જો સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ પંજાબ પોલીસની ભલામણ સ્વીકારી હોત તો પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા જીવિત હોત. કેનેડાનો ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર સિદ્ધુ મૂસેવાલાની હત્યાના ષડયંત્રને અંજામ આપી શક્યો ન હોત. આ દાવો પંજાબ પોલીસે કર્યો છે. 19 મેના રોજ પંજાબ પોલીસે CBIને બે જૂના કેસમાં ગોલ્ડી બ્રાર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ ઈશ્યુ કરવાની માંગ કરી હતી. જો આ નોટિસ આપવામાં આવી હોત તો પંજાબ પોલીસ પહેલા એક્શનમાં આવી હોત. સિદ્ધુ મૂસેવાલાની 29 મેના રોજ હત્યા કરવામાં આવી હતી. પંજાબ પોલીસે ફરીથી રેડ કોર્નર નોટિસ જાહેર કરવાનું કહ્યું છે.
દરમિયાન, મૂસેવાલા હત્યા કેસમાં સંડોવાયેલા પહેલા શાર્પ શૂટર સૌરવ મહાકાલની પોલીસે ધરપકડ કરી લીધી છે. મુંબઈ પોલીસે તેની પુણેથી ધરપકડ કરી છે. મૂસેવાલાને મારવા તે અંડરવર્લ્ડ ડોન અરુણ ગવળી ગેંગના શૂટર સંતોષ જાધવ સાથે પંજાબ આવ્યો હતો. પોલીસે આ કેસમાં 8 શાર્પ શૂટરોની ઓળખ કરી લીધી છે. જેમાં 4ની હત્યામાં સંડોવણી હોવાના ખાતરીપૂર્વકના પુરાવા મળ્યા છે.
જો CBI હત્યાને અટકાવી શકી હોત
પંજાબ પોલીસના જણાવ્યા પ્રમાણે સિદ્ધુ મૂસેવાલાની હત્યાના 10 દિવસ પહેલા CBIને રેડ કોર્નર નોટિસ મોકલવાનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. આ માટે ફરીદકોટના પોલીસ સ્ટેશનમાં 12 નવેમ્બર 2020 ના રોજ નોંધાયેલ જીવલેણ હુમલો અને આર્મ્સ એક્ટ અને 18 ફેબ્રુઆરી 2021 ના રોજ થયેલી હત્યા અને આર્મ્સ એક્ટ હેઠળ નોંધાયેલા કેસનો સંદર્ભ આપવામાં આવ્યો હતો.
પંજાબ પોલીસનું કહેવું છે કે 19 મેના રોજ ગોલ્ડી બ્રારની રેડ કોર્નર નોટિસ ઈશ્યુ કરવામાં આવી હશે. ત્યારબાદ નોડલ એજન્સી CBIએ ઈન્ટરપોલનો સંપર્ક કરી તેને અગાઉના કેસમાં ભારત લાવવાની કાર્યવાહી કરી હોત તો તેને સમયસર રોકી શકાયો હોત. ગોલ્ડી બ્રાર વર્ષ 2017માં સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો. હવે ત્યાંથી ગેંગ દ્વારા પંજાબમાં ગુના કરી રહ્યો હતો.
મૂસેવાલાની હત્યાનો માસ્ટરમાઇન્ડ
ગોલ્ડી બ્રાર, લોરેન્સ ગેંગનો ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર સિદ્ધુ મુસેવાલાની હત્યાનો માસ્ટરમાઇન્ડ છે. પોલીસે હત્યા કેસમાં 8 બદમાશોની ધરપકડ કરી છે. જેમણે કહ્યું કે ગોલ્ડી બ્રાર જાન્યુઆરીથી કાવતરું ઘડી રહ્યો હતો. ત્યારબાદ તેણે 2 શાર્પ શૂટરોને હરિયાણા મોકલ્યા. જો કે, ત્યારબાદ મુસેવાલાની સુરક્ષામાં AK47 કમાન્ડ જોઈને તે પાછો ફર્યો હતો. આ ખુલાસો દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા ગેંગસ્ટર શાહરૂખે પણ કર્યો છે. આ પછી ગોલ્ડી બ્રારે આખા ષડયંત્રને નવેસરથી અંજામ આપ્યો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.