• Gujarati News
  • National
  • Daily Expenditure Of Rs 18 Crore On Drugs In Kashmir; Young Boys And Girls Are The Biggest Victims, 90% Of Whom Take Heroin

કાશ્મીરના યુવાનો ડ્રગ્સના સકંજામાં:કાશ્મીરમાં માદક દ્રવ્યો પર દરરોજ 18 કરોડ રૂપિયાનો ખર્ચ; નાની વયના છોકરા-છોકરીઓ સૌથી વધુ શિકાર, તેમાંથી 90% હેરોઇન લે છે

શ્રીનગર2 વર્ષ પહેલાલેખક: વૈભવ પલનિટકર
  • કૉપી લિંક
  • કાશ્મીરમાં યુવાઓમાં હેરોઈન, બ્રાઉન સુગરનો નશો કરવાનું પ્રમાણ વધ્યું
  • કાશ્મીરમાં ડ્રગ્સનો વાર્ષિક વેપાર 6.5 હજાર કરોડ રૂપિયાનો

'મારું નામ નાઝિયા છે (નામ બદલ્યું છે), હું 18 વર્ષની છું અને શ્રીનગરમાં રહું છું. લાંબા સમય સુધી હંગામો, કર્ફ્યુ, લોકડાઉન, હિંસાને કારણે મારું માનસિક સ્વાસ્થ્ય ખરાબ રીતે પ્રભાવિત થયું હતું. હું ડિપ્રેશન તરફ આગળ વધવા લાગી હતી. તે જ સમયે, મેં મારા કોલેજના મિત્રો સાથે એક કે બે વાર હેરોઇનના ઇન્જેક્શન લીધા. આ નશો મને બધા દુ:ખમાંથી દૂર લઈ જતો હોય તેવું લાગ્યું. શરૂઆતમાં મજા આવી અને પછી મને વ્યસન થઈ ગયું. તે પછી મને નશા માટે વધુ પૈસાની જરૂર પડવા લાગી. મારી પોકેટ મની ઓછી હતી તેથી મેં ઘરમાં ચોરી કરવાનું શરૂ કર્યું, પરંતુ ટૂંક સમયમાં માતા-પિતાને આ વિશે ખબર પડી. એના પછી હું વ્યસન મુક્તિ કેન્દ્રમાં ગઇ હતી અને હવે હું મારી સારવાર કરાવી રહી છું.

કાશ્મીરી યુવાનો પણ ડ્રગ્સની લપેટમાં આવી ગયા છે
આ કહાની માત્ર નાઝિયાની નથી, પણ મોટી સંખ્યામાં કાશ્મીરી યુવાનોની કહાની છે. આતંકવાદ, પથ્થરમારો, હિંસા, આગચંપી, અથડામણો અને પછી કડક કર્ફ્યુની ઘટનાઓએ કાશ્મીરની એક આખી પેઢીને બરબાદ કરી દીધી છે. હવે કાશ્મીરી યુવાનો પણ ડ્રગ્સની લપેટમાં આવી ગયા છે. આ સમગ્ર ડ્રગ સ્ટોરીમાં ઘણા હિસ્સેદારો છે- પીડિત યુવાનો, તેમનો પરિવાર, સમાજ, પોલીસ અને હોસ્પિટલ-તબીબો વ્યસન મુક્તિના કામમાં રોકાયેલા છે.

પુલવામા, બારામુલા, કુપવાડા, બાંદીપોરા, શોપિયાંમાં પણ ડ્રગ્સના ઘણા કેસ
જ્યારે અમે કાશ્મીરના ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે અહીં નશા સુધીની પહોંચ ખૂબ જ સરળ છે. ગામડાઓ-નગરો-શહેરોમાં ડ્રગ પેડલર્સનું મજબૂત નેટવર્ક છે. કાશ્મીરમાં રાજધાની શ્રીનગર અને દક્ષિણ કાશ્મીરમાં અનંતનાગ સૌથી વધુ ડ્રગ પ્રભાવિત જિલ્લાઓ છે. આ સિવાય પુલવામા, બારામુલા, કુપવાડા, બાંદીપોરા, શોપિયાંમાં પણ ડ્રગ્સના ઘણા કેસ સામે આવી રહ્યા છે.

છોકરીઓ પણ ડ્રગ્સનો શિકાર બની રહી છે
ઓલ જે એન્ડ કે યુવા કલ્યાણ સંગઠન એક એનજીઓ છે જે કાશ્મીરમાં નશા મુક્તિ માટે કામ કરે છે. તેના શ્રીનગર કેન્દ્રમાં સમગ્ર કાશ્મીરમાંથી ડ્રગ્સ પીડિત દર્દીઓ આવે છે. આ એનજીઓના સેક્રેટરી શબ્બીર અહમદ કહે છે, 'કાશ્મીરમાં ડ્રગ્સના ઘણા કેસ જોવા મળી રહ્યા છે. સ્થિતિ ગંભીર જોવા મળી રહી છે. અમારા દર્દીઓ પણ કહે છે કે કાશ્મીરમાં ડ્રગ્સ ઝડપથી ફેલાઈ રહ્યું છે. 99% દર્દીઓ જે અમારી પાસે આવે છે તેઓ હેરોઇનનો નશો કરે છે અને કિશોરોમાં આ સમસ્યા વધુ જોવા મળી રહી છે. હવે છોકરીઓ પણ મોટી સંખ્યામાં તેનો શિકાર બની રહી છે.

'કાશ્મીરમાં 1990 થી પરિસ્થિતિ બગડવાની શરૂઆત થઇ, તેની સાથે જ ડ્રગ્સથી સમસ્યા પણ વધી. જે યુવક આજે 25-30 વર્ષનો છે, તેણે કાશ્મીરની સ્થિતિ હંમેશા ખરાબ જ જોઈ. કાશ્મીરમાં નોકરી, રોજગારની તકો કંઈ નથી. ડ્રગ્સ સામાન્ય બની રહ્યું છે. લોકોને સરળતાથી પૈસા મળી રહ્યા છે અને ડ્રગ્સની ઉપલબ્ધતા પણ ખૂબ જ સરળ બની છે.'

છેલ્લા 30 વર્ષથી કાશ્મીર આતંકવાદી ઘટનાઓ, પથ્થરમારો, આતંકવાદ, અલગતાવાદ માટે બદનામ રહ્યું છે. લાંબા સમયથી અસ્થિરતાનું વાતાવરણ, 1989 બાદથી હિંસા, કર્ફ્યુ, કલમ 370 નાબૂદ કર્યા પછી લોકડાઉન અને કોરોનાની તાળાબંધી, આ બધા કારણોસર, લોકોને લાંબા સમય સુધી ઘરે રહેવું પડ્યું છે. આ દરમિયાન માનસિક તણાવ, ડિપ્રેશન, માનસિક સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડી છે. કાશ્મીર સરહદ પર હોવાને કારણે ડ્રગ્સની સપ્લાયની પણ આશંકા રહે છે. તેના કારણે અહીં ડ્રગ્સનો ધંધો ફૂલ્યો-ફાલ્યોં છે.

કયા કયા નશા થઈ રહ્યા છે- હેરોઇન, કોકીન, બ્રાઉન સુગર, તમાકુ, આલ્કોહોલ, ગાંજો, ચરસ, ભાંગ, ફાર્માસ્યુટિકલ દવાઓ નશોના રૂપમાં.

કાશ્મીરમાં ગાંજો, ચરસ અને ભાંગનું ઉત્પાદન સામાન્ય વાત છે અને આ જ કારણેથી અહીં તેનું સેવન પણ ઘણું જ પહેલેથી થઈ રહ્યું છે, પરંતુ 2015 થી ડ્રગ્સનો ટ્રેન્ડ ઝડપથી બદલાયો છે અને કાશ્મીરમાં હેરોઈન, કોકીન, બ્રાઉન સુગરનો વપરાશ વધ્યો છે. નિષ્ણાતો કહે છે કે તેની કડીઓ ડ્રગ્સ ટેરર સાથે પણ જોડાય છે.

ડ્રગ્સ લેતા યુવાનોના જણાવ્યા અનુસાર, 80% જેટલા યુવાનો ડ્રગ્સના વ્યસનનો શિકાર બન્યા છે. કાશ્મીરમાં ડ્રગ્સની સમસ્યા અંગે કોઈ વિગતવાર સર્વેક્ષણ કે અભ્યાસના અભાવને કારણે ડેટાનો અભાવ છે, પરંતુ કેટલાક થોડા અંશે ડેટા મળે છે.

નશા મુક્તિ કેન્દ્રોમાં પોતાની સેવાઓ પૂરી પાડતા તબીબી અધિકારી ડો.મંઝૂર હુસેન કહે છે, “ડ્રગ્સ એક મોટી સમસ્યા છે, લોકોને આ સમસ્યા વિશે ખબર નથી. તે ઝડપથી ફેલાઈ રહી છે. સારવારમાં ત્રણ પ્રકારના દર્દીઓ આવે છે. સેલ્ફ મોટિવેટેડ કેસો સરળ હોય છે, અન્ય પ્રકારના કેસો પરિવાર લાવે છે અને તેમને પ્રોત્સાહિત કરીને સારવાર આપે છે. ત્રીજા એવા દર્દીઓ છે જે પોલીસ દ્વારા લાવવામાં આવે છે અથવા બળપ્રયોગ દ્વારા લાવવામાં આવે છે. આ સમગ્ર મામલામાં ક્યારેય પણ અભ્યાસ કરવામાં આવ્યો નથી.

ડ્રગ્સના ઓવરડોઝના કારણે અનેક યુવાઓના મોત
નશા મુક્તિ કેન્દ્રની સાથે કામ કરનાર એક્સપર્ટ અને અનેક પીડિતોએ અમને જણાવ્યુ કે ડ્રગ્સના ઓવરડોઝના કારણે અનેક યુવાઓના મોત થઈ રહ્યા છે. સમાજમાં નશો નિષેધ હોવાને કારણે, પરિવારના સભ્યો આવા મૃત્યુ છુપાવે છે અને તેને હાર્ટ એટેકને કારણે મૃત્યુ જણાવે છે.

બીજી બાજુ, જમ્મુ અને કાશ્મીર પોલીસ કાશ્મીરમાં ત્રણ નશા મુક્તિ કેન્દ્રો પણ ચલાવે છે. ઉત્તરમાં બારામુલા, દક્ષિણમાં અનંતનાગ અને મધ્યમાં શ્રીનગરમાં અમારા કેન્દ્રો છે. સમાજ સાથે મળીને માદક વ્યસન મુક્તિ પર કામ કરવાનો અમારો પ્રયાસ છે. આ ન માત્ર ડ્રગ્સના ભોગ બનેલા લોકોને જ સારવાર પૂરી પાડે છે પણ પોલીસ અને લોકો વચ્ચેનું બંધન પણ મજબૂત બનાવે છે.

ડ્રગ્સના કારણે વધી રહ્યા છે ગુનાઓ
2014 થી 2019 દરમિયાન કાશ્મીરમાં જુવેનાઇલ ક્રાઇમમાં સતત વધારો થયો છે. જ્યારે 2014 માં IPC હેઠળ નોંધાયેલા માત્ર 102 કેસ સામે આવ્યા હતા, જ્યારે 2019 માં લગભગ ત્રણ ગણો વધીને 299 થયા.

કાશ્મીરની સરકારી ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સએ કાશ્મીરની રાજધાની શ્રીનગર અને અનંતનાગ જિલ્લામાં ડ્રગ્સ પર એક સર્વે કર્યો હતો. સર્વે મુજબ બંને જિલ્લાના 17,768 લોકો કોઈને કોઈ પ્રકારનો નશો કરે છે. આ સંખ્યા કુલ વસ્તીના લગભગ 2% છે, પરંતુ ચોંકાવનારો આંકડો એ છે કે 90% વ્યસનીઓ હેરોઇનનો નશો કરે છે. આ સર્વે ડિસેમ્બર 2019 થી જાન્યુઆરી 2020 વચ્ચે કરવામાં આવ્યો હતો.

સર્વેમાં મુખ્ય ભૂમિકા નિભાવનારા પ્રોફેસર ડો. યાસિન રાથર કહે છે કે યુવાઓમાં ડ્રગ્સથી સ્થિતિ ખતરનાક છે. લોકો ઈન્જેક્શન દ્વારા હેરોઇનનો નશો કરે છે. આર્થિક પાસાની વાત કરીએ તો દરરોજ આ બે જિલ્લાના લોકો નશા પર 3 કરોડ 70 લાખ રૂપિયા ખર્ચ કરે છે. એક ગ્રામ હેરોઇન 6 હજાર રૂપિયામાં મળે છે. સમગ્ર કાશ્મીરમાં આ હિસાબે આશરે 18 કરોડ રૂપિયા દરરોજ નશા પર ખર્ચવામાં આવી રહ્યા છે. આ મુજબ કાશ્મીરમાં ડ્રગ્સનો વાર્ષિક વેપાર 6.5 હજાર કરોડ રૂપિયાનો છે.

કાશ્મીરમાંથી આ હજારો કરોડો રૂપિયા ક્યાં જઈ રહ્યા છે અને તેનું શું થઈ રહ્યું છે, આ સૌથી મોટી ચિંતાનો વિષય છે, જેના પર સરકારે ધ્યાન આપવાની જરૂર છે.