• Gujarati News
 • National
 • Delhi High Court Fines Petitioner Rs 1 Lakh; The Center Said Misuse Of The Petition Act

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર બ્રેક નહિ:મોદીના ડ્રીમ પ્રોજેક્ટનો વિરોધ કરતી અરજી કોર્ટે ફગાવી, ઊલ્ટાનો અરજદારને એક લાખનો દંડ ફટકાર્યો

2 વર્ષ પહેલા
 • 19 એપ્રિલથી અહીં 400 મજૂર કામ કરતા હતા, હાલમાં અહીં 250 મજૂર કામ કરી રહ્યા છે

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને સ્થગિત કરવાના મુદ્દે રજૂ કરવામાં આવેલી અરજીને દિલ્હી હાઇકર્ટે રદ કરી હતી. કોર્ટે અરજી દાખલ કરનારી વ્યક્તિને 1 લાખનો દંડ પણ ફટકાર્યો હતો. આની પહેલાં પણ કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો હતો, જેમાં અરજીને રદ કરવાની અને આ દાખલ કરનારી વ્યક્તિને દંડ ફટકારવાની વાતનો પણ ઉલ્લેખ કરાયો હતો.

હાલમાં અહીં 250 મજૂર કાર્યરત
કેન્દ્રએ કહ્યું હતું કે પ્રોજેક્ટનું કામ રોકવા માટે જનહિત અને દેશહિતનાં ખોટાં બહાનાં કાઢવામાં આવ્યા છે. આ અરજી દાખલ કરવાની કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ છે. આ પ્રોજેક્ટના કામને સ્થગિત કરવાનો એક પ્રપંચ છે. સોગંદનામામાં કેન્દ્રએ જણાવ્યું હતું કે ડીડીએમએ (દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી)એ 19 એપ્રિલ 2021ના ​​રોજ એક આદેશ જારી કર્યો હતો, જેમાં કર્ફ્યૂ સમયગાળા દરમિયાન એ સ્થળોએ બાંધકામનું કામ ચાલુ રાખી શકાય છે, જ્યાં એ જ સ્થળે મજૂરો રહે છે. 19 એપ્રિલથી અહીં 400 મજૂર કામ કરતા હતા. હાલમાં અહીં 250 મજૂર કામ કરી રહ્યા છે. તેઓ ત્યાં જ રહે છે.

આ ત્રણ મુદ્દે પણ સુનાવણી હાથ ધરાશે
આની સાથે કોરોના મહામારી સાથે જોડાયેલા 3 કેસ અંગે પણ આજે સોમવારના રોજ કોર્ટમાં સુનાવણી થશે. 12માં (CBSE-ICSE)ની પરીક્ષા રદ કરવાની પણ માગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી થશે. એની સાથોસાથ કોરોના મહામારી વચ્ચે ઓક્સિજન સપ્લાઇ અને વેક્સિન સપ્લાઇ સાથે જોડાયેલા કેસમાં પણ આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.

ઓક્સિજન સંકટ પર કોર્ટનું જ્ઞાન
દેશમાં કોરોના મહામારીની બીજી લહેરના સમયગાળામાં ઓક્સિજન સંકટ ઉત્પન્ન થયું હતું, જેને કારણે સુપ્રીમ કોર્ટે આના પર વધુ માહિતી એકઠી કરી હતી. આના પર 31 મેથી સુનાવણી શરૂ થઇ શકે છે. જસ્ટિસ ચંદ્રચૂડ, જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ અને જસ્ટિસ એસઆર ભટ્ટની ખંડપીઠ આ કેસમાં સુનાવણી કરશે. કેસની સુનાવણી પહેલાં જસ્ટિસ ચંદ્રચૂડ કોરોના સંક્રમિત થયા હતા, જેને કારણે ગત સમયે સુનાવણીને ટાળવામાં આવી હતી, પરંતુ હવે તેઓ સાજા થઇ ગયા છે.

સેન્ટ્રલ વિસ્ટા શું છે?
1911માં બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયન્સે ડિઝાઇન કરેલું નવી દિલ્હી અસ્તિત્વમાં આવ્યું, એ પછી 1921-27 દરમિયાન હાલના સંસદભવનની ઈમારતનું નિર્માણકાર્ય થયું હતું. ઈન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન સુધીના વિસ્તારને નવનિર્માણ માટે પસંદ કરાયો હતો અને એેને સેન્ટ્રલ વિસ્ટા નામ અપાયું હતું. ત્યારથી નવી દિલ્હીનો આ વિસ્તાર આ નામે જ ઓળખાય છે. હાલમાં જૂના સંસદ ભવનના રિનોવેશન, નવા ભવનના નિર્માણ સહિત જે કંઈ ફેરફાર થઈ રહ્યા છે એે આ વિસ્તારના નામે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ તરીકે જ કેન્દ્ર સરકારે ઓળખાવ્યા છે.

ટાટાને કોન્ટ્રેક્ટ મળ્યો
ટાટા કંપનીને નવા સંસદ ભવન બનાવવાનો કોન્ટ્રેક્ટ મળ્યો છે. આ પ્રોજેક્ટ પર રૂ. 865 કરોડ ખર્ચ કરવામાં આવશે. નવી સંસદ રાજ્યના પ્લોટ નંબર 118 પર બનાવવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટની ડિઝાઈન આર્કિટેક્ટ બિમલ પટેલે કરી છે. પ્રોજેક્ટ અંતર્ગત નવી સંસદ ઉપરાંત ઈન્ડિયા ગેટની આસપાસ 10 ઇમારત બનાવવામાં આવશે, જેમાં 51 મંત્રાલયની કચેરીઓ હશે.

કોણ છે બિમલ પટેલ?
આર્કિટેક્ચરિંગની દુનિયામાં બિમલ પટેલ ઘણું જ જાણીતું નામ છે. તેમની કંપની HCP ડિઝાઇન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે ગુજરાત સરકાર અને ભારત સરકાર માટે ઘણા મહત્ત્વના પ્રોજેક્ટ્સ કર્યા છે. અમદાવાદનો રિવરફ્રન્ટ પ્રોજેક્ટ, કાંકરિયા રિડેવલપમેન્ટ, રાજકોટ રેસકોર્સ રિડેવલપમેન્ટ, RBI અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટ, IIM અમદાવાદ, IIT જોધપુર સહિતનાં બિલ્ડિંગની ડિઝાઇન તૈયાર કરી છે. તેમની પાસે 35થી વધુ વર્ષનો અનુભવ છે અને ભારત સરકારે તેમને પદ્મશ્રીથી નવાજ્યા છે.

નવાં-જૂનાં બિલ્ડિંગ્સને એકસાથે જોતાં ડાયમંડ લૂક આવશે
બિમલ પટેલે જણાવ્યું હતું કે આ આખા પ્રોજેક્ટમાં જૂનાં બિલ્ડિંગની બંને તરફ ટ્રાયેન્ગલ શેપમાં બે બિલ્ડિંગ બનશે. જૂના સંસદ ભવનનો આકાર ગોળ છે, જ્યારે નવી ઈમારત ત્રિકોણ આકારમાં છે અને એને કારણે નવાં અને જૂનાં બિલ્ડિંગ્સને એકસાથે જોઈએ તો એે ડાયમંડ જેવો આકાર લાગશે. વિક્ટરી હાઉસ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ પાર્લમેન્ટ માટે અત્યાધુનિક સવલતો ઊભી કરવાનો છે. હાલ બંને ઈમારતોનો ઉપયોગ થવાનો છે, પણ ભવિષ્યમાં નવું બિલ્ડિંગ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

નવા બિલ્ડિગનાં મહત્ત્વનાં પાસાં

 • પ્રસ્તાવિત સેન્ટ્રલ વિસ્ટા હાલના સંસદ ભવનની બાજુમાં જ હશે અને બંને બિલ્ડિંગમાં એકસાથે કામ થશે.
 • અત્યારે લોકસભામાં 590 લોકો બેસી શકે છે. નવી સંસદમાં 888 લોકોને બેસવાની ક્ષમતા હશે અને પબ્લિક ગેલેરીમાં 336થી વધુ લોકો બેસી શકશે.
 • રાજ્યસભામાં હાલ 280ની સીટિંગ કેપેસિટી છે, જે વધીને 384 થશે અને પબ્લિક ગેલરીમાં 336થી વધુ લોકો બેસી શકશે.
 • બંને ગૃહોના સંયુક્ત સેશન સમયે લોકસભા હોલમાં 1,272થી વધુ લોકો બેસી શકશે.
 • લોકસભા અને રાજ્યસભામાં બધા સભ્યોને બેસવા માટે અત્યાધુનિક આરામદાયક બેઠક વ્યવસ્થા હશે, જે ઓડિયો-વિઝ્યુઅલ ઈક્વિપમેન્ટ સહિતની હાઈટેક ઓફિસની સમકક્ષ હશે.
 • સંસદની દરેક મહત્ત્વની કામગીરી માટે અલગ અલગ ઓફિસ હશે. દરેક ઓફિસર અને કર્મચારી માટે હાઈટેક ઓફિસ સુવિધા હશે.
 • કાફે અને ડાઈનિંગની સગવડતામાં પણ આધુનિકતા અને મોકળાશનો ખ્યાલ રાખવામાં આવશે.
 • કમિટી મીટિંગના અલગ અલગ રૂમ્સને હાઈટેક ઈક્વિપમેન્ટથી સજ્જ કરવામાં આવશે.
 • કોમન રૂમ્સ, મહિલાઓ માટે લાઉન્જ અને VIP લાઉન્જ.

નવા પ્રોજેક્ટમાં આ 8 વાત ખાસ હશે

 • નવું સંસદ ભવન હાઈ એનર્જી એફિશિયન્સી સાથેનું હશે. એને ગ્રીન બિલ્ડિંગનું રેટિંગ પણ મળશે.
 • લોકસભા અને રાજ્યસભા હોલમાં અત્યંત હાઈ ક્વોલિટી એકોસ્ટિક (ધ્વનિશાસ્ત્ર) હશે.
 • બિલ્ડિંગની સલામતી માટે ઝોન-5ના સેફ્ટી સ્ટાન્ડર્ડ અપનાવવામાં આવ્યા છે.
 • એરકંડિશનિંગ, લાઈટિંગ, ઇલેક્ટ્રિક સાધનો સરળતાથી અપગ્રેડ થઈ જશે.
 • આ બિલ્ડિંગનું મેઇન્ટેનન્સ અને સંચાલન સરળ રીતે થઈ શકશે.
 • VVIP માટે અન્ડરગ્રાઉન્ડ પ્રવેશ, જયારે જાહેર જનતા અને અધિકારીઓ માટે ગ્રાઉન્ડ ફ્લોર પરથી એન્ટ્રી હશે.
 • દિવ્યાંગ વ્યક્તિ સરળતાથી આ બિલ્ડિંગનો ઉપયોગ કરી શકે એેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
 • હોલમાંથી ઇમર્જન્સીમાં સરળતાથી અને અસરકારક રીતે બહાર નીકળવાનો રસ્તો રાખવામાં આવશે.

જૂના બિલ્ડિંગનો અમુક ભાગ તોડીને નવો બનાવાશે
બિમલ પટેલે અગાઉ આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જૂની પાર્લમેન્ટનો ઘણો ભાગ રિપેરિંગ માગે છે, જયારે અમુક ભાગ જે રિપેર થઇ શકે એેમ ના હોય તો એને તોડી પાડવામાં આવશે અને એે જગ્યાએ નવું બિલ્ડિંગ બનાવાશે. આમાં કૃષિ ભવન, શાસ્ત્રી ભવન સહિતનો ભાગ સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...