હાથરસ ગેંગરેપકાંડમાં ગુરુવારે અઢી વર્ષ પછી SC-ST કોર્ટે ચૂકાદો આપ્યો છે. કોર્ટે 4 આરોપીઓમાંથી માત્ર એક સંદીપ ઠાકુરને દોષી માન્યો છે. જ્યારે 3 આરોપીઓ લવકુશ સિંહ, રામૂ સિંહ અને રવિ સિંહને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટે સંદીપને બિન ઈરાદાપૂર્વક હત્યા(કલમ-304) અને SC/ST એક્ટમાં દોષી માન્યો છે. સંદીપને કોર્ટે આજીવન કેદની સજા આપી છે.
4 આરોપીઓમાંથી કોઈ ઉપર ગેંગરેપનો આરોપ સાબિત થયો નથી. જ્યારે પીડિત પક્ષના વકીલે કહ્યું છે, તે કોર્ટના ચૂકાદા વિરુદ્ધ હાઇકોર્ટ જશે. આ પહેલા ગુરુવાર સવારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટની બહાર મોટા પ્રમાણમાં સુરક્ષાબળ તહેનાત કરવામાં આવ્યા હતા.
અઢી વર્ષ પહેલા થયો હતો હાથરસકાંડ
કેસ હાથરસના ચંદપા વિસ્તારના એક ગામનો છે. 14 સપ્ટેમ્બર 2020એ દલિત યુવતી સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો હતો. આરોપ ગામના જ ચાર યુવક પર લાગ્યા હતા. પીડિતાની જીભ કાપી નાખવામાં આવી હતી. યુવતીના ભાઈએ ગામના સંદીપ ઠાકુર વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ત્યાર પછી યુવતીના નિવેદનના આધારે 26 સપ્ટેમ્બરએ ત્રણ લવકુશ, રામ સિંહ અને રવિ સિંહને આરોપી બનાવવામાં આવ્યા. ચારેય આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
29 સપ્ટેમ્બરે યુવતીએ દિલ્હીમાં દમ તોડ્યો હતો
યુવતીને ગંભીર હાલતમાં બાગલા જિલ્લામાં હોસ્પિટલ લઈ જવામાં આવી. ત્યાર પછી તેને અલીગઢના જેએન મેડિકલ કોલેજમાં ભરતી કરવામાં આવી હતી. તેને 28 સપ્ટેમ્બરે દિલ્હીના સફદરગંજ હોસ્પિટલમાં લઈ જવામાં આવી. જ્યાં 29 સપ્ટેમ્બરે સારવાર દરમિયાન તેનું મોત થયું. જ્યારે મૃતદેહ હાથરસ લાવવામાં આવ્યો, ત્યારે પોલીસે પરિવારને જાણ કર્યા વગર તેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા.
ઘટનાના ફોટા અને વીડિયો વાઇરલ થયા ત્યારે ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન શરૂ થયા. ઘટના મોટી થતા એસપી અને સીઓ સહિત પાંચ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યાર પછી 11 ઓક્ટોબરે ઘટનાની તપાસ CBIને સોંપવામાં આવી.
રાજ્ય સરકારની ભલામણ પછી CBIએ કેસ ટેકઓવર કર્યો. CBIએ આ મામલે 104 લોકોને સાક્ષી બનાવ્યા. આમાંથી 35 લોકોની જુબાની લેવામાં આવી હતી. 67 દિવસની તપાસ પછી CBIએ 18 સપ્ટેમ્બર 2020એ ચારેય આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી.
સાક્ષીઓની જુબાનીથી ગેંગરેપની પુષ્ટિ નહીં-વકીલ
આરોપી પક્ષના વકીલ મુન્ના સિંહ પુંઢીરે કહ્યું, 'રવિ સિંહ, રામુ સિંહ, લવકુશ સિંહને નિર્દોષ માનીને મુક્ત કરવામાં આવ્યા છે. સંદીપને આજીવન કેદની સજા થઈ છે. સાથે જ 50 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. એવો કોઈ સાક્ષી નથી જેનાથી પુષ્ટિ થઈ શકે કે ગેંગરેપ થયો હોય.'
સીમા કુશવાહાએ કહ્યું, "અઢી વર્ષ પછી પણ પીડિતાના પરિવારે તેમની પુત્રીની અસ્થીઓને સાચવી રાખી છે. તેઓ કહે છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ અસ્થીઓને વિસર્જન કરશે નહીં. પરિવાર માટે 25 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરવામાં આવી છે. જુનિયર આસિસ્ટન્ટની પોસ્ટ પર પરિવારના એક સભ્યને નોકરી અને હાથરસ શહેરમાં જ મકાન ફાળવવાની જાહેરાત પણ કરવામાં આવી હતી, પરંતુ આ વચનો આજદિન સુધી પૂરા થયા નથી.
CBIએ ચાર્જશીટમાં કહ્યું હતું-ગેંગરેપ પછી હત્યા થઈ
CBIએ 11 ઓક્ટોબરે હાથરસ કેસની તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પીડિતાના સંબંધીઓ અને આરોપીઓ સહિત 50થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચનાર પ્રથમ વ્યક્તિ હોવાનો દાવો કરનાર પ્રત્યક્ષદર્શીની પણ ઘણી વખત પૂછપરછ કરવામાં આવી હતી. ક્રાઈમ સીન રી-ક્રિએશનની સાથે ક્રાઈમ સીનનો નકશો પણ બનાવવામાં આવ્યો હતો.
આ પછી, સીબીઆઈએ આ કેસમાં ચાર આરોપીઓ વિરુદ્ધ કલમ 325-એસસી/એસટી એક્ટ, 302 (હત્યા), 354 (બળાત્કારના ઈરાદાથી મહિલા પર હુમલો), 376 A અને 376 D (બળાત્કાર) હેઠળ કેસ નોંધ્યો. આરોપો ઘડવામાં આવ્યા હતા. સીબીઆઈએ મૃત્યુ પહેલા પીડિતાના છેલ્લા નિવેદનના આધારે 22 સપ્ટેમ્બરે 2000 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે હત્યા કરતા પહેલા ચારેય આરોપીઓએ પીડિતા પર સામૂહિક બળાત્કાર કર્યો હતો. જોકે, કોર્ટમાં ગેંગરેપ અને હત્યાની પુષ્ટિ થઈ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.