રાજસ્થાનના જોધપુરમાં ઈદ પર હિંસા બાદ તણાવભર્યું વાતાવરણ છે. તંત્રએ બુધવાર સુધી જોધપુરના 10 વિસ્તારમાં કર્ફ્યૂ લગાવી દીધો છે. આ તરફ લોકોએ સુરસાગર વિસ્તારમાં ધારાસભ્યના ઘરની બહાર આગ લગાવી હતી. બીજી તરફ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ ઘટના અંગે રિપોર્ટ માગ્યો છે.
રાજસ્થાનના જોધપુરમાં સોમવારે રાત્રે લગભગ 11:30 વાગ્યે ઝંડા અને લાઉડસ્પીકર લગાવવાને લઈને બે સમુદાય સામસામે આવી ગયા હતા. આ દરમિયાન બંને પક્ષે અહીં જાલોરી ગેટ ચોકડી પર મોડી રાત્રે પથ્થરમારો કર્યો હતો. જ્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચી ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો, ત્યારે એક સમુદાયે પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો, જેમાં 4 પોલીસકર્મી ઘાયલ થયા છે.
જોધપુરના ઘણા વિસ્તારોમાં પથ્થરમારો અને આગની ઘટનાઓ પણ બની છે. પથ્થરમારામાં આજે વધુ એક પોલીસકર્મી ઘાયલ થયો છે, જ્યારે ગત રાત્રે 4 પોલીસકર્મી ઘાયલ થયા હતા. આ કેસમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. શહેરના આ વિસ્તારોમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે:
1. ઉદય મંદિર
2. નાગોરી ગેટ
3. સદર કોતવાલી
4. સદર બજાર
5. સુરસાગર
6. સરદારપુરા
7. ખાંડાફલસા
8. પ્રતાપનગર
9. દેવનગર
10. પ્રતાપનગર સદર
મંગળવારે અનંતનાગમાં મસ્જિદની બહાર પણ પથ્થરમારો થયો હતો. ઈદની નમાજ બાદ પ્રદર્શનકારીઓએ સુરક્ષા દળો પર પથ્થરમારો કર્યો હતો. મધ્યપ્રદેશના ખરગોનમાં રમખાણનાં 22 દિવસ બાદ કર્ફ્યૂ વચ્ચે જ તહેવારોની ઉજવણી કરવામાં આવી રહી છે. અહીં લગભગ 1300 પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે.
જોધપુરમાં સોમવારે રાત્રે બે જૂથ સામસામે આવી ગયાં હતાં. આ દરમિયાન મોડી રાત્રે જાલોરી ગેટ ચોકડી પર બંને તરફથી ભારે પથ્થરમારો થયો હતો. પોલીસ અને આરએસીએ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. ત્યાર બાદ બંને પક્ષના લોકોને સમજાવ્યા બાદ મામલો થાળે પડ્યો હતો. જોકે મોડી રાત્રે એક જૂથના લોકો પરત ફરતાં મામલો ફરી ગરમાયો હતો. જાલોરી ગેટ અને ઇદગાહ વિસ્તારમાં મોડી રાત સુધી ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
અનંતનાગમાં ઈદની નમાજ બાદ સુરક્ષા દળો પર પથ્થરમારો કર્યો હતો.
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આજે સવારે પથ્થરમારાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, અહીં ઈદની નમાજ પછી એક મસ્જિદ બહાર પથ્થરમારો થયો હતો. દેખાવકારોએ સુરક્ષાદળો પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે હાલ પરિસ્થિતિ કાબૂમાં છે.
ખરગોન હિંસાના 22 દિવસ પછી પણ તણાવ
મધ્યપ્રદેશના ખરગોનમાં રમખાણોના 22 દિવસ બાદ કર્ફ્યૂની વચ્ચે તહેવારોની ઉજવણી કરવામાં આવી રહી છે. પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓએ નિર્ણય લીધો છે કે આજે કર્ફ્યૂને હળવો કરવામાં આવશે નહીં. ઈદની નમાજ ઘરે જ થશે. અક્ષય તૃતીયા પર શહેરમાં ક્યાંય પણ જાહેર લગ્ન થશે નહીં તેમજ પરશુરામ જયંતીની શોભાયાત્રા પણ નીકળશે નહીં.
ઈન્ટરનેટ સેવા બંધ
જોધપુર શહેરમાં મોડી રાત્રે પથ્થરમારાની ઘટના બાદ રાત્રે 2 વાગ્યે જિલ્લા કલેક્ટર હિમાંશુ ગુપ્તાએ શહેરમાં ઈન્ટરનેટ સેવા બંધ કરવાનો આદેશ જારી કર્યો હતો. મંગળવારે અનિશ્ચિત સમય માટે ઈન્ટરનેટ સેવા બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે જ સંવેદનશીલ વિસ્તારોમાં અને ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ખરેખરમાં કેટલાક લોકો જાલોરી ગેટ ચારરસ્તા પર ઝંડા અને લાઉડસ્પીકર લગાવી રહ્યા હતા. આ દરમિયાન વીડિયો બનાવી રહેલી એક વ્યક્તિને કેટલાક યુવકોએ માર માર્યો હતો. કેટલાક લોકો તેને બચાવવા માટે આવ્યા તો તેમને પણ માર મારવામાં આવ્યો હતો. આ પછી બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો.
બંને પક્ષ વચ્ચે પથ્થરમારો કરવામાં આવ્યો
બંને પક્ષો વચ્ચે લાંબા સમય સુધી પથ્થરમારો અને હોબાળો ચાલુ રહ્યો હતો. આમાં એક મીડિયા પર્સન સહિત કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. જાલોરી ગેટ ચોકી પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસે એક સમયે 12:30 થી 1 વાગે તેમને ધકેલીને સમજાવીને મામલો શાંત પાડ્યો હતો. પોલીસે સમગ્ર ચોકડી પર બેરિકેડ લગાવી દીધા હતા.
પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા
આ દરમિયાન એક જુથના લોકો જાલોરી ગેટ પાસે ભેગા થયા હતા, જ્યારે બીજુ જુથ ઓક્સફર્ડ સ્કૂલ પાસેના તેના વિસ્તારમાં ગયા હતા. થોડીવાર પછી બે નેતાઓ જાલોરી ગેટ પર આવ્યા અને પોલીસ સાથે વાત કરી, પછી ચાલ્યા ગયા હતા. આના થોડા સમય પછી, 1:15 થી 1:30 વાગ્યે ઓક્સફર્ડ સ્કૂલના રસ્તા પરથી એક ટોળું આવ્યું અને ભારે પથ્થરમારો કર્યો હતો. આ જોઈ જાલોરી ગેટની બાજુમાંથી સામા પક્ષે પણ જવાબી પથ્થરમારો કર્યો હતો. સ્થિતિ વણસતી જોઈને પોલીસે ઓક્સફર્ડ સ્કૂલ તરફ ટીયર ગેસના સેલ છોડ્યા હતા.
DCP-SHO સહિત અનેક ઘાયલ
આ પથ્થરમારામાં ઉદય મંદિરના SHO અમિત સિહાગ અને DCP પૂર્વ ભુવનભૂષણ યાદવ પણ ઘાયલ થયા હતા. પોલીસે ધકેલીને લોકોને તેમના ઘરે મોકલ્યા હતા. આ પછી જાબ્તા ઇદગાહ રોડ અને જાલોરી ગેટ ચોક પર મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરવામાં આવ્યા હતા. જાલોરી ગેટ તરફ જતા અનેક રસ્તાઓ પર બેરિકેડિંગ કરીને બંધ કરવામાં આવ્યા છે. મોડી રાત્રે સુરસાગરના ધારાસભ્ય સૂર્યકાંતા વ્યાસ અને કોર્પોરેશન દક્ષિણનાં મેયર વનિતા સેઠ પણ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં અને બપોરે 2.30 વાગ્યા સુધી પોલીસચોકીની બહાર બેઠા હતા.
ઘટના બાદ સીએમ અશોક ગેહલોતે ટ્વીટ કર્યું હતું કે "જોધપુરના જાલોરી ગેટ પર બે જૂથ વચ્ચે અથડામણને કારણે તણાવ સર્જાવો દુર્ભાગ્ય છે. વહીવટીતંત્રને શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખવા સૂચના આપવામાં આવી છે. જોધપુર, મારવાડની પ્રેમ અને ભાઈચારાની પરંપરાને માન આપીને હું તમામ પક્ષોને શાંતિ જાળવી રાખવાની હૃદયસ્પર્શી અપીલ કરું છું. લોકોએ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદ કરવી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.