સંસદમાં જયા બચ્ચનને ગુસ્સો આવ્યો:EDના સવાલોના એશ્વર્યાએ આપ્યા 'જવાબ', સાંજે જયાએ સરકારને આપ્યો 'શ્રાપ', કહ્યું- તમારા ખરાબ દિવસો જલદી આવશે

એક મહિનો પહેલા
સાંસદ જયા બચ્ચન (ફાઈલ ફોટો)
  • જયા બચ્ચને કહ્યું કે ગૃહમાં જે પણ થઈ રહ્યું છે તે ખૂબ જ દુઃખદ છે

રાજ્યસભામાં આજે નાર્કોટિક ડ્રગ્સ અને સાઈકોટ્રોપિક પદાર્થ (સુધારા) વિધેયક 2021 અંગે ચર્ચા કરવામાં આવતી હતી. આ ચર્ચા સમયે સંસદમાં ભારે ગરમા-ગરમીનો માહોલ જોવા મળ્યો હતો. પહેલા દિગ્વિજય સિંહે સરકાર પર આરોપ લગાવ્યો હતો અને ત્યારબાદ ભાજપના સાંસદો પર SP સાંસદ જયા બચ્ચન ભડકી ગયા હતા. તેમણે કહ્યું કે તમારા ખરાબ દિવસો જલ્દીથી આવનારા છે. ખૂબ જ નારાજ દેખાતા જયા બચ્ચને કહ્યું મારા પર વ્યક્તિગત હુમલો કરવામાં આવ્યો છે, હું તમને શ્રાપ આપું છું કે તમારા લોકોના ખરાબ દિવસો આવશે. તમે લોકો અમારું ગળુ જ દબાવી દો, તમે લોકો ચલાવો. તેમણે વિપક્ષના સભ્યોને પણ પૂછ્યું કે તમે કોની સમક્ષ બીન વગાડી રહ્યા છો. બીજી બાજુ પનામા પેપર્સ લીક સાથે જોડાયેલ કેસમાં ઐશ્વર્યા રાય બચ્ચનની પૂછપરછ થઈ તે મુદ્દે શિવસેના સાંસદ સંજય રાઉતે પ્રશ્ન ઉઠાવી જયા બચ્ચન પ્રત્યેના ગુસ્સાને તેમના બાળકો પર નહીં કાઢવા સરકારને ટકોર કરી હતી.

નાર્કોટિક ડ્રગ્સ અને સાઈકોટ્રોપિક પદાર્થ (સુધારા) વિધાયક 2021 અંગે ચર્ચા કરવા માટે જ્યારે જયા બચ્ચનને બોલાવવામાં આવ્યા તો તેમણે આવતાની સાથે જ સરકાર તૂટી પડ્યા હતા. તેમણે કહ્યું હું તમને ધન્યવાદ આપવા ઈચ્છી નથી. કારણ કે સમજાતુ નથી કે તમે આ રીતે બૂમો પાડીને વેલમાં આવી જતા હતા તે સમયને યાદ કરું કે પછી આજે તમે જે ખુરશી પર બેઠા છો તે સમયને યાદ કરું.

જયા બચ્ચનની ચર્ચા અંગે ભાજપના સાંસદ રાકેશ સિન્હાએ તેમની ઉપર સંસદની ગરીમાને ઘટાડવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે તેમની ઉપર આરોપ પણ લગાવ્યો કે તેમણે સંસદના સ્પીકરને વ્યક્તિગત રીતે સંબોધિત કર્યાં છે.

અમારું ગળુ જ દબાવી દો, બોલવાની તક આપતા નથી.....
જયા બચ્ચને કહ્યું કે ગૃહમાં જે પણ થઈ રહ્યું છે તે ખૂબ જ દુઃખદ છે. જો તમારા સાથીઓ પ્રત્યે બિલકુલ સન્માન ન હોય તો અમારું ગળુ જ દબાવી દો, બોલવા તો દેતા નથી. જયાએ સભાપતિને અપીલ કરતા કહ્યું કે મારી સામે અને મારી કરિયર સામે અપશબ્દ કહેવામાં આવ્યા અને આવા સભ્યો સામે કાર્યવાહી થવી જોઈએ.

તમારા ખરાબ દિવસો (બુરે દિન) જલ્દી આવી જશે
જયા બચ્ચને સભાપતિ સમક્ષ કહ્યું કે તમે બોલશો નહીં, મારે બોલવાની તક છે..... તમે શા માટે બોલી રહ્યા છો? તેમણે કહ્યું કે અમારી પાસે મોટા મુદ્દા છે કે જેના પર ચર્ચા કરી શકાય છે પણ અમને અહીં 3-4 કલાકનો સમય જ આપ્યો છે, ફક્ત ક્લેરિકલ એરર અંગે માહિતી રજૂ કરવા માટે. આ બધુ શુ ચાલી રહ્યું છે? આ શરમજનક છે. તેમણે અન્ય સાંસદોને કહ્યું કે તમે કોની સમક્ષ બીન વગાડી રહ્યા છો? તેમણે વધુમાં કહ્યું- જુઓ, તમારા ખરાબ દિવસો (બુરે દિન) ખૂબ જલ્દીથી આવનારા છે. જો તમારું વલણ આ પ્રકારનું જળવાશે તો તમારા ખરાબ દિવસો જલ્દીથી આવશે. તેમણે કહ્યું કે અમારું ગળુ દબાવી દો.

હું શ્રાપ આપું છું
ગૃહમાં કોઈ સભ્યએ તેમના અંગે ટિપ્પણી કરી તો જયા બચ્ચન ભડકી ગયા અને કહ્યું કે આ વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવે. તે કોઈ વિશે ટિપ્પણી કેવી રીતે કરી શકે છે. ભાજપ સાંસદો અંગે ટિપ્પણી કરતા કહ્યું તમારા ખરાબ દિવસો આવશે, હું શ્રાપ આપું છું.

રાઉતે કહ્યું- જયાજીના ગુસ્સાને ઐશ્વર્યા પર ન કાઢશો
પનામા પેપર્સ લીક સાથે સંકળાયેલ કેસમાં ઐશ્વર્યા રાય બચ્ચનની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)દ્વારા પૂછપરછ અંગે રાજકીય માહોલ ગરમાયો છે. શિવસેના સાંસદ સંજય રાઉતે આ અંગે પ્રશ્ન ઉઠાવ્યો અને કહ્યું કે સરકારે જયા જી પરના ગુસ્સાને તેમના બાળકો પર કાઢવો જોઈએ નહીં.