તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Cyclone Tauktae; Rajasthan Weather Latest Update | Rain In Rajasthan Jaipur Ajmer Udaipur Jodhpur And Kota Divisions

ગુજરાત પછી હવે રાજસ્થાનમાં તાઉ-તેની એન્ટ્રી:વાવાઝોડાની સ્પીડ ધીમી થઈ, રાજ્યમાં મોડી રાતે પહોંચશે; દિલ્હી-NCR અને ઉત્તર ભારતમાં પણ વરસાદની આગાહી

જયપુરએક મહિનો પહેલા

અરબ સાગરથી શરૂ થયેલું ચક્રવાતી વાવાઝોડું તાઉ-તે ગુજરાતથી હવે રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. જોકે હવે એની ગતિ ધીમી પડી રહી છે. તાઉ-તે મંગળવારે રાતે રાજસ્થાન પહોંચશે. વાવાઝોડું નબળું પડવાથી હવે 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવાનો છે. પહેલાં અંદાજ હતો કે હવાની ગતિ 60 કિમી સુધીની રહી શકે છે. હવામાન વિભાગે આ સિસ્ટમને કારણે ઉદયપુર અને જોધપુરના અમુક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરી છે, સાથે આ વાવાઝોડાને લીધે દિલ્હી-NCR અને ઉત્તર ભારતમાં વરસાદની આગાહી કરાઈ છે.

હવામાન વિભાગના અધિકારી રાધેશ્યામ શર્માએ જણાવ્યું હતું કે સિસ્ટમની અસરને કારણે મંગળવારે મોડી રાતે અથવા બુધવારે સવારે બાંસવાડા, ભીલવાડા, ચિતૌડગઢ, ડુંગરપુર, પ્રતાપગઢ, રાજસમંદ, સિરોહી, ઉદયપુર, ઝાલૌર અને પાલીમાં ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય જયપુર, અજમેર, કોટા અને ભરતપુરના ઘણા જિલ્લામાં પણ બુધવારે બપોરે અથવા મોડી સાંજે વરસાદ થવાનો અંદાજ છે.

સુરક્ષા માટે SDRFની ટીમ તૈયાર
ઉદયપુર-જોધપુરના ઘણાં વિસ્તારોમાં વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને પ્રશાસને ઠેર-ઠેર SDRFની ટીમ તહેનાત કરી દીધી છે. ડુંગરપુર-બાંસવાડામાં લોકોને ઘરની બહાર ના નીકળવાની અપીલ કરવામાં આવી છે. વીજળી ડૂલ થવાની આશંકાને ધ્યાનમાં રાખીને પ્રશાસને દરેક હોસ્પિટલોમાં જનરેટર અને ઓક્સિજનનો બેકઅપ પ્લાન તૈયાર રાખ્યો છે.

અમિત શાહે મુખ્યમંત્રી ગેહલોત સાથે વાત કરી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વાવાઝોડા વિશે ગેહલોત સાથે વાત કરી છે. તેમણે રાજ્ય સરકારની તૈયારીઓની માહિતી લેવાની સાથે સાથે કેન્દ્ર દરેક પ્રકારની મદદ આપશે તેવો વિશ્વાસ અપાવ્યો છે. તેમણે કહ્યું હતું કે કોઈપણ સ્થિતિ માટે NDRFની ટીમ તૈયાર છે.

જોધપુરમાં વાદળછાયું વાતાવરણ.
જોધપુરમાં વાદળછાયું વાતાવરણ.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, વાવાઝોડું રાજસ્થાનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારથી પ્રવેશ કરશે. એને કારણે ઉદયપુર, સિરોહી, ડુંગરપુર, પાલી અને ઝાલૌરમાં 40-50 કિમીની ઝડપથી પવન ફૂંકાશે. એ સાથે જ ભારે વરસાદ થઈ શકે છે. જયપુરમાં વાદળો ઘેરાયાં છે અને સવારથી ઝરમર વરસાદ ચાલુ છે.

આ સ્થિતિ અજમેર, ટોંક, ભીલવાડા, રાજસમંદ, ચિતૌડગઢ અને અલવરમાં પણ છે. આ જિલ્લામાં ઘણી જગ્યાએ હળવો વરસાદ થઈ રહ્યો છે. આ પહેલાં સોમવારે મોડી રાતે ઉદયપુર, પાલી, ડુંગરપુર, બાંસવાડામાં ઘણી જગ્યાએ ઝડપી પવન સાથે વરસાદ થયો છે. બદલાયેલા વાતાવરણના કારણે લઘુતમ તાપમાનમાં પણ ઘટાડો થયો છે.

સિરોહીમાં વરસાદ શરૂ, ઘણી જગ્યાએ પાણી ભરાયાં.
સિરોહીમાં વરસાદ શરૂ, ઘણી જગ્યાએ પાણી ભરાયાં.

ભીલવાડા અને ચિતૌડગઢમાં પણ વરસાદ
ચક્રવાતના પ્રભાવના કારણે ગઈ કાલ રાતથી ભીલવાડા અને ચિતૌડગઢમાં પણ ઝરમર વરસાદ થયો છે. ભીલવાડામાં 50 મિમી, ચિતૌડગઢમાં 24 મિમી વરસાદ થયો છે. આ સિવાય ઉદેપુરમાં 20.6, ટોંકમાં 20, બુંદીમાં 14, સવાઈ માધોપુરમાં 16, પાલીમાં 6 મિમી વરસાદ થયો છે. ફલૌદી, બિકાનેર, ચુરુ, જયપુર, જોધપુર સહિત ઘણી જગ્યાએ વરસાદ થયો છે.

વરસાદ પછી તાપમાન નીચુ આવતા ગરમી ઓછી થઈ ગઈ છે. અજમેરમાં રાતનું તાપમાન 20 ડિગ્રી કરતાં નીચે જતુ રહ્યું છે. આ જ રીતે ભીલવાડા, ટોંક, બુંદી, ચિતૌડગઢ, ઉદેપુર, પાલી અને જયપુરમાં પણ ન્યૂનતમ તાપમાન 20થી 21 ડીગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે.

માઉન્ટ આબુમાં વરસાદની વચ્ચે રમતા બાળકો
માઉન્ટ આબુમાં વરસાદની વચ્ચે રમતા બાળકો

બુધવાર સુધી રહેશે ચક્રવાત
હવામાન વિભાગના નિર્દેશક રાધેશ્યામ શર્માએ જણાવ્યું હતું કે ચક્રવાતની સૌથી વધારે અસર મંગળવારે રાતે ઉદયપુર સિવાય જોધપુરના અમુક વિસ્તારમાં જોવા મળશે. ઉદયપુરના ડુંગરપુર, બાંસવાડા વિસ્તારમાં 200 મિમી અથવા તેનાથી વધારે વરસાદ થવાની શક્યતા છે. આ સિવાય ચિતૌડગઢ, પાલી, સિરોહી, ઝાલૌરમાં પણ વરસાદ થઈ શકે છે.
ચક્રવાતની મૂવમેન્ટ દક્ષિણ-પૂર્વ તરફથી વધશે તો અજમેર, ઉદયપુર, કોટા અને ભરતપુરના ઘણાં વિસ્તારોમાં બુધવારે ભારે વરસાદ થવાની શક્યતા છે. 20 મે પછી ચક્રવાતની અસર ઓછી થશે.

દૌસામાં વાદળછાયું વાતાવરણ.
દૌસામાં વાદળછાયું વાતાવરણ.

દૌસામાં પણ સવારથી શરૂ થયો છે વરસાદ
દૌસામાં મંગળવારે સવારથી ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે. સવારે 9 વાગ્યા પછી ભારે વરસાદ શરૂ થયો હતો. તેના કારણે અહીં તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. સવારે 10 વાગે લઘુતમ તાપમાન 21 ડીગ્રી થયું હતું. બીજી બાજુ પ્રશાસન અલર્ટ મોડ પર છે. કલેક્ટર સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે જોડાયેલા અધિકારીઓ હવામાન પર નજર રાખી રહ્યા છે.

માઉન્ટ આબુમાં ભારે વરસાદ.
માઉન્ટ આબુમાં ભારે વરસાદ.

દિલ્હી-NCR અને ઉત્તર ભારતમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે મંગળવારે જણાવ્યું હતું કે તોફાનના કારણે આગામી બે દિવસમાં દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારમાં વરસાદ પડશે. IMDના કુલદીપ શ્રીવાસ્તવે કહ્યું હતું કે વાવાઝોડાના કારણે રાજસ્થાનમાં વરસાદ પડી રહ્યો છે. હવે તે ઉત્તર ભારત તરફ આગળ વધી રહ્યું છે. 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂકાશે.

અન્ય સમાચારો પણ છે...