રાવત દંપતીનાં અસ્થિ ગંગામાં પ્રવાહિત:જનરલ બિપિન રાવતની બન્ને પુત્રી અસ્થિઓ લઈ હરિદ્વાર પહોંચી, ભીની આંખે ગંગામાં વિસર્જિત કર્યાં

નવી દિલ્હીએક મહિનો પહેલા

CDS જનરલ બિપિન રાવત અને મધુલિકા રાવતની પુત્રીઓ- કૃતિકા અને તારિણીએ માતા-પિતાનાં અસ્થિનું આજે હરિદ્વારમાં ગગાં નદીમાં વિસર્જન કર્યું હતું. CDS જનરલ બિપિન રાવત અને મધુલિકા રાવતની પુત્રી કૃતિકા અને તારિણીએ આજે દિલ્હી છાવણીના બરાર સ્ક્વેર સ્મશાનગૃહમાંથી પોતાનાં માતા-પિતાનાં અસ્થિ લીધાં હતાં. CDS રાવત અને મધુલિકાનાં અસ્થિને કળશમાં રાખીને એને લાલ કપડાથી બાંધવામાં આવ્યાં હતાં. બન્ને પુત્રીએ હરિદ્વાર જઈને ગંગા નદીમાં અસ્થિઓનું વિસર્જન કર્યું હતું. જનરલ બિપિન રાવત અને પત્ની મધુલિકાનાં અસ્થિઓ ગંગામાં પ્રવાહિત થયાં ત્યારે બન્ને પુત્રી આંસુઓ રોકી શકી નહોતી.

શુક્રવારે નવી દિલ્હીમાં બરાર સ્ક્વેર સ્મશાનગૃહમાં પોતાનાં માતા-પિતાના અંતિમસંસ્કાર દરમિયાન બંને પુત્રી કૃતિકા અને તારિણી.
શુક્રવારે નવી દિલ્હીમાં બરાર સ્ક્વેર સ્મશાનગૃહમાં પોતાનાં માતા-પિતાના અંતિમસંસ્કાર દરમિયાન બંને પુત્રી કૃતિકા અને તારિણી.

પત્ની મધુલિકા સાથે ઈશ્વરમાં લીન થયા CDS રાવત
દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત અને તેમનાં પત્નીના પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન થયા હતા. સમગ્ર દેશે દિવંગત બિપિન રાવત અને દિવંગત મધુલિકા રાવતને શ્રદ્ધાંજલિ આપી હતી.

બરાર સ્ક્વેર સ્મશાનગૃહમાં માતા-પિતાના અંતિમસંસ્કાર દરમિયાન હાજર જનરલ રાવતની બંને પુત્રી.
બરાર સ્ક્વેર સ્મશાનગૃહમાં માતા-પિતાના અંતિમસંસ્કાર દરમિયાન હાજર જનરલ રાવતની બંને પુત્રી.

હિન્દુ ધર્મની માન્યતા મુજબ, અંતિમસંસ્કાર દરમિયાન કરવામાં આવતી તમામ વિધિ સંપન્ન કરવામાં આવી હતી. બંને પુત્રીએ માતા-પિતાના પાર્થિવદેહ પર ચંદન અને ઘી લગાવવાની વિધિ પૂર્ણ કરી હતી. માતા-પિતાના પાર્થિવદેહ અગ્નિમાં પંચભૂતમાં વિલીન થતાં જોઈને પુત્રીઓ પોતાને સંભાળી શકી નહોતી. સગાં-સંબંધીઓ દીકરીઓનાં આંસુ લૂંછતા તેમને સાંત્વના આપી રહ્યાં હતાં.

હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા, 13નાં મોત
બુધવારે થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતનું નિધન થયું હતું. આ હેલિકોપ્ટરમાં તેમની સાથે પત્ની મધુલિકા અને સેનાના 12 જવાન અને અધિકારીઓ પણ સવાર હતાં.

બ્રિગેડિયર એલએસ લિદ્દર, લેફ્ટનન્ટ કર્નલ હરજિન્દર સિંહ, વિંગ કમાન્ડર પીએસ ચૌહાણ, સ્ક્વોડ્રન લીડર કે. સિંઘ, નાયક ગુરસેવક સિંઘ, નાયક જિતેન્દ્ર કુમાર, લાન્સ નાયક વિવેક કુમાર, લાન્સ નાયક બી. સાઈ તેજા, જુનિયર વોરંટ ઓફિસર દાસ, જુનિયર વોરંટ ઓફિસર એ. પ્રદીપ અને હવાલદાર સતપાલ હેલિકોપ્ટરમાં સવાર હતા. હેલિકોપ્ટર ક્રેશમાં એકમાત્ર બચી ગયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ, જેઓ હાલમાં ગંભીર સ્થિતિમાં છે અને બેંગલુરુમાં તેમની સારવાર ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...