બજારમાં સોનાનો ચળકાટ:ધનતેરસે દેશભરમાં 75000 કરોડનું સોનું વેચાયું: CAIT

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 ટન જ્વેલરી વેચાઈ, કુલ વેચાણ 30 ટનથી વધુનો અંદાજ

છેલ્લા બે વર્ષમાં સોનાએ ગુમાવેલો ચળકાટ આ દિવાળીએ પાછો ફર્યો છે. બજારના નિષ્ણાંતોના મતે ધનતેરસના દિવસે ગોલ્ડ જ્વેલરી તથા ગોલ્ડ કોઇનનું વેચાણ કોરોનાકાળ પૂર્વેના વર્ષોની સપાટીને સ્પર્શી ગયું છે.

કૉન્ફડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT )ના જણાવ્યા પ્રમાણે ધનતેરસે 75 હજાર કરોડ રૂપિયાના સોનાના વેચાણનો અંદાજ છે. જ્યારે 15 ટન ગોલ્ડ જ્વેલરીના વેચાણનો અંદાજ છે. માત્ર દિલ્હીમાં જ 1 હજાર કરોડનું સોનું વેચાયું છે.

જ્યારે મહારાષ્ટ્રમાં 1500 કરોડ તો યુપીમાં 600 કરોડના વેચાણનો અંદાજ છે. દક્ષિણ ભારતમાં 2 હજાર કરોડના વેચાણનો અંદાજ છે. ચાંદીનો ભાવ પ્રતિ કિલોએ 63-64 હજાર રૂપિયા જેટલો વધુ હોવાથી તેનું વેચાણ વધુ નથી.

મંગળવારે સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામે 47,644 રૂપિયાની રેન્જમાં હતા. જે ઓગસ્ટના 57 હજારની તુલનામાં ઓછા છે. ઑલ ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટીક કાઉન્સિલના ચેરમેન આશિષ પેઠેએ જણાવ્યું હતું કે ધનતેરસે ગોલ્ડના વેચાણનો જથ્થો કોરોનાકાળ પૂર્વેની સપાટીને સ્પર્શી જશે. જ્યારે વેલ્યુની દૃષ્ટિએ 2019ની તુલનામાં વેચાણમાં 20 ટકાનો વધારો થયો છે.

બજારના નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે દર વર્ષે ધનતેરસે અંદાજે 20-30 ટન સોનાનું વેચાણ થતું હોય છે. આ વર્ષે તેના કરતા વધુ વેચાણનો અંદાજ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ભારત ખાતેના સીઇઓ સોમસુંદરમે જણાવ્યું હતું કે પ્રમાણમાં ઓછા ભાવ, સારુ ચોમાસુ તથા કોરોનાની સ્થિતિ હળવી થવા સહિતના પરિબળોના કારણે સોનાના વેચાણમાં ઉછાળો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...