રિયલ વર્લ્ડ આકલન:કોરોનાથી બચવા કોવેક્સિન માત્ર 50% કારગર, એઇમ્સનો અભ્યાસ

નવી દિલ્હી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એઈમ્સના 2714 સ્વાસ્થ્યકર્મી પર બીજી લહેરમાં કરાયેલો અભ્યાસ

કોવેક્સિનના બે ડોઝ ગંભીર લક્ષણવાળા કોરોનાથી બચાવવામાં 50% કારગત છે. ભારત બાયોટેક દ્વારા વિકસિત વેક્સિનની કાર્યક્ષમતાના પ્રથમ રિયલ વર્લ્ડ આકલનના પરિણામ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય જર્નલ લેન્સેટમાં પ્રકાશિત કરાયા હતા. આ આકલન દેશમાં કોરોનાની બીજી લહેરના પીક દરમિયાન(15 એપ્રિલથી 15 મે વચ્ચે) દિલ્હી એઈમ્સમાં કાર્યરત 2714 સ્વાસ્થ્યકર્મીઓ પર કરાયેલા અભ્યાસના આધારે કરાયું છે.

અભ્યાસમાં સામેલ દિલ્હી એઈમ્સમાં મેડિસિનના પ્રોફેસર ડૉ. મનીષ સોનેજા અનુસાર સ્ટડી માટે પસંદ કરાયેલા તમામ 2714 સ્વાસ્થ્યકર્મીઓમાં કોરોનાના લક્ષણ હતા. તમામનો આરટીપીસીઆર ટેસ્ટ કરાયો હતો જેમાં 1617 સ્વાસ્થ્યકર્મીઓ સંક્રમિત મળ્યા હતા.ખરેખર દેશમાં 16 જાન્યુઆરી 2021ના રોજ શરૂ કરાયેલ કોરોના વેક્સિનેશન અભિયાનમાં સૌથી પહેલા સ્વાસ્થ્યકર્મીઓને વેક્સિન ડૉઝ અપાયા હતા.

એઈમ્સે તેના તમામ 23 હજાર કર્મચારીઓને કોવેક્સિન જ આપી હતી એટલે કે ટેસ્ટમાં સામેલ તમામ સ્વાસ્થ્યકર્મીઓને કોવેક્સિનના બે ડોઝ આરટી-પીસીઆર ટેસ્ટથી ઓછામાં ઓછા 14 દિવસ પહેલા આપી દેવાયા હતા. પ્રથમ ટેસ્ટ બાદ 7 દિવસ ફોલોઅપ પીરિયડમાં પણ કોવેક્સિનની અસર 50 ટકા રહી. ડૉ. સોનેજાએ કહ્યું કે અમારો અભ્યાસ ફરી એકવાર સાબિત કરે છે કે કોરોના વિરુદ્ધ જલદીથી જલદી વેક્સિનેશન જ આ મહામારીને કાબુમાં લેવાનો સૌથી કારગત ઉપાય છે.

સંક્રમણનું વધુ જોખમ ધરાવતા હેલ્થવર્કર પર અભ્યાસ હોવાથી રસીની અસર ઓછી હોઈ શકે: નિષ્ણાતો
રિસર્ચરોએ સ્વીકાર્યું કે કોવેક્સિનની ત્રીજા તબક્કાની ટ્રાયલના પરિણામોમાં વેક્સિન 77.8% અસરદાર સાબિત થઇ હતી પણ તેના પરિણામ તેનાથી અલગ છે. જોકે રિસર્ચરો મુજબ તેના અનેક કારણ છે. પ્રથમ આ અભ્યાસ સામાન્ય પ્રજા પર નહીં, સ્વાસ્થ્યકર્મીઓ પર કરાયો છે જેમના પર સંક્રમણનું જોખમ વધુ રહે છે. બીજું- અભ્યાસ કોરોનાની બીજી લહેરના પીક દરમિયાન કરાયો હતો જ્યારે ટેસ્ટ પોઝિટિવિટી રેટ પહેલાથી વધુ હતો. ત્રીજું - રિસર્ચ દરમિયાન કોરોનાના ડેલ્ટા સહિત અનેક વેરિયન્ટ્સ ઓફ કન્સર્ન ફેલાયેલા હતા જે કોઈપણ વેક્સિનની અસરને ઘટાડી શકે તેવા છે.

અન્ય સમાચારો પણ છે...