જોર લગાકે હઈશા:બિહારમાં લશ્કરનું એરક્રાફ્ટ તૂટી પડ્યું, લોકોએ સાથે મળી ખભા ઉપર ઉઠાવી એને મુખ્ય માર્ગ સુધી પહોંચાડ્યું; વીડિયો વાઇરલ

ગયા4 મહિનો પહેલા
  • 2 જવાનને ગ્રામજનોએ સુરક્ષિત રીતે બહાર કાઢ્યા

તમે ટ્રેન અને પ્લેનને ધક્કા લગાવવાની વાત સાંભળી હશે અને કહાચ અનુભવ પણ કર્યો હશે, પણ શું તમે ક્યારેય પ્લેનને એક જગ્યાથી અન્ય જગ્યાએ લઈ જતા લોકો જોયા છે. કહાચ નહીં, પણ આજે અમે એક એવી ઘટના અંગે વાત કરી રહ્યા છીએ જે બિહારમાં બની છે. અહીં લોકોએ સૌ સાથે મળી ખભેખભો મિલાવી આર્મીના તૂટી પડેલા પ્લેનને ખેતરમાંથી ઉપાડી બહાર મુખ્ય માર્ગ સુધી લઈ ગયા. સૌએ 'જોર લગાકે હઈશા' બોલ્યા અને ખભા ઉપર ઉઠાવી લીધું અને મુખ્ય માર્ગ સુધી પહોંચાડી દીધું.

વાત જાણે એમ હતી કે લશ્કરનું એક માઈક્રોલાઈટ એરક્રાફ્ટ શુક્રવારે બોધ ગયામાં તૂટી પડ્યું હતું. નજીક આવેલા બિગહા ગામના એક ખેતરમાં એ તૂટી પડ્યું હતું. એને લીધે એરક્રાફ્ટના એક વ્હીલને નુકસાન થયું હતું. આ પ્લેન ટેક્નિકલ ખામીને લીધે તૂટી પડ્યું હતું. સદનસીબે તેમાં સવારી કરી રહેલા 2 જવાનોને સ્થાનિક ગ્રામીણોએ સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા. ત્યાર બાદ સૌ સાથે મળી આ એરક્રાફ્ટને માર્ગ સુધી લઈ ગયા હતા.

આ અગાઉ એરક્રાફ્ટ જમીન પર પડતાંની સાથે જ મોટી સંખ્યામાં લોકો ત્યાં એકત્રિત થઈ ગયા હતા. માહિતી મળતાં લશ્કરના જવાનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એક કલાકમાં જ એરક્રાફ્ટના તમામ પાર્ટ્સને ખોલી લેવામાં આવ્યા. આ પ્લેન તાલીમ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એરક્રાફ્ટની ડિઝાઈન એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે કોઈ દુર્ઘટનાની સ્થિતિમાં જાનહાનિ સર્જાય નહીં.

ફસાયેલા જવાનને ગ્રામીણોએ બચાવ્યો
માઈક્રોલાઈટ એરક્રાફ્ટને ઓછી ઊંચાઈ પર તાલીમ આપવામાં આવે છે. દુર્ઘટના બાદ એરક્રાફ્ટ નજીક મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા. ગ્રામીણો માટે આ મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો હતો. અન્ય ગામના લોકો પણ અહીં પહોંચ્યા હતા. નજીક જતાં જાણવા મળ્યું કે તેમાં બે લોકો ફસાયા છે. આ સંજોગોમાં સ્થાનિક લોકોએ બન્નેને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. એક સ્થાનિક વ્યક્તિ વાસુદેવ પાસવાને કહ્યું હતું કે ગામની અંદર આ ઘટના બની હોય તો જાનહાનિ થઈ શકી હોત.