ભાસ્કર એનાલિસિસ:90 દિવસમાં ક્રૂડ 27% સસ્તું થયું, પેટ્રોલ- ડીઝલમાં રાહત ક્યારે?

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લે 110 દિવસ પહેલાં ઈંધણના ભાવ ઘટ્યા હતા

તહેવારોની સિઝન શરૂ થઇ ચૂકી છે. જીવનજરૂરી ચીજોના વધતા ભાવ વચ્ચે પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર છે. જોકે, ક્રૂડ ઓઇલ સતત સસ્તું થઇ રહ્યું છે. 8 સપ્ટેમ્બરે ક્રૂડ ઓઇલના ભારતીય બાસ્કેટના ભાવ બેરલદીઠ 88 ડોલરની 3 મહિનાની નીચી સપાટીએ આવી ગયા. તે પહેલાં 9 જૂને 121.28 ડોલરની 10 વર્ષની સર્વોચ્ચ સપાટીએ હતા. મજાની વાત એ છે કે 9 જૂને દિલ્હીમાં પેટ્રોલ 96.72 અને ડીઝલ 89.62 રૂપિયે લિટર હતું.

8 સપ્ટેમ્બરે પણ આ જ ભાવ છે. મતલબ કે ક્રૂડ 27.44% સસ્તું થવા છતાં સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ રાહત નથી આપી. અગાઉ આ વર્ષે ફેબ્રુઆરીમાં ક્રૂડ 94.07 ડોલરે હતું ત્યારે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ લિટરના 95.41 રૂ. હતો. પછી રશિયા-યુક્રેન યુદ્ધને પગલે ક્રૂડના ભાવ વધતા રહ્યા. 9 જૂન સુધીમાં ક્રૂડ 28% મોંઘું થયું પણ 10 ફેબ્રુ.થી 10 માર્ચ દરમિયાન વિધાનસભા ચૂંટણીને પગલે ભાવ સ્થિર રહ્યા. 22 માર્ચ પછી 6 અઠવાડિયામાં પેટ્રોલ-ડીઝલ 14 વખત ભાવવધારા સાથે 10 રૂ. મોંઘાં થયા હતા.

એક્સપર્ટ: ભાવ 3થી 4 રૂપિયા ઘટવો જોઈએ
આંતરરાષ્ટ્રીય બજારની વર્તમાન સ્થિતિ સંકેત આપે છે કે આગામી અઠવાડિયામાં ક્રૂડના ભાવ હજુ ઘટશે. દિવાળી સુધી બ્રેન્ટ ક્રૂડ 80 ડોલર સુધી આવવાની શક્યતા છે. તેના લીધે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 3-4 રૂપિયા પ્રતિલિટર સુધી ઘટવા જોઈએ. જોકે રશિયા-યુક્રેન યુદ્ધ ફરી એકવાર ભડકશે તો ટ્રેન્ડ બદલાઈ શકે છે. > નરેન્દ્ર તનેજા,
એનર્જી એક્સપર્ટ અને હેડ, બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલ

દુનિયામાં ડિમાન્ડ ઘટી રહી છે...ભારતમાં વધી
મંદીના ડરથી પેટ્રોલ-ડીઝલની માગ ઘટી રહી છે. અમેરિકા, યુરોપમાં ગરમી પડી રહી છે. તેનાથી ત્યાં ઓઈલની માગ ઘટી છે. બીજી બાજુ ઓપેકનો રિપોર્ટ જણાવે છે કે ભારતમાં 2022માં પેટ્રોલ-ડીઝલની માગ 7.73% સુધી વધશે. આ વૃદ્ધિ દુનિયામાં સૌથી ઝડપી હશે. ચીનમાં તે 1.23%, અમેરિકામાં 3.39% રહેશે.

કેન્દ્રે બે વર્ષમાં બે વખત એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી

  • 4 નવેમ્બર 2021માં કેન્દ્રે પેટ્રોલ પર 5 અને ડીઝલ પર 10 રૂ. લીટર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી હતી.
  • 22 મે 2022ના રોજ પેટ્રોલ પર 8, ડીઝલ પર 6 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી હતી. તેના પછી 110 દિવસથી ભાવ સ્થિર છે.
  • હાલ કેન્દ્ર પેટ્રોલ પર 19.90 રૂ. અને ડીઝલ પર 15.80 રૂ. એક્સાઈઝ ડ્યૂટી વસૂલે છે.

સીતારમણે કહ્યું - કેન્દ્ર ઘટાડો કરી ચૂકી છે, રાજ્યો કરે| હાલમાં કેન્દ્રીયમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે મોંઘા ઈંધણનું ભારણ ઘટાડવા માટે સરકાર બે વખત એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કરી ચૂકી છે. હવે રાજ્યોએ ટેક્સમાં ઘટાડો કરવો જોઈએ. અત્યાર સુધી ફક્ત મહારાષ્ટ્રે વેટ ઘટાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...