કોરોના દેશમાં:મુંબઈ છેલ્લાં 24 કલાકમાં 10,860 નવા કેસ, 2નાં મોત; બિહારમાં નાઈટ કર્ફ્યૂ, શ્રદ્ધાળુઓ માટે મંદિર બંધ, સિનેમા હોલને પણ તાળાં

નવી દિલ્હી6 મહિનો પહેલા
 • કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા અને સિંગર સોનુ નિગમ કોરોનાથી સંક્રમિત
 • અરવિંદ કેજરીવાલ અને ભાજપના સાંસદ મનોજ તિવારીને કોરોના થયો
 • TMC નેતા બાબુલ સુપ્રિયો અને તેમનાં પત્ની કોરોના સંક્રમિત થયાં

ભારતમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધારો થઈ રહ્યો છે. એક સપ્તાહ પહેલાં સુધી જ્યાં કોવિડ-19ના દરરોજ 6થી 7 હજાર નવા કેસ સામે આવી રહ્યાં હતા, ત્યાં હવે આ આંકડો મંગળવારે વધીને 37,379એ પહોંચી ગયા છે. વધતા સંક્રમણના કેસમાં દેશભરમાં સરકારોની ચિંતામાં ખાસ વધારો થયો છે. કોવિડ-19ના દિલ્હી અને મહારાષ્ટ્રમાં ફરી એક વખત રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે.

મુંબઈમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ બન્યો છે. છેલ્લાં 24 કલાકમાં 10,860 કેસ નોંધાયા છે જ્યારે 2 લોકોના મોત નિપજ્યા છે. આ ઉપરાંત એક્ટિવ કેસની સંખ્યા 47,476 થઈ ગઈ છે.

બિહારમાં નાઈટ કર્ફ્યૂ ​​​​​​, તમામ મોલ, જિમ અને પાર્ક બંધ
બિહારમાં કોરોના સંક્રમણની હાલની સ્થિતિને જોતા રાજ્યમાં નાઈટ કર્ફ્યૂ લાગુ કરી દીધું છે. મુખ્યમંત્રી નીતિશ કુમારની અધ્યક્ષાતામાં કરવામાં આવેલી ક્રાઈસિસ મેનેજમેન્ટ ગ્રુપની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. રાજ્યમાં નાઈટ કર્ફ્યૂ 6 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી સુધી લાગુ રહેશે, જે રાત્રે 10 વાગ્યાથી લઈને સવારે 5 વાગ્યા સુધી અમલમાં રહેશે. નાઈટ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યા બાદ રાજ્યના તમામ મોલ, જિમ અને પાર્ક બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં જરૂરી સેવાઓ સાથે જોડાયેલી દુકાનને છોડીને રાજ્યની તમામ દુકાન રાત્રે 8 વાગ્યા સુધી ખુલી રહેશે. તો ધોરણ 9થી 12 સુધીના ક્લાસ અને તમામ કોલેજ 50 ટકા ઉપસ્થિતિની સાથે ખુલા રહેશે. સાથે જ આ તમામ જગ્યાએ ઓનલાઈન ક્લાસને પ્રાથમિકતા આપવામાં આવે તે વાત પર પણ ભાર મૂક્યો છે.

કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા કોરોનાથી સંક્રમિત
કોંગ્રેસ મહાસચિવ અને મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલા કોરોના સંક્રમિથ થયા છે. તેઓ પોતે ઘરમાં જ આઈસોલેટ થઈ ગયા છે. તેઓએ ટ્વીટ કરી કહ્યું, ગઈકાલે સામાન્ય તાવ અને શરદી જેવાં લક્ષણોનો અનુભવ થયો જે મેં મારો રિપોર્ટ કરાવ્યો અને હું કોરોના પોઝિટિવ થયો છું. છેલ્લાં 24 કલાકમાં જેઓ મારા સંપર્કમાં આવ્યા હોય તે તમામ લોકો યોગ્ય સાવધાની રાખે અને પોતાનું પરીક્ષણ કરાવી લે તેવી અપીલ કરું છું.

સોનુ નિગમ અને તેનો આખો પરિવાર સંક્રમિત
ફિલ્મી દુનિયા સાથે જોડાયેલાં લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહ્યાં છે ત્યારે હવે આ યાદીમાં સિંગર સોનુ નિગમનું નામ પણ જોડાયું છે. સોનુ નિગમની સાથે તેમનો પુત્ર નીવાન અને પત્ની મધુરિમા પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ છે. જો કે સોનુ નિગમ હાલ દુબઈમાં છે અને તે ત્યાં જ કોરોન્ટિન છે. સિંગરે સોશિયલ મીડિયામાં પોતાનો એક વીડિયો શેર કર્યો છે જેમાં પોતે કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી છે સાથે જ લોકોને ધ્યાન રાખવાની વાત કરી છે.

કર્ણાટકમાં કોરોનાના 2479 નવા કેસ
કર્ણાટકમાં કોરોનાના 2479 નવા મામલે સામે આવ્યા છે જ્યારે 4 લોકોના મોત નિપજ્યા છે.આ ઉપરાંત 288 લોકો સ્વસ્થ થયા છે. આ સાથે જ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 13,532 થઈ ગઈ છે.

ઓમિક્રોનના કેસ વધતાં દિલ્હીમાં શનિ-રવિ લોકડાઉન; તમામ સરકારી ઓફિસ વર્ક ફ્રોમ હોમ
દિલ્હીમાં કોરોના અને ઓમિક્રોનના વધતા સંક્રમણને કારણે વીકેન્ડ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. વીકેન્ડ લોકડાઉનમાં શનિવાર અને રવિવારે સમગ્ર દિલ્હી બંધ રહેશે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA)ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. દિલ્હીમાં તમામ સરકારી ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ જાહેર કરવામાં આવ્યું છે.

સિસોદિયાએ વધુમાં જણાવ્યું હતું કે જરૂરી સેવાઓને બાદ કરતાં તમામ સરકારી ઓફિસોમાં કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમથી કામ કરશે, જ્યારે પ્રાઈવેટ ઓફિસો 50% કર્મચારીઓ સાથે કામ કરશે. દિલ્હીમાં સોમવારે 4099 કોરોના કેસ મળ્યા હતા અને પોઝિટિવિટી દર વધીને 6.46% થયો છે.

દિલ્હીમાં ત્રણ મોટા ફેરફારો

1. વીકએન્ડ કર્ફ્યૂઃ દિલ્હીમાં શનિવાર અને રવિવારે કર્ફ્યૂ રહેશે. આ કર્ફ્યૂ શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી સોમવારે સવારે 5 વાગ્યા સુધી લાગુ રહેશે. આ દરમિયાન બિનજરૂરી ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે.

2. તમામ સરકારી ઓફિસ વર્ક ફ્રોમ હોમ : આવશ્યક સેવાઓ સિવાય અન્ય તમામ સરકારી ઓફિસો વર્ક ફ્રોમ હોમ રહેશે. આ દરમિયાન સરકારી કર્મચારીઓ ઓનલાઈન અથવા વર્ક ફ્રોમ હોમ કામ કરી શકશે. ખાનગી ઓફિસમાં 50 ટકા કર્મચારીઓ કામ કરશે.

3. મેટ્રો અને બસ સંપૂર્ણ ક્ષમતા સાથે દોડશે: મેટ્રો અને બસમાં કોવિડને કારણે અથવા મુસાફરોની સંખ્યા મર્યાદિત કરવામાં આવી હતી, જેને હવે દૂર કરવામાં આવી છે. હવે ફરીથી મેટ્રો અને બસ સંપૂર્ણ ક્ષમતા સાથે દોડશે. મુસાફરોએ માસ્ક પહેરવાનું જરૂરી રહેશે. મેટ્રો કે બસમાં માસ્ક વગરના કોઈને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં.

દિલ્હીના સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું હતું કે રાજધાનીમાં કોરોનાના વધતા કેસોનું કારણ ઓમિક્રોન વેરિયન્ટ છે. તેમણે કહ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે. એ કારણે હજી વધુ પ્રતિબંધો પણ લગાવવામાં આવશે.

પંજાબમાં 15 જાન્યુઆરી સુધી રાત્રી કર્ફયૂ લગાવાયો, દિલ્હી AIIMSમાં ડોકટરોની રજા રદ કરવામાં આવી
પંજાબમાં કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. અંતર્ગત ફુલ વેક્સિનેટેડ લોકોને જ ઓફિસે જવા માટેની મંજૂરી હશે. એમાં સરકારી અને પ્રાઈવેટ ઓફિસો સામેલ છે. પંજાબમાં બાર, સિનેમાં હોલ, રેસ્ટોરાં અને સ્પા 50% ક્ષમતા સાથે ચલાવવાનાં આદેશ આપવામાં આવ્યા છે. આ માટે કર્મચારીઓને પણ વેક્સિનના બંને ડોઝ મળી ગયા હોય એ જરૂરી છે. રાજ્યમાં રાત્રે 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે.

જ્યારે આ તરફ કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે દિલ્હી AIIMSએ 5થી 10 જાન્યુઆરીના વેકેશનને રદ કરી દેવામાં આવ્યું છે. AIIMS વહીવટીતંત્રે તમામ ફેકલ્ટી સભ્યોને તાત્કાલિક અસરથી ફરજ પર હાજર થવા જણાવ્યું છે.

કેન્દ્રીય મંત્રી સિંધિયાના PAને થયો કોરોના, ઝારખંડમાં આજથી શાળા-કોલેજો બંધ
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના PAને કોરોના થયો છે. મધ્યપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 308 નવા કેસ મળી આવ્યા છે. ઈન્દોરમાં સૌથી વધુ 137 લોકો પોઝિટિવ મળ્યા છે તેમજ એક દર્દીનું મોત થયું છે.

ઝારખંડમાં રાજ્ય સરકાર દ્વારા 15 જાન્યુઆરી સુધી શાળા-કોલેજો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમજ રાજ્યમાં સ્ટેડિયમ, બગીચા, જિમ, સ્વિમિંગ પૂલ, પ્રાણી સંગ્રહાલય અને પ્રવાસન સ્થળો પણ આગામી આદેશ સુધી બંધ રહેશે. જોકે રાજ્યનાં તમામ ધાર્મિક સ્થળો ખુલ્લાં રહેશે, પરંતુ પ્રસાદનું વિતરણ કરવામાં આવશે નહીં. આ નિયમ મંગળવારથી જ લાગુ થશે.

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ કોરોનાની ઝપટમાં, છેલ્લા 5 દિવસમાં 5 મોટાં શહેરમાં હજારો લોકોને મળ્યા હતા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોરોના થયો છે. તેમણે સવારે 8.11 વાગ્યે ટ્વીટ કરીને આ વાતની જાણ કરી છે. તેમણે કહ્યું હતું કે મારો કોવિડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મને હળવાં લક્ષણો છે. હું ઘરમાં ક્વોરન્ટીન થયો છું. મારા સંપર્કમાં આવેલા લોકો પણ આઈસોલેટ થઈ જાય અને પોતાનો ટેસ્ટ કરાવે.

કેજરીવાલ છેલ્લા 5 દિવસમાં 5 મોટાં શહેરમાં હજારો લોકોને મળ્યા હતા
અરવિંદ કેજરીવાલે એક દિવસ પહેલાં જ ઉત્તરાખંડના દેહરાદૂનમાં હજારો લોકોની હાજરીમાં સભા કરી કરી હતી. તેમણે 3 જાન્યુઆરીએ દેહરાદૂનમાં 'નવ પરિવર્તન સભા' કરી હતી. 2 જાન્યુઆરીના રોજ ઉત્તરપ્રદેશના લખનઉમાં પણ વિશાળ સભાને સંબોધન કર્યું હતુું. 1 જાન્યુઆરીના રોજ અમૃતસરમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. 31 તારીખે પંજાબમાં શાંતિ યાત્રામાં હાજરી આપી હતી, જેમાં હજારો લોકો હાજર રહ્યા હતા. 30મી ડિસેમ્બરે ચંદીગઢમાં વિજય યાત્રામાં જોડાયા હતા.

દિલ્હીમાં સોમવારે 4099 લોકો સંક્રમિત થયા છે, જ્યારે 1509 લોકો સાજા થયા છે અને એકનું મોત થયું છે. અત્યારસુધી દિલ્હીમાં 14.58 લાખ લોકો સંક્રમિત થયા છે, જેમાં 14.22 લાખ લોકો સાજા થયા છે અને 25 હજાર 110 લોકોનાં મોત થયાં છે, 10986 લોકોની સારવાર ચાલી રહી છે.

સોમવારે દેહરાદૂનના પરેડ ગ્રાઉન્ડ ખાતે ચૂંટણી સભામાં સંબોધન કરતા CM કેજરીવાલ.
સોમવારે દેહરાદૂનના પરેડ ગ્રાઉન્ડ ખાતે ચૂંટણી સભામાં સંબોધન કરતા CM કેજરીવાલ.

ભાજપના સાંસદ મનોજ તિવારી પણ પોઝિટિવ
ભાજપના સાંસદ મનોજ તિવારીને પણ કોરોના થયો છે. તેમણે ટ્વીટ કરીને પોતે સંક્રમિત હોવાની માહિતી આપી છે. 2 જાન્યુઆરીથી તેમની તબિયત સારી ન હતી, આથી તેમણે ટેસ્ટ કરાવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો હતો.

તબિયત સારી ન હોવાથી મનોજ તિવારીએ ઉત્તરાખંડના રુદ્રપુરમાં પ્રચાર માટે જવાનું ટાળ્યું હતું.
તબિયત સારી ન હોવાથી મનોજ તિવારીએ ઉત્તરાખંડના રુદ્રપુરમાં પ્રચાર માટે જવાનું ટાળ્યું હતું.

કોરોનાં અપડેટ્સ

 • મહારાષ્ટ્રમાં સોમવારે 12,160 કોરોના કેસ નોંધાયા, એમાં 60 ઓમિક્રોનના કેસ છે.
 • મુંબઈમાં સોમવારે 7,928 કેસ નોંધાયા, એમાં 40 ઓમિક્રોસનના કેસ છે.
 • મહારાષ્ટ્ર સરકારના મંત્રી એકનાથ શિંદેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.મુંબઈનાં મેયર કિશોરી પેડનેકરે કહ્યું હતું કે જો કેસ વધશે તો અમે લોકડાઉન લગાવીશું.
 • કોવિડ ટાસ્કફોર્સે કહ્યું છે કે ત્રીજી લહેર આવી ગઈ છે, મેટ્રો શહેરોમાં 75% કેસ ઓમિક્રોનના છે.
 • દેશમાં ઓમિક્રોનના અત્યારસુધીમાં 1,892 કેસ નોંધાયા છે, એમાંથી 766 લોકો સાજા થઈ ગયા છે.
 • પટિયાલા મેડિકલ કોલેજમાં 100 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા છે.
 • મહારાષ્ટ્રમાં, ભિવંડીમાં એક આશ્રમ શાળાના 28 વિદ્યાર્થી અને 2 સ્ટાફ સહિત 30 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.
 • છત્તીસગઢના બસ્તરના ચિંતાગુફાના CRPF કેમ્પમાં 38 જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તમામ જવાનોને બેરેકમાં જ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.
 • તિહાડની વિવિધ જેલોમાં બે કેદી અને 6 કર્મચારી કોરોનાથી સંક્રમિત મળ્યા છે. અગાઉ જુલાઈ 2021માં અહીં સંક્રમણના કેસ જોવા મળ્યા હતા.
 • કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પોતે આઈસેલેટ થયાં છે. તેમના પરિવારનો એક સભ્ય અને સ્ટાફ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.
 • કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર નાથ પાંડેનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને કૌશામ્બીની યશોદા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
 • 3 લોકો ઓમિક્રોન પોઝિટિવ આવતાં ઓડિશાની એક હોટલને માઈક્રો-કન્ટેન્મેન્ટ ઝોનમાં મૂકી દેવાઈ.
 • TMC નેતા બાબુલ સુપ્રિયો અને તેમનાં પત્ની કોરોના પોઝિટિવ મળી આવ્યાં છે.
 • કેન્દ્રીય મંત્રી મહેન્દ્રનાથ પાંડે કોરોના સંક્રમિત થયા. તેમને ગાઝિયાબાદની હોસ્પિટલમાં દાખલ કરાયા.

પંજાબમાં મેડિકલ કોલેજમાં કોરોના વિસ્ફોટ, 100થી વધુ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત, હોસ્ટેલ ખાલી કરાવી

પંજાબના પટિયાલામાં એક મેડિકલ કોલેજના 100થી વધુ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળ્યા છે. રાજ્યના શિક્ષણમંત્રી ડો. રાજ કુમાર વારકાએ જણાવ્યું હતું કે સોમવારે રાજીન્દ્ર મેડિકલ કોલેજના 100થી વધુ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળ્યા છે. કોલેજની હોસ્ટેલમાં 1000 વિદ્યાર્થીઓ રહે છે, જેને ખાલી કરાવવામાં આવી છે.

કોર્ડેલિયા ક્રૂઝમાં કુલ 66 લોકો કોરોના પોઝિટિવ મળ્યા
આર્યન ખાનની ધરપકડ બાદ વિવાદોમાં ફસાયેલું કોર્ડેલિયા ક્રૂઝ ફરી એક વખત કોરોના સંક્રમણને કારણે ચર્ચામાં છે. ક્રૂ-સભ્યો સહિત ક્રૂઝમાં સવાર કુલ 66 લોકો કોરોના પોઝિટિવ મળ્યા છે. ગોવાના આરોગ્યમંત્રી વિશ્વજિત રાણેએ આ વાતની પુષ્ટિ કરી છે. એક ક્રૂ-મેમ્બરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તમામ 2000 મુસાફરો અને 16 ક્રૂ-સભ્યોનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

છેલ્લા 24 કલાકમાં દેશમાં 37 હજારથી વધુ કેસ નોંધાયા, 124નાં મોત, એક જ મહિનામાં સંક્રમણમાં 4 ગણો વધારો

દેશમાં મહામારીની ગતિ ચાર ગણી ઝડપથી વધી રહી છે. સોમવારે ફરી એકવાર દેશમાં 37,379 પોઝિટિવ દર્દી મળી આવ્યા છે. ગયા વર્ષે 1 ડિસેમ્બરે દેશમાં સંક્રમિતોની સંખ્યા 9765 જેટલી હતી. આવી સ્થિતિમાં છેલ્લા એક મહિનામાં જ સંક્રમણમાં 4 ગણો વધારો નોંધાયો હતો.11,007 લોકો સાજા થયા છે, જ્યારે 124 લોકોનાં મોત થયાં છે. એક્ટિવ કેસ વધીને 1 લાખ 71 લાખ 830 થયા છે.

MPમાં કોરોનાની ઝડપી ગતિ; ઈન્દોરમાં 1 મહિનામાં ત્રીજું મોત, દતિયાના કલેક્ટર પણ પોઝિટિવ
મધ્યપ્રદેશમાં કોરોનાના સંક્રમણે જોર પકડ્યું છે. 24 કલાકમાં ઈન્દોરમાં જ સૌથી વધુ 137 નવા સંક્રમિત મળી આવ્યા છે. અહીં 1 દર્દીનું મોત પણ થયું છે. ડિસેમ્બરમાં પણ બે મોત થયાં છે. સંક્રમણ દર વધીને 1.85 ટકા થયો છે. નવા સંક્રમિતોમાંથી 69 ભોપાલના છે. દતિયાના કલેક્ટર સંજય કુમાર, તેમનાં પત્ની અને પરિવારના અન્ય બે સભ્યો પણ પોઝિટિવ આવ્યાં છે. કલેક્ટરની પુત્રી એક દિવસ પહેલાં જ દિલ્હીથી પરત ફરી હતી.

અન્ય સમાચારો પણ છે...