• Gujarati News
  • National
  • Covide 19 Omicron Third Wave In India Pic In January Delhi Mumbai IIT Kanpur AIIMS Expert

રોજ આવશે 4થી 8 લાખ કેસ:ઓમિક્રોનને સામાન્ય વેરિયન્ટ સમજવાની ભૂલ ન કરવી, હોસ્પિટલમાં બેડ ખૂટી પડશે: IIT-AIIMS

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે, એમાં અમુક કેસ કોરોના વાઇરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનના પણ સામેલ છે. પહેલાં એવું લાગતું હતું કે ઓમિક્રોનનાં લક્ષણ બહુ સામાન્ય છે અને એ જીવલેણ નથી, તેથી લોકોમાં પણ ચિંતા ઓછી હતી, પરંતુ હવે કેન્દ્ર સરકાર અને જે રાજ્યોમાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને જે નવી ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે એને કારણે લોકોને પણ હવે કોરોનાના વધતા કેસો અને ઓમિક્રોનની ગંભીરતા સમજાઈ છે. AIIMSના એક્સપર્ટ ડોક્ટરે પણ ઓમિક્રોનને સામાન્ય ના ગણવાની ચેતવણી આપી છે. જ્યારે IIT કાનપુરના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે પણ કહ્યું હતું કે દેશમાં રોજના 4થી 8 લાખ કેસ પણ આવી શકે છે, તેથી લોકોએ સતર્ક રહેવું જરૂરી છે. તો આવો, જાણીએ આ એક્સપર્ટસે બીજી શું ચેતવણી આપી છે...

કાનપુર IITના પ્રોફેસર ડૉ. મનિન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે ભારતમાં આગામી દિવસોમાં રોજના 4થી 8 લાખ કોરોનાના કેસ નોંધાઈ શકે છે. તેમણે દાવો કર્યો છે કે હોસ્પિટલમાં સારવાર દરમિયાન બેડની અછત પણ સર્જાઈ શકે છે, તેથી યોગ્ય વ્યવસ્થા ઊભી કરવાની જરૂર છે. પીક દરમિયાન દોઢ લાખ બેડની અછત સર્જાઈ શકે છે.

પ્રોફેસર અગ્રવાલે જણાવ્યું હતું કે એમિક્રોનમાં સાઉથ આફ્રિકાના પહેલાંના ડેટા પર આધારિત અંદાજ અને હવેના અંદાજમાં અંતર છે. સાઉથ આફ્રિકાના ડેટા ભારત કરતાં અલગ છે. સમય જતાં ઓમિક્રોનનાં લક્ષણોમાં વધારે સ્પષ્ટતા આવી છે. ભારત માટે ભવિષ્યવાણી કરવી વધારે મુશ્કેલ છે. અમારો અંદાજ છે કે જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં અથવા ફેબ્રુઆરીની શરૂઆતમાં ત્રીજી લહેરની પીક આવી શકે છે. આ દરમિયાન રોજના 4થી 8 લાખ કેસ આવશે એવી શક્યતા છે.

15 જાન્યુઆરીની આસપાસ દિલ્હીમાં ત્રીજી લહેરની પીક આવશે
પ્રોફેસર અગ્રવાલે કહ્યું હતું કે દિલ્હીની સ્થિતિ બહુ સારી નથી. અહીં 15 જાન્યુઆરીની આસપાસ ત્રીજી લહેરની પીક આવી શકે છે. આ દરમિયાન અહીં રોજના 35થી 70 હજાર કેસ નોંધાઈ શકે છે. એ ઉપરાંત પીક દરમિયાન હોસ્પિટલોમાં સરેરાશ 12 હજાર બેડની જરૂર પડશે. ત્રીજી લહેરની પીક દરમિયાન મુંબઈમાં રોજના 30થી 60 હજાર કોરોનાના નવા કેસ સામે આવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે મુંબઈમાં હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા ઓછી છે, તેથી તેવો અંદાજ રાખવામાં આવે છે કે આ દરમિયાન હોસ્પિટલોમાં સરેરાશ 10 હજાર બેડની જરૂર પડશે.

સૌથી ખરાબ સ્થિતિ સર્જાઈ શકે છે: એમ્સ
એઇમ્સમાં ન્યૂરોસર્જરીના પ્રોફેસર ડૉ. પીએસ ચંદ્રાએ કહ્યું હતું કે ઓમિક્રોનને સામાન્ય વેરિયન્ટ સમજવાની ભૂલ ના કરવી જોઈએ, કારણ કે જે પ્રમાણે સમગ્ર દેશમાં કેસ વધી રહ્યા છે એને ધ્યાનમાં રાખીને આપણે સૌથી ખરાબ સ્થિતિ સર્જાશે એ માટે માનસિક તૈયાર રહેવું જોઈએ,
ડૉ. ચંદ્રાએ કહ્યું હતું કે આપણે અન્ય દેશોની સ્થિતિને જોતાં એવું માની શકીએ છીએ કે ટૂંક સમયમાં જ કોરોનાના કેસમાં પણ ઘટાડો થશે. આફ્રિકા અને સાઉથ આફ્રિકામાં જોવા મળ્યું છે કે એક લેવલ પર કેસ વધ્યા પછી હવે એમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ આપણે સતર્ક રહેવાની જરૂર છે, કારણે કે ઓમિક્રોન ખૂબ ઝડપથી ફેલાતો વેરિયન્ટ છે, તેથી સુરક્ષા માટે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું ખૂબ જરૂરી છે.

વધી રહી છે હર્ડ ઈમ્યુનિટી- એક્સપર્ટ
ગઈ વખતની જેમ આ વખતે કેસ વધવા છતાં લોકોમાં ચિંતા ઓછી છે, કારણ કે મોટા ભાગના લોકો એવા છે, જેમનામાં કોરોનાનાં લક્ષણો દેખાતાં નથી અથવા પછી એ ખૂબ સામાન્ય છે. આ વિશે એઇમ્સના એક્સપર્ટે કહ્યું હતું કે દેશની આ સ્થિતિ દર્શાવે છે કે આપણે હર્ડ ઈમ્યુનિટી તરફ આગળ વધી રહ્યા છે. લોકોમાં તૈયાર થયેલી હર્ડ ઈમ્યુનિટી જ આ વાઇરસ સામે લડવાનું કામ કરી રહી છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે ભલે વધારે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી પડતી, પરંતુ વાઇરસ ઝડપથી ફેલાય છે અને મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થાય છે તો દેશની જેટલી વસતિને તેના 1 ટકા લોકોને પણ હોસ્પિટલમાં દાખલ થવું પડે તોપણ હોસ્પિટલના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર દબાણ વધી શકે છે, તેથી સંક્રમણ ઓછામાં ઓછું ફેલાય તેવા પ્રયત્નો કરવા પડશે.

અન્ય સમાચારો પણ છે...