વિકાસ વિરુદ્ધ પર્યાવરણ:મુંબઇ મેટ્રો પ્રોજેક્ટમાં વિલંબ, નિર્માણ ખર્ચ અંદાજે 10 હજાર કરોડ વધી ગયો

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરે કોલોનીમાં કારશેડ પાછો ફરશે, વૃક્ષોનું છેદન મુદ્દો બન્યો

મુંબઇ મેટ્રો કારશેડના નિર્માણનો મામલો ફરી ચર્ચામાં છે. મહારાષ્ટ્રની નવી શિંદે સરકારમાં નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આરે કોલોનીમાં જ કારશેડ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે જ્યારે અગાઉની ઉદ્ધવ ઠાકરે સરકારે કારશેડ કાંજૂરમાર્ગમાં બનાવવાની વાત કરી હતી. પ્રોજેક્ટમાં વિલંબથી નિર્માણખર્ચ અંદાજે 10 હજાર કરોડ રૂ. સુધી વધી ગયો છે.

ફડણવીસનું કહેવું છે કે આરે કોલોનીમાં કારશેડનું 25% નિર્માણકાર્ય પૂરું થઇ ચૂક્યું છે. 400 કરોડ રૂ.માંથી 100 કરોડ ખર્ચાઇ પણ ચૂક્યા છે. જો હવે મેટ્રો કારશેડને આરેથી કાંજૂરમાર્ગમાં શિફ્ટ કરાય તો આખા પ્રોજેક્ટનો ખર્ચ હજુ વધી જશે. મૂળે મુંબઇમાં આરે મેટ્રો પ્રોજેક્ટ માટે વૃક્ષોના નિકંદનને કારણે ઘણા સંગઠનોએ તેના નિર્માણનો વિરોધ કર્યો હતો. આ મુદ્દે આંદોલન પણ થયાં હતાં.

વિરોધ... 4 લાખ વૃક્ષો કપાવાની આશંકા, 76 પ્રજાતિનાં પક્ષીઓ પર સંકટ મહારાષ્ટ્રના પર્યાવરણ સંગઠનોનો આરોપ છે કે આરેમાં નિર્માણથી 4 લાખ વૃક્ષો પર જોખમ વધશે. આવનારા સમયમાં આ વૃક્ષોના છેદનનું જોખમ રહેશે. અહીંનાં જંગલમાં 76 પ્રજાતિનાં પક્ષીઓ છે. પતંગિયાની 80, સસ્તન પ્રાણીઓની 16 અને સરીસૃપની 38 પ્રજાતિ તથા દીપડાઓને પણ મેટ્રો કારશેડના નિર્માણથી જોખમ રહેશે.

વિરોધ છતાં આરેમાં 250થી વધુ વૃક્ષો કપાયાં
મુંબઇના વનશક્તિ એનજીઓના સ્ટાલિન દયાનંદનું કહેવું છે કે મુંબઇ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડે મેટ્રો-3 પ્રોજેક્ટ માટે ટ્રી ઓથોરિટી પાસેથી 2,646 વૃક્ષ કાપવા ઓગસ્ટ, 2019માં જ મંજૂરી લઇ રાખી છે. તેમાંથી અંદાજે 250 વૃક્ષ સ્થાનિક લોકોના સખત વિરોધ છતાં કાપી દેવાયાં હતાં.

બૉલિવૂડની હસ્તીઓ જંગલ બચાવવા ઝુંબેશ ચલાવી રહી છે
બૉલિવૂડની હસ્તીઓ આરેમાં મેટ્રો કારશેડ બનાવવાનો વિરોધ કરી ચૂકી છે. સપ્ટે. 2019માં સોશિયલ મીડિયા પર આરે કન્ઝર્વેશન ગ્રૂપના સેવ આરે કેમ્પેનનું લતા મંગેશકર, આશા ભોંસલે, રવીના, દિયા, શ્રદ્ધા, ઇશાન ખટ્ટર, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સહિતની હસ્તીઓએ સમર્થન કર્યું હતું.

આ તરફ સુપ્રીમમાં CM શિંદે સામેની અરજી મામલે સુનાવણી
આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની નિયુક્તિ વિરુદ્ધ થયેલી અરજી મામલે સુપ્રીમકોર્ટમાં 11 જુલાઇએ સુનાવણી થશે. જસ્ટિસ ઇન્દિરા બેનર્જી અને જસ્ટિસ જે. કે. માહેશ્વરીની બેન્ચે કહ્યું કે તે માટે બેન્ચ રચાશે. શિવસેનાના વકીલ તરીકે દેવદત્તા કામત બેન્ચ સમક્ષ હાજર થયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...