ઉત્તરાખંડમાં ચમોલી જિલ્લાના જોશમીઠ શહેરમાં શુક્રવારે રાતે ભૂગર્ભમાં હિલચાલ અચાનક વધી ગઈ. તિરાડોએ દિશા બદલી અને ધસી રહેલા વિસ્તારોની નીચેથી રાતે બિહામણા અવાજ આવી રહ્યા હતા. આવો જ અવાજ 7 ફેબ્રુઆરી 2021ના રોજ રૈણીમાં આપત્તિ પછી પૂરના વેગથી આવતો હતો. તેના પછી વિષ્ણુગાડ પાવર પ્રોજેક્ટની ટનલ બંધ કરાઈ.
જોશીમઠમાં જમીન, દીવાલો ફાટવા અને ઠેર ઠેર જળસ્ત્રોત ફાટવાની ઘટનાઓને લોકો આ આપત્તિ અને પ્રોજેક્ટ સાથે સાંકળી રહ્યા છે. સરકારથી અલગ મોટા ભાગના નિષ્ણાતોનો અભિપ્રાય અને અગાઉ રચાયેલી સમિતિઓનો રિપોર્ટ એકબીજા સાથે મેળ ખાય છે. ભાસ્કરે રૈણી ગામથી લઇને જોશીમઠ સુધી ગ્રાઉન્ડ ઝીરો પર સ્થિતિનું આકલન કર્યું હતું.
ગેટ વે ઓફ હિમાલય કહેવાતા જોશીમઠથી ફક્ત 20 કિ.મી. દૂર વસેલા રૈણી ગામથી પહેલાં તપોવનમાં એનટીપીસી હાઈડ્રો પાવરની આ વિવાદિત ટનલ શરૂ થાય છે. 7 ફેબ્રુઆરી 2021ના રોજ ગ્લેશિયર તૂટ્યા બાદ ધૌળી ગંગા અને ઋષિ ગંગા નદીઓમાં આવેલું વિકરાળ પૂરનું પાણી અહીંથી ટનલમાં ઘૂસ્યું હતું. ભારે બોલ્ડરો તથા કાટમાળે તેના મુખને સીલ કરી દીધું હતું. આ નદીઓનું સંગમ રૈણીમાં થાય છે જે જોશીમઠથી ફક્ત 3 કિ.મી. દૂર છે.
આ અલકનંદાના એક તટ પર વસેલું છે તિબેટ-ચીન સરહદે જોડાયેલું જોશીમઠ શહેર જ્યાં વિવાદિત ટનલનો બીજો છેડો અલકનંદામાં ખૂલશે તે પ્રસ્તાવિત છે પણ આપત્તિ અને ટેક્નિકલ અવરોધો વચ્ચે ટનલમાં શુક્રવાર સુધી કામ ચાલુ હતું. તેમાં લીકેજને લીધે પાણી અલકનંદામાં પડી રહ્યું છે. જેવી સ્થિતિ આજે જોશીમઠમાં છે એવી જ 2007માં તેની ઠીક સામે અલકનંદાના બીજા છેડે હિમાલચના શિખર નીચે વસેલા ચાઈ ગામમાં હતી. સ્થાનિકો કહે છે કે ત્યારે ત્યાં વિષ્ણુપ્રયાગ હાઈડ્રો પાવર પ્રોજેક્ટની ટનલ બનાવાઈ રહી હતી અને આખું ગામ બેસી ગયું હતું.
જોશીમઠના લોકો હવે દિવસ-રાત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. અમુક લોકો તો ઘર છોડી સંબંધીઓને ત્યાં પહોંચી ગયા છે, તો અમુક ભાડાના મકાનોમાં. બાકીને તંત્ર બળજબરીથી રાહત કેમ્પોમાં મોકલવાની તૈયારી કરી રહ્યું છે. શુક્રવારે રાતે અમુક મકાનોમાં નવી તિરાડો પડી હતી. પહેલા અલકનંદાના વહેણની ક્રોસ દિશામાં તિરાડો પડી હતી પણ નવી તિરાડો વેગથી વિપરીત દિશામાં પડી છે.સિંહદાર, સ્વીં બેલાપુર, રવિગ્રામ, ખોન, ગાંધીનગર, સુનીલ ગામ, જ્યોતિર્મઠ અને નોગ વાર્ડોના લોકો ખુલ્લા આકાશ હેઠળ તાપણું સળગાવી રાત વીતાવી રહ્યા છે. દીવાલો નમી જતા ઈમારતોની છતોને વાંસ વડે ટેકો અપાયો છે. જમીન નીચે પાણીની સાથે પથ્થરોના ગગડવાના અવાજોએ લોકોની ઊંઘ જ છીનવી લીધી છે. જેપી કોલોનીના બેડમિન્ટન હોલનો ફ્લોર તિરાડો પડવાથી ધસી ગયો છે.
મારવાડી વોર્ડમાં સ્થિત જેપી કંપનીની રહેણાક કોલોનીના અનેક મકાનોમાં તિરાડો પડી ગઈ છે. કોલોનીની પાછળ પર્વત પરથી રાતે અચાનક કાદવયુક્ત પાણીનું લીકેજ શરૂ થઇ ગયું હતું. તિરાડથી કોલોનીનો એક હિસ્સો ધસી ગયો હતો. જોશીમઠ બચાવો સંઘર્ષ સમિતિના અધ્યક્ષ અતુલ સતી કહે છે કે લીક થતાં પાણીનો રંગ અને ગંધ રૈણી આપત્તિમાં વહીને આવેલા પાણી અને કાટમાળ જેવા જ છે. તેની તપાસ કરાવાતા જાણી શકાશે કે તેનું કનેક્શન ટનલ સાથે છે.
તાલુકાની રહેણાક ઈમારતોમાં પણ હળવી તિરાડો પડી ગઈ છે. જમીન ધસવાથી જ્યોતિશ્વર મંદિર અને મંદિર પરિસરમાં પહેલાં તિરાડો પડી અને પછી મંદિર ધસી ગયું. સિંહધાર વૉર્ડમાં બહુમાળી હોટલ માઉન્ટ વ્યૂ અને મલારી ઈન જમીન ધસવાથી આડી થઈ ગઈ. સ્થાનિકો કહે છે કે રાતે 10 વાગ્યે હોટલની દીવાલોમાં તિરાડો પડવાનો અવાજ શરૂ થઈ ગયો હતો જેના લીધે ત્યાં રહેતા 5 પરિવારો ડરી ગયા હતા.
ચિંતા : હાઈવે, આઈટીબીપી કેમ્પમાં તિરાડો, દેશની સુરક્ષા પણ જોખમાઈ શકે છે
ચીન સરહદે આવેલા ઉત્તરાખંડના છેલ્લા ગામ મીણા તરફ જતો હાઈવે અને આઈટીબીપી કેમ્પની બહાર પણ રોડ પર પહોળી તિરાડો પડી ગઈ છે. આ વિસ્તાર વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ છે. અહીંથી ભારત-તિબેટ સરહદ(ચીનના અધિકાર ક્ષેત્ર)થી 100 કિ.મી. દૂર છે. હેમકુંડ સાહિબ, ઔલી, ફૂલોની ઘાટી વગેરે જગ્યાએ જવા માટે યાત્રીઓએ જોશીમઠથી પસાર થવું પડે છે. તે 6150 ફૂટની ઊંચાઈએ આવેલું છે જે બદ્રીનાથનું પ્રવેશદ્વાર પણ છે. નિષ્ણાતો કહે છે કે જમીન ધસવાથી દેશની સુરક્ષા જોખમાઈ શકે છે કેમ કે અહીં સૈન્યનું બ્રિગેડ હેડક્વાર્ટર આવેલું છે.
એલર્ટ : જોશીમઠને ડેન્ઝર ઝોન જાહેર કરાયું, ડીએમએ કહ્યું - સ્થિતિ અત્યંત ગંભીર
ઉત્તરાખંડ સરકારે જોશીમઠને ડેન્જર ઝોન જાહેર કર્યું છે. સીએમ પુષ્કરસિંહ ધામીએ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી અને તાલુકા પરિસરમાં આંદોલન કરનારા પીડિતોને પુનર્વાસનો વિશ્વાસ અપાવ્યો હતો. એનડીઆરએફ અને એસડીઆરએફને એલર્ટ પર રખાયા છે. ગઢવાલ કમિશનર સુશીલ કુમારે ભાસ્કરને જણાવ્યું કે જોશીમઠમાં સ્થિતિ અત્યંત ગંભીર છે. બચાવવા માટે ઝડપી કામ કરવાની જરૂર છે. તેમણે જીએસઆઈ, વાડિયા ઈન્સ્ટિટ્યૂટ, એનઆઈટી, આઈઆઈટી, એનડીઆરએફ સાથે જોડાયેલા એક્સપર્ટ્સ સાથે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.