ઉત્તર ભારતના હિમાલયના રાજ્યોમાં હિમવર્ષા અને બર્ફીલા પવનોના કારણે ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને રાજધાની દિલ્હીમાં બુધવારે સિઝનનું સૌથી ઓછું 4.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ આંકડો ધર્મશાલા, નૈનિતાલ અને દહેરાદૂન કરતા પણ ઓછો છે.
હવામાન વિભાગે આગામી બે દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરતા કહ્યું છે કે, હજુ બે દિવસ સખત ઠંડી પડી શકે છે. હજુ એક દિવસ પહેલા દિલ્હીમાં લઘુતમ તાપમાન 8.5 ડિગ્રી હતું. બીજી તરફ, ધર્મશાલામાં 5.2, નૈનિતાલમાં 6 અને દહેરાદૂનમાં 4.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં બુધવારે ઠંડીનું મોજું યથાવત રહ્યું હતું. રાજ્યના 4 શહેરમાં 11 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં બે દિવસ ઠંડી યથાવત્ રહેવાની આગાહી છે.
હવામાન વિભાગના વિજ્ઞાની આર. કે. જેઠમલાણીએ જણાવ્યું હતું કે, ‘હાલ દિલ્હીમાં શીતલહેર છે, જેથી મહત્તમ તાપમાન પણ ઘટી ગયું છે. તેના કારણે આખો દિવસ લોકો ભારે ઠંડી અનુભવે છે. અહીં મોટા ભાગના સ્થળોએ મહત્તમ તાપમાન આશરે 13 ડિગ્રી નોંધાયું છે. આ શીતલહેર મહત્તમ 48 કલાક રહેશે. ત્યાર પછી નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે સાતમી જાન્યુઆરીથી ઠંડીમાં થોડો ઘટાડો થશે. ’
આ સ્થિતિમાં ભારે ધુમ્મસના કારણે વિઝિબિલિટી 200 મીટરે પહોંચી ગઇ હતી, જેના કારણે વાહનચાલકો અને રેલવેએ પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રેલવે પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘દિલ્હી જતી આશરે 19 ટ્રેન ધુમ્મસના કારણે એકથી ચાર કલાક મોડી પડી હતી.’ હવામાન વિભાગે એક સેટેલાઇટ તસવીર પણ જારી કરી હતી, જેમાં ઉત્તર અને પૂર્વ ભારતમાં ગાઢ ધુમ્મસ દેખાઈ રહ્યું હતું. જોકે, પવનોના કારણે ધુમ્મસનું પ્રમાણ ઝડપથી ઘટી રહ્યું છે.
અન્ય હવામાન નિષ્ણાતોએ પણ જણાવ્યું હતું કે, ઉત્તર ભારતના પંજાબ, હરિયાણા, રાજસ્થાન તેમજ ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ બે દિવસમાં શીતલહેર કાબુમાં આવી જશે. હાલ અહીં દિવસનું મહત્તમ તાપમાન સામાન્યથી નીચું છે. આ દરમિયાન ખાસ કરીને ઉત્તર રાજસ્થાનમાં જબરદસ્ત ઠંડીનો ચમકારો હતો. અહીં સૌથી ઓછું તાપમાન ચુરુમાં 0.9 ડિગ્રી નોંધાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.