દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન(MCD) દ્વારા લગભગ 300 રખડતા કૂતરાની સારસંભાળ કરવાવાળી 80 વર્ષીય વૃદ્ધ મહિલાની ઝૂંપડી પાડી નાખવાના મામલે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ. ત્યારે કોર્ટે સુનાવણી પૂર્ણ થવા સુધી MCDને કાર્યવાહી કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
શું છે સમગ્ર મામલો?
MCDએ એક વૃદ્ધ મહિલા પ્રતિમા દેવીનું ઝૂંપડું અને દુકાન તોડી પાડ્યા હતા. મહિલા એ ઝૂંપડામાં 300 જેટલા રખડતા કૂતરાનું ધ્યાન રાખતી હતી. 80 વર્ષીય પ્રતિમા દેવીએ આરોપ પણ લગાવ્યો હતો કે MCDના લોકોએ તેનો સામાન પણ છીનવી લીધો, સાથે કૂતરાઓને પણ ખરાબ રીતે માર્યા હતા. ઝૂંપડું છીનવાઈ જતાં હવે તેમને કડકડતી ઠંડીમાં વૃક્ષનો સહારો લેવો પડી રહ્યો છે.
વૃદ્ધાની મદદ માટે લોકો આગળ આવ્યા
વૃદ્ધાની ઝૂંપડું તોડી પડાયું હોવાની જાણ થતાં લોકો તેમની મદદ માટે પહોંચી રહ્યા છે. કોઈ કૂતરાઓ માટે ખાવાનું લાવી રહ્યા છે તો કોઈ વૃદ્ધા માટે ગરમ કપડાં લાવી રહ્યા છે. પ્રાણીપ્રેમી સૂરજ પણ પ્રતિમા દેવી પાસે મદદે પહોંચ્યા. તેમણે કહ્યું હતું કે આ કડકડતી ઠંડીમાં, જ્યાં લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે, ત્યાં આ મહિલા આટલા રખડતા કૂતરાઓને આશ્રય આપી એમની મદદ કરી રહી છે. લોકોએ તેમની મદદ કરવી જોઈએ.
તેમણે કહ્યું હતું કે એમસીડી તરફથી કરવામાં આવેલી કાર્યવાહી ખોટી છે. તેમણે પહેલા કોઈ નોટિસ આપવામાં નથી આવી. આટલા બધા કૂતરાઓની સારસંભાળ કરવી કોઈ સામાન્ય વાત નથી, પરંતુ તે ન ખાલી આટલા કૂતરાઓને ઘર આપી રહી છે, ખાવાનું અને પાણી પણ ઉપલબ્ધ કરાવી રહી છે. તે એમનું સંપૂર્ણ ધ્યાન પણ રાખી રહી છે. લોકોએ તેમની મદદ માટે આગળ આવવું જોઈએ.
‘રખડતા કૂતરાઓને આશ્રય આપે છે અમ્મા’
પીવીઆર સાકેત પાસે પાર્કિંગમાં કામ કરવાવાળા એક શખસે જણાવ્યું હતું કે તે પાછલાં કેટલાંય વર્ષોથી વૃદ્ધ મહિલાને કૂતરાઓની મદદ કરતા જોઈ રહ્યો છે. તેમણે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું હતું કે કેટલીકવાર લોકો તેમના કૂતરાઓને છોડીને જતા રહે છે. અમ્મા એ કૂતરાઓને આશ્રય આપે છે અને એમને ખવડાવે છે. તેમણે આરોપ લગાવ્યો કે આ પહેલાં 2017માં પણ MCDએ કૂતરાઓ માટે અમ્માના અસ્થાયી આશ્રયને તોડી નાખ્યું હતું.
જ્યાં સુધી જીવિત છે ત્યાં સુધી કૂતરાઓનું ધ્યાન રાખશે
પ્રતિમા દેવી ડોગ-લવર છે. તેઓ 1984થી દિલ્હીના સાકેત વિસ્તારમાં રહે છે. અહીં આસપાસના વિસ્તારના તમામ રખડતા કૂતરાઓ તેમની પાસે રહે છે અને તેઓ તેમનું ધ્યાન રાખે છે. તેમની એક દુકાન હતી, જેનાથી તેઓ કૂતરાઓને ખાવાનું ખવડાવતાં હતાં. પ્રતિમા દેવી કહે છે, તે જ્યાં સુધી જીવિત છે ત્યાં સુધી કૂતરાઓનું ધ્યાન રાખશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.