કોમી તણાવ:દિલ્હી: જહાંગીરપુરીમાં ફરી હિંસા, તપાસ કરી રહેલી પોલીસ પર હુમલો

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જહાંગીરપુરી કોમી તણાવ કેસમાં અત્યાર સુધી 23ની ધરપકડ

દિલ્હીના જહાંગીરપુરીમાં સોમવારે ફરી એકવાર પોલીસ પર પથ્થરમારો થયો. દિલ્હી પોલીસ અહીં ફાયરિંગ કરતા દેખાયેલા સોનુ શેખની પત્નીની પૂછપરછ માટે તેના ઘરે પહોંચી હતી. આ દરમિયાન સોનુની પત્ની અને તેનાં સગાંસંબંધીએ તેનો વિરોધ કર્યો. આ દરમિયાન લોકોએ ગુસ્સે થઈને પોલીસ પર પથ્થરમારાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસ ટોળાંને કાબૂમાં લઈને મહિલાને પૂછપરછ માટે લઈ ગઈ. આ ઘટના પછી સોનુ શેખ ફરાર છે. દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચ સોનુ શેખના નજીકના લોકોની પૂછપરછ કરીને તેના સંભવિત ઠેકાણાંની માહિતી ભેગી કરી રહી છે. આ કેસમાં પોલીસે અત્યાર સુધી 23 લોકોની ધરપકડ કરી છે.

આ દરમિયાન પોલીસે કહ્યું છે કે, હનુમાન જન્મોત્સવ વખતે મંજૂરી વિના શોભાયાત્રા કઢાઈ હતી. આ દરમિયાન હિંસા થતાં એક એસઆઈને ગોળી વાગી હતી, જ્યારે નવને ઈજા થઈ હતી. આ અંગે દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ કહ્યું કે આ કેસમાં બંને સમાજના કુલ 23ની ધરપકડ કરાઈ છે. આ હિંસામાં સામેલ કોઈ પણ ધર્મના લોકો સામે કડક કાર્યવાહી થશે. દિલ્હી પોલીસ એ દાવાનું પણ ખંડન કરે છે કે જહાંગીરપુરીની શોભાયાત્રામાં મસ્જિદમાં ઝંડો ફરકાવવાનો પ્રયાસ થયો હતો. સીસીટીવી ફૂટેજ અને ડિજિટલ માહિતીના આધારે પોલીસે તપાસ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે તપાસ માટે 14 ટીમ બનાવી છે. બીજી તરફ, વકીલ અમૃતપાલ સિંહ ખાલસાએ કોર્ટની દેખરેખ હેઠળ આ કેસની તપાસ કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

કર્ણાટકના હુબલીમાં હિંસા પછી 89ની ધરપકડ
હુબલી - કર્ણાટકના હુબલીમાં પણ કોમી હિંસા થઈ હતી. આ દરમિયાન પોલીસ મથક, મંદિર અને હોસ્પિટલામાં તોડફોડની ઘટનાઓમાં પોલીસે કુલ 89 લોકોની ધરપકડ કરી છે. સીસીટીવી ફૂટેજના આધારે ઝડપાયેલા આ ઉપદ્રવીઓ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે.

ભાજપશાસિત રાજ્યોમાં બુલડોઝરના ઉપયોગના કેસમાં ઝડપી સુનાવણીની માંગ
જમિયત ઉલેમા-એ-હિંદે ભાજપ શાસિત રાજ્યોમાં બુલડોઝરના ઉપયોગ વિરુદ્ધ સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમાં કહેવાયું છે કે, ગુનાખોરી રોકવાની આડમાં ભાજપશાસિત રાજ્યોમાં લઘુમતીઓ અને ખાસ કરીને મુસ્લિમોને નિશાન બનાવાઈ રહ્યા છે. જમિયતના અધ્યક્ષ અરશદ મદનીએ કહ્યું કે, આ મામલામાં કોર્ટે રાજ્ય સરકારોને આદેશ આપવો જોઈએ કે, કોર્ટની મંજૂરી વિના કોઈના ઘર કે દુકાનોને ધ્વસ્ત ના કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...