સિરસા ખાતે ડેરા સચ્ચા સૌદા ચીફ રામ રહીમ પેરોલ પર બહાર આવતાંની સાથે જ ચર્ચામાં રહેવા લાગ્યો છે. રામ રહીમે સોમવારે તલવાર વડે કેક કાપી હતી. ડેરાના બીજા સંત શાહ સતનામના જન્મદિવસનો પ્રસંગ હતો. રામ રહીમે પોતાની ગાદી તેમને સોંપી હતી. કેક કાપવાનો વીડિયો બાગપત ખાતેના બરનાવા ડેરાનો છે. આ વીડિયો વાઇરલ થયો છે.
બળાત્કાર અને હત્યાનો દોષિત રામ રહીમ રોહતકની સુનરિયા જેલમાં 20 વર્ષની સજા કાપી રહ્યો છે. તે છેલ્લા 14 મહિનામાં ચોથી વખત પેરાલ પર બહાર આવ્યો છે. 21 જાન્યુઆરીએ તેને 40 દિવસના પેરોલ મળ્યા છે.
જેલમાંથી બહાર આવ્યા બાદ રામ રહીમે 5 કલાક સુધી ઓનલાઈમ સત્સંગ કર્યો હતો, જેમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના OSD તેમજ ભાજપના સાંસદ અને ધારાસભ્યો પણ જોડાયા હતા.
રામ રહીને કહ્યું- 5 વર્ષ બાદ આવા સેલિબ્રેશનની તક મળી
જે વીડિયો સામે આવ્યો છે એમાં રામ રહીમ કહી રહ્યો છે કે આ રીતે સેલિબ્રેશન કરવાની તક 5 વર્ષ બાદ મળી છે. મારે ઓછામાં ઓછી 5 કેક કાપવી જોઈએ. આ પહેલી કેક છે.
CMના OSD અને સાંસદ રામ રહીમના સિરસા ડેરામાં પહોંચ્યા
રામ રહીમના સત્સંગમાં હરિયાણાના CM મનોહરલાલ ખટ્ટરના OSD કૃષ્ણ બેદી અને રાજ્યસભાના સાંસદ કૃષ્ણ પવાર પણ સિરસા પહોંચ્યા હતા. બંનેએ રામ રહીમ સાથે વાત કરી હતી. કૃષ્ણ બેદી કહ્યું હતું કે 3 ફેબ્રુઆરીએ નરવાનામાં યોજાનારા સંત રવિદાસ જયંતી સમારોહનું આમંત્રણ આપવા સિરસા આવ્યા છીએ.
રાજ્યસભાના સાંસદ કૃષ્ણ પવારે કહ્યું હતું કે સૌપ્રથમ સ્વચ્છતા અભિયાન પાણીપતમાં શરૂ કરવામાં આવ્યું હતું એ મને યાદ છે. તમારા આશીર્વાદ અમારા પર બની રહે. સિરસાના ભાજપના નેતા ગોવિંદ કાંડાએ કહ્યું કે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારું દુઃખ જલદી સમાપ્ત થાય. શ્રી કૃષ્ણજી તમને જલદી સિરસા લઈ આવે.
ધારાસભ્ય, અધિકારી અને ચેરમેન પણ આશીર્વાદ લેવા પહોંચ્યા
રામ રહીમના આશીર્વાદ લેનારાઓમાં અંબાલા શહેરના ધારાસભ્ય અસીમ ગોયલ, ગુહલા ચીકાથી ભાજપના ધારાસભ્ય કુલવંત બાજીગરના પુત્રવધૂ, બરાડાના SDM બિજેન્દ્ર સિંહ અને નગરપાલિકા અધ્યક્ષ રેખા રાની, રાઈના ધારાસભ્ય મોહન લાલ, ટોહાના નગરપાલિકાના અધ્યક્ષ નરેશ બંસલ, ઉચાના નગરપાલિકાના ચેરમેન પણ સામેલ હતા. આ સિવાય 2 ડઝન નેતાઓ અને અધિકારીઓ તેમને મળવા આવ્યા હતા.
રામ રહીમનો ડ્રામા શરૂ થઈ ગયો: સ્વાતિ માલીવાલ
દિલ્હી મહિલા આયોગનાં અધ્યક્ષ સ્વાતિ માલીવાલે હરિયાણા સરકાર પર કટાક્ષ કર્યો છે. સ્વાતિ માલીવાલે ટ્વીટ કર્યું, “ફરીથી બળાત્કારી અને ખૂની ઢોંગી રામ રહીમનો ડ્રામા શરૂ, હરિયાણાના CMના ઓએસડી અને રાજ્યસભા સાંસદે ઢોંગી બાબાના દરબારમાં હાજરી આપી. ખટ્ટર સાહેબ માત્ર બોલવાથી કામ ચાલશે નહીં કે તમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. જાહેરમાં તમે તમારું સ્ટેન્ડ જણાવો કે તે રેપિસ્ટ સાથે છે કે મહિલાઓ સાથે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.