મમતા-શાહે બંગાળમાં શિક્ષકની ભરતીની પરીક્ષા આપી?:TET 2014ની મેરિટ લિસ્ટમાં દીદીને 92 અને શાહને 93 મળ્યા, જાણો શું છે સમગ્ર ઘટના

4 મહિનો પહેલા

પશ્ચિમ બંગાળ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (TET 2014)ના પરિણામ યાદી બહાર આવી છે. આશ્ચર્યની વાત એ છે કે આ યાદીમાં સીએમ મમતા બેનર્જી, અમિત શાહ અને પશ્ચિમ બંગાળના વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીના નામ પણ છે. જ્યારે ત્રણેયએ ન તો પરીક્ષા આપી કે ન તો તેઓ પરીક્ષા આપવા માટે લાયક છે. આ બધુ ત્યારે સામે આવ્યું છે જ્યારે પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડની તપાસ ચાલી રહી છે. રાજ્યના શિક્ષણ મંત્રી રહી ચૂકેલા પાર્થ ચેટર્જી આ કૌભાંડમાં જેલમાં છે.

શુભેન્દુ અધિકારીને 100માંથી 100 માર્ક
આ લિસ્ટમાં મમતા બેનર્જીને 92 માર્ક મળ્યા છે, જ્યારે પશ્ચિમ બંગાળ ભાજપ નેતા શુભેન્દુ અધિકારીને પૂરા 100 માર્ક મળ્યા છે. દિલીપ ઘોષ અને સુજાન ચક્રવર્તીને પણ 92 માર્ક મળ્યા છે. લિસ્ટમાં ગૃહમંત્રી અમિત શાહનું પણ નામ છે. તેમને 93 માર્ક મળ્યા છે. આ યાદી પશ્ચિમ બંગાળ પ્રાથમિક શિક્ષણ બોર્ડ (WBBPE) દ્વારા બહાર પાડવામાં આવી છે.

2014 TET પરીક્ષાના પરિણામોની સંપૂર્ણ યાદી શુક્રવારે જાહેર કરવામાં આવી હતી. 1,832 પેજની યાદીમાં 1 લાખ 25 હજાર ઉમેદવારોના નામ, કેટેગરી અને સ્કોર પણ આપવામાં આવ્યા છે. TET મેરિટ લિસ્ટ અંગે અનેક અયોગ્ય લોકોને નોકરી આપવામાં આવી હોવાના આક્ષેપો થયા છે.

વકીલોએ કોલકત્તા હાઈકોર્ટમાં મુદ્દો ઉઠાવ્યો હતો
વકીલોના એક જૂથે આ મુદ્દો કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાય સમક્ષ ઉઠાવ્યો છે. આ વકીલોએ કોર્ટને એ જાણવાની અપીલ કરી છે કે આ યાદીમાં જે મોટા નેતાઓના નામ છે તે પરીક્ષા આપી રહેલા ઉમેદવારો છે કે નહીં.

યાદીમાં અમિત શાહની કેટેગરીમાં OBC, શુભેન્દુ અધિકારી જનરલ
આ લિસ્ટમાં અમિત શાહનો રોલ નંબર 075020639 છે અને તેમની કેટેગરી OBC લખવામાં આવી છે. ભાજપના નેતા શુભેન્દુ અધિકારી જનરલ કેટેગરીના છે અને તેમનો રોલ નંબર 060038134 છે. દિલીપ ઘોષનો રોલ નંબર 165010207 છે અને તેઓ OBC-B કેટેગરીના છે.

લિસ્ટમાં પૂર્વ શિક્ષામંત્રી પાર્થ ચેટર્જીનું પણ નામ
આ લિસ્ટમાં બંગાળના પૂર્વ શિક્ષામંત્રી પાર્થ ચેટર્જી અને શિક્ષા બોર્ડના અધ્યક્ષ ગૌતમ પાલનું નામ પણ છે. પાર્થ ચેટર્જીનું નામ શિક્ષક ભરતી કૌભાંડમાં આવ્યું હતું. તેમની નજીકની અર્પિતા મુખર્જીના ઘરો પર દરોડામાં લગભગ 50 કરોડની રોકડ અને સોનાના દાગીના મળી આવ્યા હતા.

23 જુલાઈએ EDએ પાર્થની ધરપકડ કરી, મની લોન્ડ્રિંગનો આરોપ
23 જુલાઈના રોજ, EDએ શિક્ષક ભરતી કૌભાંડમાં મની લોન્ડ્રિંગના આરોપમાં પાર્થની કોલકાતામાં તેના સત્તાવાર નિવાસસ્થાનથી ધરપકડ કરી હતી. પાર્થ પર આરોપ હતો કે મંત્રી રહીને તેને નોકરી આપવાના બદલામાં પૈસા લીધા હતા. પાર્થની ધરપકડના 5 દિવસ બાદ સીએમ મમતા બેનર્જીએ તેને કેબિનેટમાંથી કાઢી મૂક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...