મંદિર છે. એની જમીનને રામ મંદિર ટ્રસ્ટે ખરીદ્યા પછી વિવાદ શરૂ થયો છે.

શું છે મામલો?
રામ જન્મભૂમિની નજીક ફકીરે રામ મંદિર છે. મંદિરની જમીનને રામ મંદિર ટ્રસ્ટે 27 માર્ચ 2021ના રોજ ખરીદી. આ સંપત્તિને ખરીદ્યા પછી વિવાદ શરૂ થયો. હવે મામલો ફૈજાબાદ સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટમાં પહોંચી ગયો છે. કોર્ટે ચંપત રાય અને સંપત્તિ સાથે જોડાયેલા તમામ લોકો પાસે જવાબ માગ્યો છે.

આ મામલામાં કેસ દાખલ કરનારા પક્ષે સંપત્તિને વેચનાર રઘુવર શરણના સ્વામીત્વના અધિકારને પડકાર્યો છે, સાથે જ જમીનનું રજિસ્ટ્રેશન રદ કરવા, દેશમાં મંદિરની જમીન પર રિસીવર નિયુક્ત કરવા, મંદિરને નુકસાન ન પહોંચાડવાની સાથે-સાથે મંદિરમાં ભગવાનને નિયમિત ભોગ ચાલુ રાખવાની માગ કરી છે.

રામ નામની લૂંટ મચી રહી છે
કેસ દાખલ કરનારા સંતોષ દુબે જે પોતે બાબરી મામલામાં આરોપી રહ્યા છે. તેમનું કહેવું છે કે રામ મંદિરનું નિર્માણ થાય અને ખૂબ સારું થાય, કારણ કે તેમણે તેમાં તેમના બાળપણથી લઈને જવાની હોમી દીધી છે. ચાર ગોળી પણ ખાધી. તેમણે વધુમાં કહ્યું હતું, તેમનાં 17 હાડકાં તૂટ્યાં, અસંખ્ય વખત જેલમાં પણ ગયા.

તેમનું કહેવું છે કે અમારો ઉદેશ એટલો છે કે રામ મંદિર માટે જે જમીન મળી છે એ પૂરતી છે. એમાં મંદિર બનાવવામાં આવે. એની આસપાસ અન્ય પૌરાણિક મહત્ત્વના સ્થાન જેવા કે ફકીરે રામ મંદિને ન તોડવામાં આવે, સાથે જ એમાં ભગવાન રામને ભોગ ચાલુ રહે.

તેમણે કહ્યું, ફકીરે રામ મંદિરમાં વનવાસ પહેલાં ભગવાન શ્રીરામ, માતા સીતા અને લક્ષ્મણજીએ પોતાનાં વસ્ત્ર બદલ્યાં હતાં, અહીંથી વલ્કલ વેશમાં આવ્યાં હતાં. એવામાં મંદિરને તોડતાં પહેલાં કોર્ટ જ એકમાત્ર ઉપાય હતો.

તેમણે આરોપ લગાવ્યો હતો કે આ ટ્રસ્ટમાં બેઠેલા તમામ લોકો લગામ વગરના છે. આ લોકો પૈસા માટે કોઈપણ સીમા સુધી જઈ શકે છે. ભગવાન રામના નામ પર લૂંટ ચાલી છે. તેમણે આરોપ લગાવ્યો કે આ મામલામાં માત્ર કોર્ટમાં જ સુનાવણી થઈ શકતી હતી, કારણ કે સરકારમાં બેઠેલા લોકો જ ટ્રસ્ટમાં છે અને ટ્રસ્ટમાં બેઠેલા લોકો જ સરકારમાં છે. તેઓ કોઈને સાંભળવા તૈયાર નથી. સમગ્ર અયોધ્યાને તોડી નાખવાની ધમકી આપી રહ્યા છે.