• Gujarati News
  • National
  • Detention Of Priyanka Gandhi; Police Register Murder Case Against Minister Ajay Mishra's Son Ashish, Conspiracy And Violence Case Against 14 People

લખીમપુરની લડાઈ LIVE:​​​​​​​સરકાર અને ખેડૂતો વચ્ચે સમજૂતી; મૃતકોના પરિવારને રૂપિયા 45 લાખ, એક સભ્યને સરકારી નોકરીનું વચન, 8 દિવસમાં દોષિતની ધરપકડ થશે

લખીમપુર ખીરી21 દિવસ પહેલા
  • કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ સામે હત્યાનો કેસ
  • લખીમપુર ખીરીમાં ખેડૂતોના આંદોલન વચ્ચે ફાટી નીકળેલી હિંસામાં 8 લોકોનાં મોત થયાં હતાં

લખીમપુરમાં ખેડૂતો અને સરકાર વચ્ચે સમજૂતી થઈ ગઈ છે. સરકારે મૃતકોના પરિવારને રૂપિયા 45 લાખ વળતર આપવાની જાહેરાત કરી છે. મૃતકોના પરિવારના એક સભ્યને સરકારી નોકરી પણ આપવામાં આવશે. આ સાથે ઘટનાની ન્યાયિક તપાસ તથા 8 દિવસમાં આરોપીઓની ધરપકડ કરવાની પણ ખાતરી આપવામાં આવી છે. આ તપાસ હાઇકોર્ટના નિવૃત્ત જજ દ્વારા કરવામાં આવશે. હિંસામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને પણ 10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું- જ્યારે આવી ઘટના બને છે તો કોઈ જવાબદારી લેતું નથી
લખીમપુર ખીરી હિંસા અંગે સુપ્રીમ કોર્ટે કઠોર ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું છે કે જ્યારે આવી કમનસીબ ઘટનાઓ બને છે ત્યારે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી હોતું. પ્રદર્શનકારીઓ દાવો તો કરે છે કે તેમનો વિરોધ શાંતિપૂર્ણ છે, પરંતુ જ્યારે હિંસા થાય છે ત્યારે કોઈ જવાબદારી લેવા તૈયાર હોતું નથી.

જ્યારે, કેન્દ્ર તરફથી હાજર રહેલા એટર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું કે, લખીમપુર ખીરી જેવી ઘટનાઓને રોકવા માટે ખેડૂતોના વિરોધને તાત્કાલિક અટકાવવાની જરૂર છે.

લખીમપુર ખીરીમાં રવિવારે થયેલી હિંસામાં મૃત્યુયાંક 9 થયો છે. તેની અસર ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં પણ થઈ હતી. લખીમપુર જતાં અટકાવવાના કારણે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ રસ્તા પર જ ધરણાં પર બેઠા હતા. અખિલેશ યાદવે કહ્યું, 'અંગ્રેજોએ પણ એટલો અત્યાચાર કર્યો ન હતો જેટલો આ ભાજપ સરકાર ખેડૂતો પર કરી રહી છે. તેમણે ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માંગ પણ કરી હતી. અખિલેશે વધુમાં કહ્યું હતું કે જે ખેડૂતો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારને 2-2 કરોડ રૂપિયાની સહાય અપાવામાં આવે અને તેમના પરિવારને સરકારી નોકરી પણ આપવામાં આવે. ત્યારબાદ પોલીસે તેમની અટકાયત કરી હતી.

પ્રિયંકા ગાંધીની અટકાયત, ઝાડુ મારીને કર્યો વિરોધ
પ્રિયંકા ગાંધીને પોલીસે જે ગેસ્ટ હાઉસમાં કસ્ટડીમાં રાખ્યા છે, ત્યાંનો તેમનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં પ્રિયંકા રૂમમાં ઝાડુ મારીને સફાઈ કરતાં જોવા મળ્યાં છે. લગભગ 45 સેકન્ડના આ વીડિયોમાં જોવા મળે છે કે આખો રૂમ ખાલી પડેલો છે અને પ્રિયંકાએઝાડુ મારીને સફાઈ કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો.

લખનઉમાં ધરણાં પર બેઠેલા અખિલેશ યાદવની પણ અટકાયત કરવામાં આવી છે. તેમને પોલીસે લખીમપુર ખીરી જતાં અટકાવ્યા હતા. આ પછી તેઓ ધરણાં પર બેઠા. હવે પોલીસ તેમને કસ્ટડીમાં લીધા છે. આ પહેલાં કોંગ્રેસનેતા પ્રિયંકા ગાંધીની સીતાપુરમાં અટકાયત કરવામાં આવી હતી. તેઓ પણ લખીમપુર ખીરી જઈ રહ્યાં હતાં.

ઉત્તરપ્રદેશ નવું જમ્મુ-કાશ્મીર: ઓમર અબ્દુલ્લા
લખીમપુર હિંસા મુદ્દે ઓમર અબ્દુલ્લાએ પણ પોતાની પ્રતિક્રિયા જણાવી છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ લખીમપુર ખીરી હિંસા પર ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું, 'ઉત્તરપ્રદેશ નવું જમ્મુ-કાશ્મીર છે.'

ઉત્તરપ્રદેશમાં ગુંડારાજ: તેજસ્વી યાદવ
લખીમપુર હિંસા મામલે આર.જે.ડી નેતા તેજસ્વી યાદવે પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે લોકો ઈચ્છે છે કે પીડિતોને ન્યાય મળે. તેમણે યુપીની ભાજપ સરકાર પર નિશાન સાધતાં જણાવ્યુ હતું કે ભાજપના મંત્રીનો પુત્ર હોવાને કારણે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. ઉત્તરપ્રદેશમાં ગુંડારાજ થઈ ગયું છે:

અંબાલા-બેંગલુરુમાં પણ પ્રદર્શન
લખીમપુર હિંસા પર હોબાળો વધી રહ્યો છે. હિંસા અને ખેડૂતોનાં મોત સામે યુપી તેમજ હરિયાણાના અંબાલા અને કર્ણાટકના બેંગલુરુમાં વિરોધપ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

હાર્દિક પટેલે કહ્યું- ભાજપ ડરપોક છે
કોંગ્રેસનેતા હાર્દિક પટેલે યુપી સરકાર પર પ્રહાર કર્યા છે. તેણે કહ્યું, ભાજપ ખૂની અને ડરપોક છે. જે ખેડૂતો સાથે થયું એ કાલે તમારી સાથે પણ થઈ શકે છે.

સંયુક્ત કિસાન મોરચાએ રાષ્ટ્રપતિ કોવિંદને પત્ર લખીને આ માગણી કરી
લખીમપુર ખીરી કેસમાં સંયુક્ત કિસાન મોરચાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખ્યો છે, જેમાં ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાને હટાવવા, તેમના પુત્ર આશિષ મિશ્રા સામે 302 હેઠળ હત્યા કરવાનો કેસ નોંધવા, તપાસ માટે SITની રચના કરવાની માગ કરવામાં આવી છે. વધુમાં તેમણે હરિયાણાના સીએમ ખટ્ટર પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યા છે, કહેવામાં આવ્યું છે કે તેમને સીએમપદ પરથી દૂર કરવા જોઈએ.

ઉત્તરપ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવે કહ્યું હતું કે પોલીસ સ્ટેશનની સામે જે પોલીસની ગાડીને પોલીસ દ્વારા જ સળગાવી દેવામાં આવી હતી. અખિલેશે કહ્યું હતું કે આ બધું આંદોલનને નબળું પાડવા માટે કરવામાં આવી રહ્યું છે.

લખનઉ: પોલીસ સ્ટેશનની સામે પોલીસની કાર સળગાવાઈ
લખનઉમાં અખિલેશ યાદવ ધરણાં પર બેઠા છે એ સ્થળથી થોડા અંતરે એક પોલીસ વાહનને આગ ચાંપી દેવામાં આવી હતી. લખનઉમાં ગૌતમપલ્લી પોલીસ સ્ટેશન સામે જ પોલીસની ગાડી સળગાવી દેવામાં આવી હતી. જોકે એસપી કાર્યકર્તાઓનો આરોપ છે કે પોલીસકર્મીઓએ જ એ વાહનને આગ લગાવી હતી.

અખિલેશ યાદવ ધરણાં પર બેઠા છે. તેમણે મૃતક ખેડૂતોનાં પરિવારજનોને 2-2 કરોડ રૂપિયા સહાય આપવાની પણ માગ કરી છે.
અખિલેશ યાદવ ધરણાં પર બેઠા છે. તેમણે મૃતક ખેડૂતોનાં પરિવારજનોને 2-2 કરોડ રૂપિયા સહાય આપવાની પણ માગ કરી છે.

ધરણાં પર બેઠેલા અખિલેશે કહ્યું- ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યો
તેમણે કહ્યું હતું કે ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યો છે. તેમણે ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના રાજીનામાની માગ કરી હતી. આ સિવાય મૃતક ખેડૂતોનાં પરિવારજનોને 2-2 કરોડ રૂપિયા સહાય આપવાની પણ માગ કરી હતી. આ ઉપરાંત આ મામલે સીબીઆઈ તપાસની માગ પણ કરી હતી.

મંત્રી અજય મિશ્રાના પુત્ર સામે હત્યાનો કેસ
લખીમપુર હિંસા કેસમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા સહિત 14 લોકો સામે હત્યા, ગુનાહિત કાવતરું અને હિંસા માટેનો ગુનો નોંધવામાં આવ્યો છે. રવિવારે લખીમપુર ખીરીમાં ખેડૂતોના આંદોલન વચ્ચે ફાટી નીકળેલી હિંસામાં 8 લોકોના મોત થયા હતા. આ સાથે જ સોમવારે સવારે એક પત્રકારનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. આ સાથે અત્યાર સુધીમાં મૃત્યુઆંક 9 પર પહોંચી ગયો છે.

મંત્રી અજય મિશ્રાનો પુત્ર આશિષ મિશ્રા ઉર્ફે મોનુ.
મંત્રી અજય મિશ્રાનો પુત્ર આશિષ મિશ્રા ઉર્ફે મોનુ.

ટિકૈતે કહ્યું - મંત્રીને હટાવવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહોના અંતિમ સંસ્કાર નહીં
અહીં લખીમપુર પહોંચેલા ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે જાહેરાત કરી છે કે જ્યાં સુધી મંત્રી અજય મિશ્રાને હટાવવામાં નહીં આવે. તેના પુત્રની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી ખેડૂતોના મૃતદેહોને અગ્નિસંસ્કાર કરવામાં આવશે નહીં. અહીં, ખેડૂતોએ સ્થળ પર ભેગા થઇ રહ્યા છે. અહીં ખેડૂતોની સંખ્યા બે હજાર સુધી પહોંચી ગઈ છે. તેને જોતા વહીવટીતંત્રે સ્થિતિ પર કાબૂ મેળવવા માટે મોટા પ્રમાણમાં જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.

રાકેશ ટિકૈતે જાહેરાત કરી છે કે જ્યાં સુધી તેમની માંગ પૂરી ન થાય ત્યાં સુધી તેઓ લખીમપુર છોડશે નહીં.
રાકેશ ટિકૈતે જાહેરાત કરી છે કે જ્યાં સુધી તેમની માંગ પૂરી ન થાય ત્યાં સુધી તેઓ લખીમપુર છોડશે નહીં.

રાકેશ ટિકૈતની 5 મોટી માંગણીઓ

  • હિંસાની ન્યાયિક તપાસ
  • મૃતકના પરિવારને એક કરોડનું વળતર
  • મૃતકના પરિવારના એક સભ્યને નોકરી
  • સાંસદના પુત્ર સહિત 14 આરોપીઓની ધરપકડ
  • અજય મિશ્રાને મંત્રી પદેથી હટાવવામાં આવે

ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં રવિવારે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષની કાર દ્વારા કચડાઈ જવાથી ખેડૂતોનાં મોતના સંદર્ભમાં પોલીસે આશિષ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. આશિષ સહિત 14 લોકો સામે તોફાનો અને ષડયંત્રનો કેસ પણ નોંધવામાં આવ્યો છે. રવિવારે લખીમપુર ખીરીમાં ખેડૂતોના આંદોલન વચ્ચે ફાટી નીકળેલી હિંસામાં 8 લોકોનાં મોત થયાં હતા.

લખીમપુર ખીરીમાં સઘન પોલીસ બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો છે.
લખીમપુર ખીરીમાં સઘન પોલીસ બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો છે.

અહીં કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી મૃતકોનાં પરિવારજનોને મળવા મોડી રાત્રે દિલ્હીથી લખનઉ પહોંચ્યાં હતાં. એના થોડા સમય પછી તેઓ લખીમપુર જવા રવાના થયાં હતાં, પરંતુ સવારે 5:30 વાગ્યે પ્રિયંકા ગાંધીને સીતાપુર જિલ્લાની હરગાંવ બોર્ડર પર પોલીસે કસ્ટડીમાં લીધાં હતાં. પોલીસની નજરથી બચતાં પ્રિયંકા રૂટ બદલીને લખીમપુર જઈ રહ્યાં હતાં. તેમને પીએસી ગેસ્ટ હાઉસમાં લઈ જવામાં આવ્યાં છે. ડીએમ એસપી સહિત ભારે પોલીસ ફોર્સ સ્થળ પર છે. બીજી તરફ સપા-પ્રમુખ અખિલેશ યાદવે પણ લખીમપુર-ખીરી જવાની વાત કરી હતી. તેમના ઘરની બહાર પર મોટા પ્રમાણમાં પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.

લખીમપુરમાં ઈન્ટરનેટ સેવા બંધ
મોડી રાત સુધી ચાલેલા હંગામાને પગલે અફવાઓ ફેલાવાની સંભાવનાને જોતાં આ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા સ્થગિત કરી દેવામાં આવી છે. ખેડૂતોનો આરોપ છે કે કેન્દ્રીય મંત્રી આશિષ મિશ્રાનો પુત્રએ તેમના સાથીઓને કારથી ટક્કર મારી હતી. આ પછી જ હંગામો થયો અને હિંસામાં ભાજપના નેતાના ડ્રાઈવર સહિત કુલ આઠ લોકોનાં મોત થયાં હતાં.

અખિલેશ યાદવના ઘરની બહાર પર મોટા પ્રમાણમાં જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.
અખિલેશ યાદવના ઘરની બહાર પર મોટા પ્રમાણમાં જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.

આજે કિસાન યુનિયનનું રાષ્ટ્રવ્યાપી પ્રદર્શન
ભારતીય કિસાન યુનિયન (BKU)એ રવિવારે મુઝફ્ફરનગરના સિસૌલી ગામમાં લખીમપુર ખેરીમાં થયેલી હિંસા પર ચર્ચા કરવા માટે તાત્કાલિક એક પંચાયત બોલાવીને બેઠકનું આયોજન કર્યું હતું અને સોમવારે દેશભરના દરેક જિલ્લામાં વિરોધપ્રદર્શન કરવાનું નક્કી કર્યું હતું .

અન્ય સમાચારો પણ છે...