2014માં લોકસભા ચૂંટણીમાં ભાજપની જીતની સાથે હિન્દુત્વને રાજકીય સફળતાની ચાવી તરીકે ઓળખવામાં આવી હતી. આ પછી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પણ આ જ ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો હતો. ભાજપની સતત જીત બાદ તેને સત્તાની સફળતાના મંત્ર તરીકે સ્વીકારવામાં આવ્યો હતો. કોંગ્રેસ પણ આ જ માર્ગે ચાલવા લાગી. જોકે તેમનો માર્ગ સોફ્ટ હિન્દુત્વનો હતો. પાર્ટીએ 2019ની લોકસભા ચૂંટણી પહેલાં પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીની હિન્દુ છબિને રજૂ કરવામાં કોઈ કસર છોડી નથી.
આ તો થઈ હિન્દુત્વના રસ્તા સુધી પહોંચવાની વાત, પરંતુ દક્ષિણ રાજ્ય તામિલનાડુમાં હિન્દુત્વ સામે હિન્દુ વિરોધ સત્તાની ચાવી છે. આને વિસ્તૃત રીતે સમજતાં પહેલાં ચાલો... જોઈએ તામિલનાડુમાં શાસક પક્ષ DMKના બે નેતાનાં નિવેદનો...
DMKના બે મોટા નેતાનાં નિવેદનોથી ખ્યાલ આવે છે કે તામિલનાડુની રાજનીતિમાં ધર્મ અને ભાષાને લઈ વિવાદ ફરીવાર વકર્યો છે. આની શરૂઆત 1916માં થઈ હતી. જ્યારે ટીએમ નાયર અને પી. ત્યાગરાજ ચેટ્ટીએ દ્રવિડ પોલિટિક્સની શરૂઆત કરી હતી. આ બંને નેતાઓએ તામિલનાડુના રહેવાસીઓને દ્રવિડ માનતા હતા અને તેમને ઉત્તર ભારતમાં રહેતા આર્યોથી અલગ ગણાવતા હતા.
તામિલનાડુને દેશ બનાવવાની માગ કાશ્મીરથી પણ જૂની, પેરિયારે 1939માં દ્રવિડનાડુની માગ કરી હતી.
તામિલનાડુમાં દ્રવિડોનાં નામ પર રાજકારણ આઝાદી પહેલાંથી શરૂ થઈ ગયું હતુું. 1916માં પહેલીવાર ટીએમ નાયર અને પી. ત્યાગરાજ ચેટ્ટીએ જસ્ટિસ પાર્ટી બનાવી હતી. 1925માં ઇરોડ વેન્કટ રામાસ્વામી એટલે ઈવી રામાસ્વામી ઉર્ફે પેરિયાર આ આંદોલનમાં જોડાયા. પેરિયારે 1944માં જસ્ટિસ પાર્ટીનું નામ બદલીને દ્રવિડ કડગમ રાખ્યું હતું.
1939માં પેરિયારે અલગ દેશની માગને લઈ એક કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. 17 ડિસેમ્બર 1939ના રોજ પોતાની સ્પીચમાં તેમણે દ્રવિડો માટે દ્રવિડનાડુનો નારો આપ્યો હતો. પેરિયારે આર્ય લોકોને આક્રમક ગણાવ્યા હતા, સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે બ્રાહ્મણોના આગમનથી તમિળ સમાજમાં વિભાજન થયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.