• Gujarati News
  • National
  • Cremation Of 9 Couples On A Cheetah; No Stoves Were Set On Fire In Any Of The Houses

શ્રદ્ધાળુઓનાં મોતથી ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યાં 9 ગામ, VIDEO:એક ચિતા પર 9 દંપતીના અગ્નિસંસ્કાર; કોઈ ઘરમાં ચૂલો સળગ્યો નહીં, બેન્ડવાજાં વિના જ જાન લઈ જવાઈ

પન્ના25 દિવસ પહેલાલેખક: સુરેશ મિશ્રા
  • દ્વિવેદી પરિવારની એકસાથે 6 નનામી નીકળતાં જ લોકોની આંખોમાં આંસુ આવી ગયાં હતાં

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા દરમિયાન યમુનોત્રી જવાના માર્ગ પર બસ અકસ્માતમાં 26 શ્રદ્ધાળુનાં મોત થયાં હતાં. આમાં મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાંથી 25 શ્રદ્ધાળુ હતા. મંગળવારે તમામ શ્રદ્ધાળુઓના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. મૃતકોમાં 9 દંપતી હતાં, જેમના એક જ ચિતા પર અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. મૃતકોમાં 8 લોકો સાંટા, 2 પવઇ, 2 સિમરિયા, 1 ચીખલા, 4 મોહન્દ્રા, 2 કુંવરપુર, 2 કોની, 1 કકરહટા, 2 ઉડલા ગામના રહેવાસી હતા.

એકસાથે 6 નનામી નીકળતાં જ દરેકની આંખોમાં આંસુ આવી ગયાં હતાં
સૌથી હૃદયસ્પર્શી દૃશ્ય સિમરિયા વિસ્તારના બુદ્ધસિંહ સાટાનું છે. અહીં 8 લોકોનાં મોતથી શોક છવાયો છે. મંગળવારે સવારે 8 વાગે જેવી જ દ્વિવેદી પરિવારની એકસાથે 6 નનામી નીકળતાં જ દરેકની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. જે બાળકોએ તેમનાં માતા અને ઘરનો આધાર પિતા ગુમાવ્યા છે, તેઓ આઘાતમાં સરી પડ્યાં છે. સાટાના દ્વિવેદી પરિવારનાં ત્રણ દંપતીના પણ અંતિમસંસ્કાર કરાયા હતા. ત્રણેય દંપતીની ચિતાઓ એકસાથે સળગી હતી.

બુદ્ધ સિંહ સાટા ગામના યોગેશ દ્વિવેદીએ જણાવ્યું હતું કે સૌપ્રથમ ગ્રામવાસીઓએ ડૉ. સાહેબ રાજારામ સિંહ, તેમનાં પત્ની ગીતા સિંહને શ્રદ્ધાંજલિ આપીને અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. આ પછી સોનાર બેરમા નદીના સંગમ પાસે દ્વિવેદી પરિવારની 6 નનામી લઈને મુક્તિધામ પહોંચ્યા હતા અને અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. વેદ નારાયણે જણાવ્યું હતું કે 6 લોકો માટે ચાર ચિતા બનાવવામાં આવી હતી. પ્રથમ ચિતામાં દિનેશ પ્રસાદ દ્વિવેદી, પત્ની પ્રભા દ્વિવેદી, બીજી ચિતામાં તેમની માતા, ત્રીજી ચિતામાં પિતરાઈ ભાઈ હરિ નારાયણ દ્વિવેદી, તેમના પત્ની હરિબાઈ, ચોથી ચિતામાં ભાઈ રૂપનારાયણને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.

મોટી આશા સાથે બાળકોએ તેમનાં સ્વજનોને તીર્થયાત્રાએ મોકલ્યાં હતાં. તેમાંનાં કેટલાંકના માતાપિતા હતાં, કેટલાંકનાં મોટા ભાઈ-ભાભી હતાં. તેમને ખબર નહોતી કે આ તેમની છેલ્લી યાત્રા હશે. કોઈ ઉધાર લઈને ગયા હતા તો કોઈ માટે ગામના લોકોએ દાન મેળવ્યું હતું. હવે ચારેય તરફ માત્ર પીડા જ છે, આંસુ અને શોક છવાયો છે...

સોમવારે મોડી સાંજે મૃતદેહોને લવાયા હતા
શ્રદ્ધાળુઓના પાર્થિવદેહ સોમવારે સાંજે લગભગ 7.30 વાગે એરફોર્સના વિમાનમાં ખજૂરાહો એરપોર્ટ લવાયા હતા. પ્રદેશ ભાજપ અધ્યક્ષ વીડી શર્માએ અહીંથી મૃતદેહોને જુદાં-જુદાં વાહનોમાં 9 ગામમાં રવાના કરાવ્યા હતા. આ દુર્ઘટનામાં ઘણા પરિવારોનાં માથાં પરથી વડીલ-વૃદ્ધોનો હાથ છીનવાઈ ગયો છે. તમામ મૃતકો પવઈ વિધાનસભાનાં 9 ગામના રહેવાસી હતા. હવે આ ગામ સૂમસામ થઈ ગયું છે. દરેક ઘરમાં એક દુઃખભરી કહાની છે.

દુઃખના સમયમાં ગામ પણ સાથે...પિતાએ બેન્ડવાજાં વિના જ પુત્રની જાન લઈ જવાઈ
એકસાથે 8 લોકોનાં મોતને કારણે સાટામાં શોકનો માહોલ છવાયો હતો. અહીં ગામનાં મોટા ભાગનાં ઘરોમાં દિવસમાં ચૂલો પણ સળગ્યો ન હતો. ફુલ્લા વર્મનના ઘરે પુત્રની જાનની તૈયારીઓ ચાલી રહી હતી, પરંતુ લગ્ન અંગે ઘરમાં પણ કોઈ ઉત્સાહ દેખાતો નહોતો. બેન્ડવાજાં વિના જ પુત્રની જાન લઈ જવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...