પઠાણકોટ એરબેઝ પર થયેલા આતંકવાદી હુમલામાં સ્થાનિક પોલીસ અધિકારીઓ સામેલ હતા. આ ભ્રષ્ટ અધિકારીઓએ હુમલા પહેલાં એરબેઝની રેકી કરી હતી. તેમાંથી એકે નિર્જન રહેતા માર્ગની ઓળખ કરી હતી, જેનો ઉપયોગ હુમલાખોરો દ્વારા દારૂગોળો, ગ્રેનેડ, મોર્ટાર અને એકે -47 રાઇફલ લઇ જવા માટે કરવામાં આવ્યો હતો. આ દાવો બે બ્રિટિશ પત્રકારો એડ્રિયન લેવી અને કેથી સ્કોટ ક્લાર્કે તેમના પુસ્તક 'સ્પાય સ્ટોરીઝ: ઇન્સાઇડ ધ સિક્રેટ વર્લ્ડ ઓફ ધ રો એન્ડ ધ ISI'માં કર્યો છે.
ભારતીય સેનાની વર્દીમાં આવ્યા હતા હથિયારબંધ આતંકવાદીઓ
એરબેઝ પર હુમલો 2 જાન્યુઆરી 2016ના રોજ થયો હતો. તેઓ ભારતીય સેનાની વર્દીમાં આવેલા હથિયારબંધ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. તે બધા ભારત-પાકિસ્તાન સરહદ પર રાવી નદીના રસ્તા દ્વારા આવ્યા હતા. ભારતીય વિસ્તારમાં પહોંચતા જ આતંકવાદીઓએ કેટલાંક વાહનોને હાઇજેક કર્યાં અને પઠાણકોટ એરબેઝ તરફ આગળ વધ્યા હતા.
એના કેમ્પસની દીવાલ કૂદીને, ઊંચા ઘાસમાંથી પસાર થતા તેઓ તે જગ્યાએ પહોંચ્યા હતા, જ્યાં સૈનિકો રહેતા હતા. અહીં તેમનો પ્રથમ સામનો સૈનિકો સામે થયો હતો. ફાયરિંગમાં ચાર હુમલાખોરો માર્યા ગયા હતા અને ત્રણ જવાન શહીદ થયા હતા. બીજા દિવસે IED બ્લાસ્ટમાં વધુ ચાર ભારતીય સૈનિકો શહીદ થયા. સુરક્ષાદળોને પરિસ્થિતિ સંપૂર્ણપણે તેમના નિયંત્રણમાં છે એની ખાતરી કરવામાં ત્રણ દિવસ લાગ્યા હતા.
સૂચના આપવા છતાં વધારવામાં આવી ન હતી સુરક્ષા
પોલીસ અધિકારી ડગલે ને પગલે આતંકીઓની સાથે રહ્યા હતા
પઠાણકોટ હુમલા માટે ભારતમાં જ 350 કિલો એક્સપ્લોસિવ ખરીદવામાં આવ્યું હતું. આ માટે જૈશ-એ-મોહમ્મદે ચુકવણી કરી હતી. એને આતંકીઓ સુધી પહોંચાડનારા તેમનું ભારત આવવા માટે રાહ જોઈ રહ્યા હતા. પુસ્તક અનુસાર, સ્થાનિક પોલીસ અધિકારીઓ સહિત આતંકવાદીઓના ભારતીય સહયોગીઓને એરબેઝની રેકી કર્યાની આશંકા હતી.
આમાંના એક પોલીસ અધિકારીએ એવા વિસ્તારની શોધ કરી, જ્યાં સુરક્ષાનાં પગલાં નબળાં હતાં. ફ્લડલાઇટ ઘણી ઓછી હતી અને સીસીટીવી કેમેરાનું કોઈ કવરેજ નહોતું. મોનિટર કરવા માટે કોઈ સાધનો નહોતાં. કેમ્પસની બાજુમાં એક મોટું વૃક્ષ હતું. લેખિત અહેવાલમાં એની ખતરા તરીકેની ઓળખ કરવામાં આવી હતી.
એરબેઝની તપાસ કરી રહેલા ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીએ લેખકોને જણાવ્યું હતું કે આતંકવાદીઓને ટેકો આપનારા પોલીસ અધિકારીઓ અથવા તેમના એક મદદગારે દીવાલ પરથી કૂદીને બીજી બાજુ દોરડું ફેંક્યું હતું. એના દ્વારા આતંકવાદીઓ 50 કિલો દારૂગોળો, 30 કિલો ગ્રેનેડ, મોર્ટાર અને એકે -47 રાઇફલ સાથે અંદર પ્રવેશ્યા હતા.
સૌથી લાંબું ચાલ્યું હતું ઓપરેશન
એરબેઝમાં ઘૂસેલા આતંકવાદીઓએ 2 જાન્યુઆરીએ બપોરે 3 વાગ્યે હુમલો કર્યો હતો. બીજી સાંજ સુધીમાં NSGના જવાનોએ 4 આતંકવાદીને ઠાર કર્યા હતા. બાકીના 2 આતંકવાદી વચ્ચે-વચ્ચે ફાયરિંગ કરતા રહ્યા હતા. NSGએ 5 જાન્યુઆરીએ કામગીરી સમાપ્ત કરવાની માહિતી આપી હતી. ઓપરેશન 4 દિવસ અને 3 રાત ચાલ્યું હતું. મુંબઈ હુમલામાં પણ NSGને એટલો સમય લાગ્યો ન હતો.
મનોહર પર્રિકર, જે હુમલા સમયે સંરક્ષણમંત્રી હતા ત્યારે તેમણે ખુદ એરબેઝ પર પહોંચીને ઓપરેશન પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી. સમગ્ર ઓપરેશનમાં 300 NSG કમાન્ડો તહેનાત કરવામાં આવ્યા હતા. બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અજિત ડોભાલ પણ એરબેઝ પહોંચ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.