વેક્સિન મિક્સિંગ બાબતે વધુ એક સફળતા:કોવિશીલ્ડ અને કોવેકિસન વેક્સિન મિક્સિંગ મુદ્દે સ્ટડી કરવા પર DCGIએ આપી મંજૂરી

2 મહિનો પહેલા
વેક્સિનનો ફાઈલ ફોટો.

કોરોના વાઈરસ વિરુદ્ધ વેક્સિનેશન બાબતે થોડા દિવસો પહેલાં જ ભારતની વેક્સિન કોવિશીલ્ડ અને કોવેક્સિન વેક્સિનનો મિક્સિંગનો ડોઝ અસરકારક છે, એવું જાણવા મળ્યું છે, પરંતુ વેક્સિન મિક્સિંગ બાબતે ભારતે બીજી એક સફળતા પ્રાપ્ત કરી છે. ભારતની ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા( DCGI)એ કોવેક્સિન અને કોવિશીલ્ડ વેક્સિનની મિક્સિંગ પર સ્ટડી કરવા માટે મંજૂરી આપી દીધી છે. આ સ્ટડી અને ક્લિનિકલ ટ્રાયલ કરવાની જવાબદારી વેલ્લોરની ક્રિશ્ચન મેડિકલ કોલેજને મળી છે. કેન્દ્રીય દવા નિયામકની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ 29 જુલાઈએ જ આ સ્ટડી કરાવવી જોઈએ એવો પ્રસ્તાવ આપ્યો હતો.

બેઠક દરમિયાન એક્સપર્ટની કમિટીએ સીએમસી, વેલ્લોરને ચોથા ફેઝની ક્લિનિકલ ટ્રાયલ કરવા માટે મંજૂરી આપવાની સલાહ આપી. આ ટ્રાયલમાં 300 સ્વસ્થ વોલન્ટિયર્સ પર કોવિડ-19ની કોવેક્સિન અને કોવિશીલ્ડ વેક્સિનની મિક્સિંગનો પ્રભાવ તપાસવામાં આવશે.

આ સ્ટડીનો ઉદ્દેશ એ જાણવાનો છે કે શું કોઈ વ્યકિત સંપૂર્ણ વેક્સિનેશન માટે તેને એક ડોઝ કોવેક્સિન અને બીજો ડોઝ કોવિશીલ્ડનો આપવામાં આવી શકે છે.

આ સ્ટડી હાલમાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR)દ્વારા કરવામાં આવેલા સ્ટડીથી અલગ હશે. ICMRએ ઉત્તરપ્રદેશના એ લોકો પર સ્ટડી કર્યો હતો જેમણે ભૂલથી બે અલગ-અલગ કોરોનાની વેક્સિન લીધી હતી. આ સ્ટડીના આધારે ICMRએ કહ્યું હતું કે વેક્સિનને મિક્સ કરીને સારાં પરિણામો જોવા મળ્યાં છે અને કોરોના સામે લડવા માટે સારી ઈમ્યુનિટી પણ બની છે. આ સ્ટડી મે અને જૂન મહિનામાં ઉત્તરપ્રદેશના લાભાર્થીઓ પર કરવામાં આવ્યો હતો.

સંસદમાં સરકારે શું કહ્યું હતું
ત્રણ ઓગસ્ટે સરકારે કહ્યું હતું કે કોરોના વાઈરસ સામેની વેક્સિનના બન્ને ડોઝના મિક્સિંગ બાબતે હજી સુધી કોઈ ભલામણ મળી નથી. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી ભારતી પ્રવીણ પવારે રાજ્યસભાને એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કોવિડ-19ની વેક્સિન હાલમાં જ વિકસિત કરવામાં આવી છે. બન્ને વેક્સિનને મિક્સિંગ કરવા બાબતે વૈજ્ઞાનિકો હાલ સંશોધન કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...