કુદરતનો પ્રકોપ:જોશીમઠમાં મકાનોમાં તિરાડો, પાણી ઝરે છે, વિરોધ વધતા બે પ્રોજેક્ટ બંધ

જોશીમઠએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ધાર્મિક, વ્યૂહાત્મક અને પર્યાવરણની દૃષ્ટિએ મહત્ત્વની ભારત-ચીન સરહદે આવેલા દેશના છેલ્લા શહેર જોશીમઠનું અસ્તિત્વ પણ હવે ખતરામાં છે. અલકનંદા નદી તરફ ખસી રહેલા આ શહેરની જમીન ધસી જવાના કારણે 561 મકાનોમાં તિરાડ પડી ગઇ છે.

હવે તો આ દીવાલોમાંથી પાણી પણ પડી રહ્યું છે. એટલે અહીંથી અનેક લોકોએ મકાનો ખાલી કરવા પડ્યાં છે. આ કારણસર ભારતીય સૈન્યના ગઢવાલ સ્કાઉટ્સ અને ભારત-તિબેટ બોર્ડર પોલીસની બટાલિયન પણ પરેશાન છે. ભૂગર્ભ વિજ્ઞાનીઓ કહે છે કે આ ખતરો ગંભીર છે. યોગ્ય પગલાં નહીં લેવાય તો કુદરતી આફત આવી શકે છે. જોશીમઠનું અસ્તિત્વ પણ જોખમાઇ શકે છે.

તેથી ગભરાયેલા લોકો ચક્કાજામ કરીને વિરોધ કરી રહ્યા છે. ત્યાર પછી સરકારે એનટીપીસી તપોવન વિષ્ણુગાડ જળવિદ્યુત પરિયોજના અને જોશીમઠ બાયપાસનું કામ પણ બંધ કરી દીધું છે. રાજ્ય સરકારે ગુરુવારે બે હજાર ફેબ્રિકેટેડ હાઉસ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. આ ઉપરાંત 30 સૌથી વધુ પ્રભાવિત પરિવારોને શિફ્ટ પણ કરી દેવાયા છે.

શહેર નીચે 16 કિ.મી. લાંબી સુરંગ મુખ્ય કારણ
ફેબ્રુઆરી 2021માં તપોવન જળવિદ્યુત પરિયોજનામાં પૂરથી ઘણું નુકસાન થયું હતું. ત્યાર પછી જમીન ધસવાનું વધી ગયું. આ જ બંધ પરિયોજનાની 16 કિ.મી. લાંબી સુરંગ જોશીમઠ નીચેથી પસાર થાય છે. તે હેલંગ ઘાટીમાં અલકનંદા નદીમાં ખૂલે છે. ગયા વર્ષે રૈણી નદીમાં પૂર આવતા સુરંગમાં કાટમાળ ભરાઇ ગયો હોત. અનેક મજૂરો પણ માર્યા ગયા હતા. હવે આ સુરંગ બંધ છે. આશંકા છે કે આ સુરંગના કારણે જમીન ધસવાની પ્રક્રિયા વધી છે. બાયપાસની એક સુરંગ પણ જોશીમઠ નીચેથી નીકળી રહી છે.

જોશીમઠ મોરેન પર વસેલું છે, સમયાંતરે ખસકશે
જોશીમઠ મોરેન ઉપર વસેલું નગર છે. મોરેન એ જગ્યા હોય છે જ્યાં ગ્લેશિયર હોય છે. ગ્લેશિયર ઉપર લાખો ટન માટી અને ખડકો પણ હોય છે. લાખો વર્ષોની પ્રક્રિયા પછી ગ્લેશિયરનો બરફ પીગળે છે અને ગ્લેશિયર પાછળ તરફ ખસકી જાય છે પણ માટી પર્વત તરીકે અસ્તિત્વમાં આવે છે. એ જ પહાડને મોરેન કહેવાય છે. આ મોરેન પર જોશીમઠ વસેલું છે, જેના કારણે સમયાંતરે તે ખસકવા લાગશે. આ પ્રોજેક્ટને લીધે તેની ઝડપ વધી છે. સરકારે લોકો ગંભીરતાથી લોકોને વિસ્થાપિત કરવા અંગે વિચારવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...