દરિયાદિલી:દિલ્હીનો ખેડૂત તેના 10 પ્રવાસી શ્રમિકોને પ્લેનમાં ઘરે પહોચાડશે, પટના શહેરની 10 એર ટિકિટ ખરીદી

દિલ્હી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પપ્પન સિંહ વર્ષ 1993થી મશરૂમની ખેતી કરે છે
  • બિહારથી દિલ્હી શ્રમિકો કામ કરવા આવે છે, આ વર્ષે લોકડાઉનમાં ફસાઈ ગયા
  • ખેડૂતે 68 હજાર રૂપિયાની એર ટિકિટ ખરીદી છે
  • એરપોર્ટથી ઘરે જવા દરેકના હાથમાં 3 હજાર રૂપિયા આપ્યા

લોકડાઉનમાં હાલ દેશના શ્રમિકો પગપાળા, સાઇકલ ચલાવીને કે ટ્રેન-બસમાં પોતાને વતન જઈ રહ્યા છે. દિલ્હી કામ કરવા આવેલા બિહારના 10 શ્રમિકો નસીબદાર છે કારણકે, તેઓ બસ, ટ્રેન કે સાઇકલ નહિ પણ પ્લેનમાં પોતાને ઘરે જઇ રહ્યા છે. 28 મેના રોજ તેમની દિલ્હીથી પટના શહેરની ફલાઈટ છે. આ શ્રમિકોને કે તેમના પરિવારને હજુ પણ વિશ્વાસ થઇ રહ્યો નથી કે તેઓ પ્લેનમાં ઘરે જશે. 

68 હજાર રૂપિયાની એર ટિકિટ 
આ દરિયાદિલ દિલ્હીના ખેડૂતનું નામ પપ્પન સિંહ છે. દિલ્હીના તીજીપુર ગામના રહેવાસી પપ્પનસિંહે ન્યૂઝ એજન્સી PTIને જણાવ્યું કે, હું વર્ષ 1993થી મશરૂમની ખેતી કરું છું. આ ખેતીની સીઝન ઓગસ્ટથી માર્ચ મહિના સુધીની હોય છે. લોકડાઉન પહેલાં બિહારથી 10 શ્રમિકો ખેતીકામ માટે આવી ગયા હતા અને હાલ તેઓ અહિયાં જ ફસાઈ ગયા. મેં 68 હજાર રૂપિયાની એર ટિકિટ ખરીદી છે અને દરેક શ્રમિકને હાથમાં 3 હજાર રૂપિયા પણ આપ્યા છે. જેથી તેમને એરપોર્ટ પરથી તેમના ઘરે પહોચવામાં કોઈ તકલીફ ના પડે. 

‘શ્રમિકોનું જીવન જોખમમાં ના મૂકી શકું’
વધુમાં પપ્પન સિંહે કહ્યું કે, મારા શ્રમિકોને ઘરે પહોચાડવા મેં શ્રમિક સ્પેશિયલ ટ્રેનની ટિકિટ માટે પણ ઘણા પ્રયત્ન કર્યા પણ મને ટિકિટ ના મળી. હાલ શ્રમિકોના રસ્તા પરના અકસ્માતના સમાચાર આપણી સામે આવતા રહે છે. હું 10 લોકોની જિંદગી જોખમમાં ના મૂકી શકું. 10 શ્રમિકોનું મેડિકલ ટેસ્ટિંગ પણ થઇ ગયું છે અને તેમને મેડિકલ ફિટનેસ સર્ટીફીકેટ પણ મળી ગયું છે.
 
‘મેં ક્યારેય પ્લેનમાં બેસવાનું તો સપનું પણ નહોતું જોયું’
50 વર્ષીય લખીન્દર સિંહ 27 વર્ષથી પપ્પન સિંહને ત્યાં કામ કરે છે, તે અને તેમનો દીકરો ગુરુવારે ફલાઈટમાં બેસીને પોતાને ઘરે જવાના છે. તેમની પત્નીને તો આ વાતનો હજુ પણ વિશ્વાસ આવી રહ્યો નથી. લખીન્દર સિંહે કહ્યું કે, મેં ક્યારેય પ્લેનમાં બેસવાનું તો સપનું પણ નહોતું જોયું મારી ખુશી હું શબ્દોમાં વ્યક્ત કરી શકું તેમ નથી. 

પપ્પન સિંહે લોકડાઉનમાં 10 શ્રમિકોની રહેવાની અને જમવાની વ્યવસ્થા પણ કરી હતી. શ્રમિકો પ્લેનમાં ઘરે જવાને લઇને ખુશખુશાલ છે. 

આવા દરિયાદિલ પપ્પન સિંહને સલામ ! 

અન્ય સમાચારો પણ છે...