દિલ્હીમાં ઑલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ની બેઠક શરૂ થઈ ગઈ છે. બેઠકમાં કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર ચર્ચા થવાની સંભાવના છે. પાર્ટી સૂત્રો મુજબ, પ્રથમ યાદી 18 માર્ચ એટલે કે આવતીકાલે જાહેર થઈ શકે છે.
બેઠકમાં કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમાર અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પણ હાજર રહ્યા છે. પાર્ટી સૂત્રો મુજબ, કોંગ્રેસ ઉમેદવારની યાદીમાં કર્ણાટક શિવકુમારના ભાઈ ડીકે સુરેશનું નામ પણ હોઈ શકે છે. ડીકે સુરેશ અત્યારે રાજ્યમાં એકમાત્ર કોંગ્રેસના સાંસદ છે.
મીડિયા અહેવાલ મુજબ, માર્ચના અંતમાં ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. તાજેતરમાં જ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર 3 દિવસના કર્ણાટક પ્રવાસે પહોંચ્યા હતા. તેઓ ત્યાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા પહોંચ્યા હતા.
20 માર્ચના રોજ રાહુલની બેલગાવીમાં રેલી
જાણકારી મુજબ, રાહુલ ગાંધી 20 માર્ચના રોજ બેલગાવીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. માનવામાં આવી રહ્યું છે કે, પાર્ટી રાહુલના કર્ણાટક પ્રવાસ પહેલાં 120 ઉમેદવારોનાં નામની જાહેરાત કરી શકે છે.
કર્ણાટક દેશનું ભ્રષ્ટ રાજ્ય- શિવકુમાર
પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું કે, મને લાગે છે કે હવે સમગ્ર રાજ્ય શાસનની સાથે એક નવી સરકારની રાહ જોઈ રહ્યો છે. કર્ણાટક આ દેશનું સૌથી ભ્રષ્ટ રાજ્ય બની ગયું છે. એટલે જ ચૂંટણી માટે 1300 કરતા વધુ ઉમેદવારોએ ટિકિટની માગ કરી છે. આ તમામ પાર્ટીના પ્રમુખ દાવેદાર છે, પરંતુ આ તમામને ટિકિટ આપવી સંભવ નથી.
શિવકુમારે જણાવ્યું કે, રાજ્યમાં ફક્ત 224 વિધાનસભા બેઠકો છે. અમે એ તમામને તક આપીશું જેમને ગત ચૂંટણીમાં ટિકિટ મળી નહતી. અમે ઈચ્છીએ છીએ કે યુવાન પેઢી અને વધુમાં વધુ મહિલાઓને તક આપવામાં આવે.
150થી વધુ બેઠકો પર કોંગ્રેસનું ધ્યાન
કોંગ્રેસ આ વખતે રાજ્યમાં 150થી વધુ બેઠકો પર જીત હાંસલ કરવાના લક્ષ્યને લઈ ચૂંટણી રણનીતિ બનાવી રહી છે. 2018માં વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ ફક્ત 78 બેઠકો જ જીતી હતી. જ્યારે જેડીએસને 37 બેઠકો મળી હતી. ભાજપે 104 બેઠકો જીતી જરૂર હતી, પણ 224 બેઠકોવાળી કર્ણાટક વિધાનસભામાં 113ના બહુમતના આંકડાથી 9 સીટો ઓછી રહી ગઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.