તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુડ ન્યૂઝ:અનુષ્કા શર્મા-વિરાટ કોહલી દીકરીના પેરેન્ટ્સ બન્યાં, પુત્રીનું નામ 'અન્વી' રાખે તેવી ચર્ચા

મુંબઈ9 મહિનો પહેલા
સાત જાન્યુઆરીના રોજ અનુષ્કા તથા વિરાટ દવાખાને ગયા હતા, તે સમયની તસવીર - Divya Bhaskar
સાત જાન્યુઆરીના રોજ અનુષ્કા તથા વિરાટ દવાખાને ગયા હતા, તે સમયની તસવીર

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ આજે એટલે કે 11 જાન્યુઆરીના રોજ બપોરે દીકરીને જન્મ આપ્યો છે. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને ચાહકોને આ ગુડ ન્યૂઝ આપ્યા હતા. અનુષ્કા શર્માએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. અનુષ્કા તથા વિરાટ આજે સવારે જ હોસ્પિટલ આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે આજે ક્રિકેટર રાહુલ દ્રવિડનો પણ જન્મદિવસ છે. એટલે કે હવેથી વિરાટ કોહલીની દીકરી તથા રાહુલ દ્રવિડનો જન્મદિવસ એક જ દિવસ આવશે. અનુષ્કા-વિરાટની દીકરીનું નામ 'અન્વી' રાખવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે.

દીકરીનું નામ 'અન્વી' રાખે તેવી ચર્ચા
હોસ્પિટલના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, અનુષ્કા તથા વિરાટ પોતાની દીકરીનું નામ 'અન્વી' રાખે તેવી શક્યતા છે. 'અન્વી'​​​​​​​નો અર્થ દયાળું એવો થાય છે. આટલું જ નહીં કપલે પોતના નામના પહેલાં બે અક્ષરો લઈને દીકરીનું નામ '​​​​​​​અન્વી'​​​​​​​ રાખ્યું હોય તેમ લાગે છે. અનુષ્કા (Anushka) તથા વિરાટ (Virat)ના નામના પહેલાં બે અક્ષરો AnVi (અન્વી).

પ્રેગ્નન્સીના અંતિમ દિવસો સુધી વર્કઆઉટ કર્યું હતું
અનુષ્કાએ પ્રેગ્નન્સીના છેલ્લાં દિવસો સુધી વર્કઆઉટ કર્યું હતું. અનુષ્કાએ ટ્રેડમિલ પર ચાલતી હોય તેવો વીડિયો હાલમાં જ શૅર કર્યો હતો. આ પહેલાં તેણે વિરાટ કોહલીની મદદથી શીર્ષાસન કર્યું હોય તેવી પોસ્ટ શૅર કરી હતી.

અનુષ્કાએ પ્રેગ્નન્સીના અંતિમ દિવસોમાં બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું
અનુષ્કાએ જાણીતા વોગ મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. આ બોલ્ડ ફોટોશૂટમાં અનુષ્કાએ બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો હતો. આટલું જ નહીં અનુષ્કાએ પ્રેગ્નન્સી જર્ની અંગે પણ વાત કરી હતી. અનુષ્કા શર્માએ વોગ સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'લૉકડાઉનને કારણે મારી સાથે પતિ વિરાટ કહોલી જ હતો. બધા જ ઘરની અંદર બંધ હોવાથી કોઈને પણ ખ્યાલ ના આવ્યો કે હું પ્રેગ્નન્ટ છું. કોરોના આ રીતે મારા માટે આશીર્વાદરૂપ બન્યો હતો. જ્યારે પણ ડૉક્ટરને બતાવવા જવાનું થતું ત્યારે રોડ પર કોઈ અમને જોઈ શકતું નહોતું.'

વધુમાં અનુષ્કાએ કહ્યું હતું કે પ્રેગ્નન્સીના શરૂઆતના દિવસોમાં તે 'બુલબુલ'નું પ્રમોશન કરતી હતી. એકવાર ઝૂમ કૉલ પર તે પ્રમોશન કરતી હતી ત્યારે અચાનક જ તેની તબિયત ખરાબ થઈ અને તેને વોમિટિંગ જેવું થવા લાગ્યું હતું. તેણે તરત જ વીડિયો ઑફ કરીને તેના ભાઈ કર્ણેશ શર્માને મેસેજ કર્યો હતો. જો તે સેટ પર કે સ્ટૂડિયોમાં હોત તો દરેકને આ વાતની ખબર પડી ગઈ હોત.

અનુષ્કાએ એમ પણ કહ્યું હતું કે હાલમાં તે બેબીની નર્સરી ડિઝાઈન કરવામાં વ્યસ્ત છે. તે એવું માનતી નથી કે છોકરાઓ બ્લૂ ને છોકરીઓ પિંક રંગ પહેરે છે. નર્સરીમાં તમામ રંગો જોવા મળશે. નર્સરીની થીમ એનિમલ થીમ છે. તે તથા વિરાટને પ્રાણીઓ પ્રત્યે ઘણો જ પ્રેમ છે અને તે ઈચ્છે છે કે તેમના બાળકમાં પણ પ્રાણીઓ પ્રત્યે અલગ બોન્ડ જોવા મળે.

પ્રેગ્નન્સીના શરૂઆતના ત્રણ મહિના ટોસ્ટ ને ક્રેકર્સ ખાધા
અનુષ્કા શર્માએ કહ્યું હતું કે પ્રેગ્નન્સીના શરૂઆતના ત્રણ મહિના તે માત્ર ટોસ્ટ તથા ક્રેકર્સ ખાતી હતી. હવે છેલ્લા મહિનામાં તે વડાપાઉં તથા ભેળપૂરી ખાય છે. ઉલ્લેખનીય છે કે અનુષ્કા શર્મા જાન્યુઆરીમાં પ્રથમ સંતાનને જન્મ આપશે. ડિલિવરી બાદ અનુષ્કા મે મહિનામાં કામ પર પરત ફરશે.

વિરાટ કોહલી 20 દિવસ પહેલાં જ ઓસ્ટ્રેલિયાથી પરત આવ્યો
અંદાજે 20 દિવસ પહેલાં વિરાટ કોહલી પેટરનિટી લીવ લઈને ઓસ્ટ્રેલિયાથી ભારત પરત આવ્યો છે. બંને દેશો વચ્ચેની ક્રિકેટ મેચ સિરીઝ ચાલુ છે. 3 વનડે, 3 ટી-20 બાદ હવે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની સિરીઝ ચાવી રહી છે. વિરાટ પહેલી ટેસ્ટ રમીને ભારત આવ્યો હતો. અત્યાર સુધી ત્રણ ટેસ્ટ મેચ રમાઈ છે, જેમાં પહેલી ટેસ્ટ ઓસ્ટ્રેલિયા તથા બીજી ટેસ્ટ ભારત જીત્યું હતું. ત્રીજી ટેસ્ટ ડ્રો રહી હતી. ચોથી ટેસ્ટ 15 જાન્યુઆરીએ રમાશે.

અનુષ્કાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને પ્રેગ્નન્ટ હોવાની જાણ કરી હતી
અનુષ્કા તથા વિરાટે ગુડ ન્યૂઝની જાણ સોશિયલ મીડિયા પર તેમનો ફોટો શેર કરીને કરી હતી. અનુષ્કાએ લખ્યું હતું, 'અને પછી, અમે ત્રણ થઇ જશું. જાન્યુઆરી 2021માં આવી રહ્યું છે.'

2017માં લગ્ન કર્યાં હતા
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ 11 ડિસેમ્બરે 2017માં ઇટલીમાં પરિવાર અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યાં હતા. તેમના રિસેપ્શનમાં વડાપ્રધાન મોદીએ પણ હાજરી આપી હતી. લોકડાઉન દરમ્યાન કપલે ઘરે સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...