તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઉત્તરાખંડનું રૈણી ગામ રવિવારે ઋષિગંગા નદીના વહેણ સાથે ત્રાટકેલી હોનારતનું સૌથી નજીકનું સાક્ષી છે. ઋષિગંગા પાવર પ્રોજેક્ટ રૈણી ગામની બરાબર નીચે જ હતો, જેનું હવે નામોનિશાન રહ્યું નથી. ગ્લેશિયર તરફથી કાટમાળ ધસમસતો આવ્યો અને બધું જ મિનિટોમાં વહાવીને લઇ ગયો તે દૃશ્ય ગામવાસીઓએ નજીકથી જોયું. તે દિવસથી આખા ગામમાં ડરનો માહોલ છે.
ભયાનક હોનારત અને ડઝનબંધ લોકોને નજર સામે કાળનો કોળિયો બનતા જોઇને અહીંના લોકો શોકમગ્ન છે. તેમને એવો ડર પણ છે કે ક્યાંક ઋષિગંગા ફરી તેવી જ વિકરાળ ન બની જાય. તે દિવસથી જ ગામવાસીઓએ ઘરમાં સૂવાનું છોડી દીધું છે. સાંજે અંધારું થતાં જ સૌ ગામથી દોઢ-બે કિ.મી. ઉપર જંગલમાં જતા રહે છે અને સવાર પડ્યા પછી જ ઘરે પાછા ફરે છે.
તેમણે મુખ્યમંત્રીને માગ કરી છે કે આ સમગ્ર વિસ્તારનું જલદી ભૌગોલિક સર્વેક્ષણ કરાવાય અને અહીંના લોકોને બીજે ક્યાંક વસાવાય. સ્થાનિકોનું કહેવું છે કે 1998માં આ વિસ્તારમાં ભૂકંપ આવ્યો હતો ત્યારે પણ ગામને અસર થઇ હતી. ત્યારથી લોકો અહીંથી જતા રહેવા અંગે વિચારવા લાગ્યા હતા.
રૈણી ગામના રહેવાસી કુંદન સિંહ રાણા કહે છે, ‘અમારું ગામ પહેલેથી બહુ સંવેદનશીલ વિસ્તારમાં વસેલું છે. પ્રોજેક્ટના કારણે અહીં સતત બ્લાસ્ટ કરાયા, જેના કારણે નબળી ભેખડો વધુ નબળી પડતી ગઇ. આ હોનારત પછી તો અહીં રહેવું બહુ જોખમી લાગવા માંડ્યું છે.’ હોનારત બાદ ગામવાસીઓ પુનર્વસનની માગ જોરશોરથી કરવા લાગ્યા છે. તેનું એક કારણ એ પણ છે કે હોનારત પછી ગામના ઘણાં ઘરોમાં તિરાડો પડી ગઇ છે.
પ્રોજેક્ટવાળા બ્લાસ્ટ કરે છે, અમને ઝાડીઓ બાળવાની પણ મંજૂરી નહીં
રૈણી ગામ નંદાદેવી નેશનલ પાર્કની સરહદમાં આવે છે. પર્યાવરણની દૃષ્ટિએ આ વિસ્તાર ખૂબ સંવેદનશીલ મનાય છે. 2019માં ઉત્તરાખંડ હાઇકોર્ટે આ વિસ્તારમાં બ્લાસ્ટ પર રોક લગાવવા આદેશ કર્યો હતો. કેસ એનજીટીમાં લઇ ગયેલા પંચાયતના પૂર્વ સભ્ય સંગ્રામ સિંહ રાવત કહે છે, ‘ગામ નંદાદેવી નેશનલ પાર્કમાં આવતું હોવાથી તંત્ર ગામવાસીઓને આસપાસની ઝાડીઓ બાળવાની પણ મંજૂરી નથી આપતું જ્યારે પ્રોજેક્ટવાળા અહીં સતત બ્લાસ્ટ કરતા રહ્યા. કંપની બધો કાટમાળ પણ નદીમાં જ ફેંકતી રહી. સ્ટોન ક્રશર પણ નદીની નજીક જ બનાવ્યું હતું.’
રૈણી ગામ 1970ના ‘ચિપકો આંદોલન’ની જન્મભૂમિ અને કર્મભૂમિ છે
રૈણી ગામ 1970ના ચિપકો આંદોલનની જન્મભૂમિ અને કર્મભૂમિ પણ કહેવાય છે. વિશ્વભરમાં ચર્ચિત આ આંદોલન શરૂ કરનારા ગૌરા દેવી આ ગામના જ રહેવાસી હતા. આ આંદોલનમાં મહિલાઓએ વૃક્ષો કપાતા રોકવા જીવની બાજી લગાવી દીધી હતી પણ પર્યાવરણ બચાવવા માટેના તે આંદોલનને જન્મ આપનારું આ ગામ હવે પર્યાવરણના કારણોથી જ ખાલી થવાના આરે છે. જોકે, લોકોના મનમાં તેમના ગામ પ્રત્યે લગાવ અને તે ઐતિહાસિક ધરોહર બની જવાની ચિંતા પણ કમ નથી. હોનારતે ગામના ભવિષ્ય સામે સવાલ ઊભા કરી દીધા છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.